જૂનાગઢથી ચિરાગ જાદવ : એક દિવસ મારા મિત્ર સાથે ફોન પર વાત કરતો હતો. કોલેજના દિવસો યાદ કરતા હતા. વાત કરતાં કરતાં તે એમ બોલ્યો કે, ક્યારે સફળ થશું? આટલું ભણ્યા શું કામનું? ખાલી ડિગ્રીઓ મેળવી એટલું જ ને? સરકારી નોકરી તો કોણ જાણે ક્યારે મળશે?
ત્યાં સુધી તો પ્રાઇવેટમાં કરવાની. એટલે મેં એને પૂછ્યું કે સરકારી નોકરી મળી જાય એટલે સફળ થઈ ગયા કહેવાય? તો એ કહે હા જ તો, બધા એટલે જ ભણતા હોય છે… થોડો ટાઈમ તો મેં પણ વિચાર્યું કે, આવું કેટલા લોકો વિચારે છે કે સરકારી નોકરી મળી જાય એટલે સફળ થઈ ગયા કહેવાય?
આ પ્રશ્નનો જવાબ જાણવો જરૂરી હતો. એવામાં એક દિવસ મારા મિત્ર યુગ અગ્રાવતે તેની ફેસબુક સ્ટોરીમાં સ્ટેટ્સ રાખ્યું કે, ‘કોઈ પણ વિષય પર પ્રશ્ન પૂછો હું એનો જવાબ આપીશ.’
તે ગવર્મેન્ટ ટીચર છે એટલે થયું કે લાવ આ પ્રશ્ન એમને જ પૂછું. એટલે મેં એમની સ્ટોરીનો રીપ્લાય કર્યો અને પૂછ્યું કે, સફળ વ્યક્તિ કોને કહી શકાય? તો એને ખૂબ જ સરસ જવાબ આપ્યો તેને કહ્યું કે,‘જે વ્યક્તિ પોતાને જે મેળવવાનું નક્કી કર્યું હોય એ મેળવી લે અથવા તો એ ના મળે તો જે મળ્યું છે એમાં સંતોષ રાખે એ સફળ વ્યક્તિ કહેવાય.’ એના જવાબથી હું પૂર્ણપણે સંતુષ્ટ હતો. મને ખૂબ જ ગમ્યો એનો જવાબ.
પછી વિચાર આવ્યો કે બીજા લોકો સફળ વ્યક્તિ કોને કહે છે? એટલે મેં what’s app ના માધ્યમથી બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આપવાનું કહ્યું. તો બધા મિત્રોના જવાબ interesting હતા.
બધાં એ પોતાની સમજણ શક્તિ પ્રમાણે જવાબ આપ્યાં. અમૂક જવાબ રમુજી પણ હતા. એક મિત્રએ પ્રશ્નના જવાબમાં એમ કહ્યું કે, ‘મને જ સફળ વ્યક્તિ કહેવાય.’
તો કોઈએ લખ્યું કે, ‘હું ખુદ નિષ્ફળ વ્યક્તિ છું તો સફળ વ્યક્તિની મને કયાંથી ખબર હોય.’ આવા ઘણાં જવાબો મળ્યાં પણ કોઈએ એમ જવાબ ના આપ્યો કે સરકારી નોકરી મળી જાય એટલે સફળ વ્યક્તિ થઈ ગયા કહેવાય.
એટલે મને લાગ્યું કે લોકો સરકારી નોકરીને જ સફળતા નથી કહેતા. પણ હર એક વ્યક્તિ કોઈ ધ્યેય સાથે જીવતું હોય છે તો વિચાર આવ્યો કે મારાં મિત્રોને પોતાના કયા કયા ધ્યેય છે તે જાણું ?
એટલે થોડાં દિવસ પછી મેં what’s app માં ફરી પ્રશ્ન કર્યો કે, ‘સફળ થવા માટે તમે શું શું કરો છો?’ બધા મિત્રોએ એના જવાબ આપ્યા. પણ બધાના જવાબ આશ્ચર્યજનક હતાં.
કારણ કે મોટા ભાગના મિત્રો એ જવાબ એવો આપ્યો કે, ‘સફળ થવા માટે અમે પરીક્ષાની તૈયારી કરીએ છીએ’ એનો મતલબ એવો કે પોતાની સફળ વ્યક્તિની વ્યાખ્યા અલગ છે પણ પોતે સફળ થવા માટે તો સરકારી નોકરીની ખોજમાં જ છે…
મારા મત પ્રમાણે, હું સફળ વ્યક્તિ કોઈ સરકારી નોકરિયાતને નથી કેહતો. કારણ કે દુનિયામાં ઘણાં એવા વ્યક્તિ છે જેને સરકારી નોકરી નથી તેમ છતાં તે સફળ છે. થોડાક ઉદાહરણ જોઈએ..
બિલ ગેટ્સ
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ. બિલ ગેટ્સે એવું કહેલું કે હું પરીક્ષામાં અમૂક વિષયમાં ફેલ થયો હતો અને મારા મિત્રો પાસ થાય હતાં. મારાં મિત્રો માઈક્રોસોફ્ટ કંપનીઓના એન્જિનિયર છે અને હું માઈક્રોસોફ્ટ કંપનીનો માલિક.
બિયર ગ્રેલ્સ
16000 ફૂટ ઊંચેથી પડી ગયા અને તેમની પીઠ ભાંગી ગઈ ફાટેલા પેરાશૂટને કારણે. ડોકટરે કહ્યું કે તે હવે ચાલી શકશે નહીં. 2 વર્ષ પછી તેણે માઉન્ટ એવરેસ્ટ ચડી લીધો..
સચિન તેંડુલકર
જેને ક્રિકેટના ભગવાન કહેવાય છે. તે માત્ર ધોરણ 10 પાસ છે.
સ્ટીવ જોબ્સ
આ વ્યક્તિને બધા જાણતા હશો. તેણે રીડ કોલેજમાંથી પોતાનો અભ્યાસ છોડી દીધો હતો અને 1976માં એપલ કંપનીની સ્થાપના કરી હતી.
માર્ક ઝૂકર બર્ગ
આ વ્યક્તિને પણ બધા જાણતા હશો. ફેસબુકના સંસ્થાપક, જેણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ છોડી દીધો હતો.
આવા અનેક લોકો છે જે બહુ ભણેલા નથી કે સરકારી નોકરી નથી કરતાં તેમ છતાં તે સફળ છે. હું એમ નથી કેહતો કે નોકરી મેળવવા પ્રયત્ન ના કરવો જોઈએ, પણ જો નોકરી ના મળે તો ખુદને નિષ્ફળ તો ના જ કહી શકાય. બધા વ્યક્તિ પાસે કંઈક આવડત છે અને તેને ઓળખીને તેની પાછળ તનતોડ મહેનત કરવી જોઈએ. આપણને ગમતું કરશું તો જ સફળ થયા કહેવાશું. બાકી પૈસા કમાવાના ઘણા રસ્તા છે. બીજા રસ્તામાં પૈસા મળશે પણ ખુદને સફળ નહીં કહીં શકીએ. દરેક અસફળ લાગતું કાર્ય સફળ થવા માટે જ બનતું હોય છે.
છેલ્લે બસ એટલું જ કહીશ કે…
Your degree is just a piece of paper, your education is seen in your behavior…