તમે બિલાડી પાળવાના શોખીન હો. નવી પાડવાની ઈચ્છા હોય અને બહાર રૂબરૂ જવાની જગ્યાએ ઓનલાઈન બિલાડીનો ઓર્ડર કરી દો અને જ્યારે ઓર્ડર મળે ત્યારે બિલાડી નહીં પરંતું વાઘનું બચ્ચું નીકળે તો ?
આવો જ એક કિસ્સો ફ્રાન્સમાં બન્યો છે જ્યાં એક દંપતી બિલાડી પાળવા માગતુ હતું. બહાર શોપ પર ન જઈને તેમણે ઓનલાઈન બિલાડી ઓર્ડર કરવાનું વિચાર્યું. ઓનલાઈન અનેક બિલાડીઓ જોઈ અને આખરે એક બિલાડી પસંદ કરી જેની કિંમત એક હજાર યુરો એટલે કે પાંચ લાખ રૂપિયા હતી.
કપલે આ ક્યૂટ બિલાડી ઓર્ડર પણ કરી દીધી. ત્યારબાદ બંને ઘરના નવા સભ્યના આવવાની રાહ જોવા લાગ્યા. ઈંતઝારની ઘડીઓ ખતમ થઈ. ઘરે એક બોક્સ આવ્યું. દંપતીએ બોક્સ ખોલ્યું તો અંદરથી બિલાડી જેવું જ દેખાતું એક અજીબ બચ્ચું નીકળ્યું. જો કે, તેને પણ આ દંપતીએ સ્વીકાર્યું અને પરિવારનું સભ્ય બનાવ્યું. એક અઠવાડિયા પછી દંપતીને થયું કે આ બિલાડી નહીં પરંતુ વાઘનું બચ્ચું છે. તેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો. આ ઘટના બાદ દંપતીને બે વર્ષ કોર્ટના ચક્કર કાપવા પડ્યા.
ઘટના 2018ની છે. જેનો ચુકાદો હવે આવ્યો છે. 2018માં દંપતીએ બિલાડી ખરીદી હતી. 2018માં દંપતીએ સામેથી પોલીસનો સંપર્ક કર્યો છતાં 2 વર્ષ સુધી તપાસ ચાલી. એટલું જ નહીં તપાસમાં હજુ સામે નથી આવ્યું કે ફ્રાન્સમાં આ વાઘનું બચ્ચું આવ્યું ક્યાંથી ? કેમ કે જે દંપતીના ઘરે જે વાઘનું બચ્ચુ ડિલિવર થયું હતું તે ઈન્ડોનેશિયાના ‘સુમાત્રા ટાઈગર’નું બચ્ચુ હતું.
આ ઉપરાંત બિલાડી પાલતુ જાનવર તરીકે સ્વીકાર્ય છે પરંતું વાઘ સંરક્ષિત પ્રજાતીમાં આવે છે જેથી વાઘને પાળી ન શકાય. આ કેસમાં બિલાડીનો ઓર્ડર કરનાર દંપતી સહિત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દંપતી પર સંરક્ષિત પ્રજાતીની તસ્કરીનો આરોપ લાગ્યો હતો. થોડા સમય બાદ દંપતીને છોડી દેવાયું હતુ. દંપતીએ દાવો કર્યો હતો કે, તેમણે પાળેલી બિલાડી હકીકતમાં વાઘનું બચ્ચું છે.
દાવો કરાયો છે કે, દંપતી સાથે આ ઘટના બની તે પહેલા આ વાઘના બચ્ચાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. હાલ વાઘના બચ્ચાનું સ્વાસ્થ્ય ખુબ સારું છે અને તેને ફ્રાંસીસી જૈવ વિવિધતા કાર્યાલયને સોંપવામાં આવ્યું છે. એટલે કે અંતમાં વાઘના બચ્ચાને નવું ઘર મળી ગયું છે.