રોજગારી દેશમાં સૌથી મોટો મુદ્દો બની ગયો છે. એમાંય લોકડાઉન બાદ અનેક યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે તેઓને નોકરી આપવી સરકાર માટે પડકાર છે. ત્યારે સરકાર માટે આ મુદ્દો મુસીબત બની ગયો છે. 12 નવેમ્બરે દિલ્હીમાં રોજગારીને લઈને હલ્લાબોલ થવા જઈ રહ્યું છે. બે વર્ષથી લટકેલી ભરતીનું ભૂત ધુણ્યું છે જે સરકારની ઉંઘ હરામ કરી શકે છે.

કેન્દ્રીય અર્ધસૈનિક દળમાં સૈનિકોની ભરતી માટે એસએસસી જીડી 2018ના લાખો ઉમેદવારો તરફથી કન્ફેડરેશન ઓફ એક્સ પેરામિલિટરી ફોર્સ વેલ્ફેર એસોસિએશનને કેન્દ્ર સરકારને ભરતીને લઈને છેલ્લી તક આપી છે. જો એસોસિએશનના પ્રતિનિધિઓને કેન્દ્ર સરકાર વાતચીત માટે નહીં બોલાવે તો 12 નવેમ્બરે દિલ્હીમાં રાજઘાટ પર હલ્લાબોલ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એસોસિએશનના મહાસચિવ રણબીર સિંહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ મામલામાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે.

રણબીર સિંહે ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરી છે કે તમામ અર્ધસૈનિક દળના પ્રમુખોની બેઠક બોલાવીને સૂચના આપવામાં આવે કે ત્રણ વર્ષથી ચાલી આવતી આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે અને મેડિકલ ફીટ યુવાનોની ભરતી કરવામાં આવે. 85 હજાર યુવાનોને તાત્કાલિક નિયુક્તિ પત્ર આપી દેવાની પણ માગ કરવામાં આવી છે.
ટ્વિટર પર #ચલોરાજઘાટ કરી રહ્યું છે ટ્રેન્ડ
એસોસિએશન દ્વારા એસએસસી જીડી 2018ના ઉમેદવારોની સાથે મળીને ટ્વિટર પર ગત અઠવાડિયે અભિયાન ચલાવ્યું હતું. જેમાં લગભગ સાડા છ લાખ ઉમેદવારો જોડાયા હતા. હવે 12 તારીખ નજીક આવતા ફરી ટ્વિટર પર #chalorajghat ટ્રેન્ડ કરી રહ્યું છે. અનેક યુવાનો ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ સાથે 12 તારીખે દિલ્હી રાજઘાટ પર શાંતિપૂર્ણ વિરોધ કરવા આવવા માટે ટ્વિટ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે સરકારે 2018માં પરીક્ષા લીધી હતી. 85 હજાર યુવાનો મેડિકલી પણ ફીટ છે અને તમામ માપદંડોમાં પણ તેઓ પાસ થયા છે તેમ છતાં બે વર્ષ થયા હોવા છતાં તેઓને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યા.
જો ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો 12 તારીખે લાખો યુવકો દિલ્હીના રાજઘાટ પર ઉમટી પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

1 લાખથી વધુ જગ્યા ખાલી
સુરક્ષા દળમાં લગભગ એક લાખથી વધુ જગ્યા ખાલી છે પરંતુ સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા ખૂબ જ ગોકળગતિએ ચાલી રહી છે. લગભગ 55 હજાર જગ્યાઓ માટે લેખિત અને શારીરિક પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ધીમે ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન ખાલી જગ્યાની સંખ્યા એક લાખથી ઉપર થઈ ગઈ છે.
અર્ધસૈનિક બળ સાથે જોડાયેલા સંગઠન કન્ફેડરેશન ઓફ એક્સ પેરામિલિટરી ફોર્સનું કહેવું છે કે ઓગસ્ટ 2018માં લગભગ 54,953 જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતીમાં લેખિત અને શારીરિક પરીક્ષા યોજાઈ હતી. પરંતુ બે વર્ષ બાદ પણ લાયક ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યા. આ બે વર્ષની અંદર ઘણા ઉમેદવારો ભરતી માટેની મહત્તમ ઉંમર પણ વટાવી ચૂક્યા છે.

આટલી જગ્યાઓ ખાલી
આ અંગે ગૃહ મંત્રાલયના સૂત્રો જણાવી રહ્યા છે કે ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે હાલમાં જ આ મુદ્દાનો સંસદમાં સ્વીકાર કરતાં જાણકારી આપી હતી કે, સપ્ટેમ્બર સુધી સીઆરપીએફમાં 26506, બીએસએફમાં 28926, સીઆઈએસએફમાં 23906, એસએસબીમાં 18643, આઈટીબીપીમાં 5784 તથા અસમ રાઈફલ્સમાં 7328 પદ ખાલી છે.
યુવાનો વડાપ્રધાનને લખી રહ્યા છે પત્ર

અલગ અલગ રાજ્યના યુવાનો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને વડાપ્રધાનને પત્ર લખીને એસએસસી જીડી ભરતી 2018ની પ્રક્રિયા પૂર્ણ કરીને મેડિકલમાં ફીટ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા અને ભરતી પ્રક્રિયામાં જગ્યાની સંખ્યા વધારવા માટે માગ કરી રહ્યા છે.