Team Chabuk-Political Desk: અંતે પંજાબમાં ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્ની પર મુખ્યમંત્રી પદનો કળશ ઢોળવામાં આવ્યો છે. તેઓ પંજાબના મુખ્યમંત્રી બનશે. આ અંગે પંજાબના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરી જાણકારી આપી હતી. ચન્ની પંજાબના પહેલા દલિત શીખ મુખ્યમંત્રી હશે. તેઓ હરીશ રાવતની સાથે સાડા છ વાગ્યાની આસપાસ રાજ્યપાલની સાથે મુલાકાત કરશે. આ પહેલા તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે. બીજી બાજુ નવજોત સિંહ સિદ્ધુના નજીકના મનાતા સુખજિંદર રંધાવા મુખ્યમંત્રી બનશે તેવી ચર્ચા છેલ્લે સુધી ચાલી રહી હતી. જોકે રાત થતાં થતાં વાતાવરણ પલટાઈ ગયું હતું. રંધાવાના નામ પર વિરોધ ઉઠ્યો તો હાઈકમાન્ડે ચન્નીને પ્રદેશની કમાન સોંપી દીધી હતી.
It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd
— Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021
આખરે સિદ્ધુનું જ ચાલ્યું
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પસંદ કર્યા એ પહેલા સુખજિંદર રંધાવાનું નામ પંજાબની આબોહવામાં કડાકા ભડાકા બોલાવતું હતું. પણ નવજોત સિંહ સિદ્ધુને આ નામથી પરેશાની હતી. જેથી અંત સુધી આ નામ નામ બનીને જ રહ્યું તેની આગળ ‘મુખ્યમંત્રી’ ન લાગ્યું. ખૂદ સિદ્ધુએ પણ મુખ્યમંત્રી બનવાનો દાવો ઠોક્યો હતો, જોકે તેઓ પાર્ટીમાં પંજાબ કોંગ્રેસ પ્રધાન હોવાના કારણે હાઈકમાન્ડે તેમના નામ પર ચોકડી મારી દીધી હતી. એ પછી સિદ્ધુએ દલિત મુખ્યમંત્રીનું નામ આગળ કર્યું હતું. સિદ્ધુએ ચન્નીનું નામ સામે રાખ્યું તેની પાછળ ખાસ કારણ છે, સિદ્ધુ એવા મુખ્યમંત્રી ઈચ્છે છે જે તેમની વાત સાંભળે અને સુખજિંદર રંધાવાનો સ્વભાવ કેપ્ટનને મળતો આવતો હતો.
અમ્બિકાએ ના પાડી દીધી
આ પહેલા કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ રવિવારે ચંદીગઢમાં થનારી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકને સ્થગતિ કરી દેવામાં આવી હતી. કેટલાય દિગ્ગજ કોંગ્રેસી નેતાઓના નામ પર મનોમંથન કરવામાં આવ્યું હતું. જેમાં અમ્બિકા સોની પાસેથી પણ સોનિયા ગાંધીએ મંતવ્ય લીધું હતું. જોકે અમ્બિકા સોનીએ મુખ્યમંત્રીનું પદ સ્વીકાર્યું નહોતું. રાહુલ ગાંધીને મળવા માટે પહોંચેલી અમ્બિકા સોનીએ પોતાની રાજકીય મતિ દર્શાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદ કોઈ શીખ પાસે હોવું જોઈએ.
હું કેપ્ટનનને ત્રીસ દિવસમાં ખદેડી મૂકેત
પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ દેશદ્રોહી નથી. જો હવે પછી કેપ્ટન અમરિન્દર સિંહ સિદ્ધુને દેશદ્રોહી કહેશે તો હું આખું પુસ્તક ખોલીને રાખી દઈશ. કેપ્ટનના નિશાના પર સિદ્ધુ નહીં પણ ગાંધી પરિવાર છે. હું ગાંધી પરિવારને નિશાનો નહીં બનવા દઉં. કેપ્ટન અમરિન્દર સિંહ છેલ્લા પાંચ વર્ષથી પંજાબને બદનામ કરી રહ્યા છે. આ પાર્ટીના લોકો તેમને ગત સાડા ચાર વર્ષથી સહન કરી રહ્યા છે. જો હું પાર્ટીનો નેતા હોત તો કેપ્ટનને ત્રીસ દિવસમાં ખદેડી દેત.
કેપ્ટનનો સોનિયાને પત્ર
કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપતા પૂર્વે સોનિયા ગાંધી સાથે પત્રવ્યવહાર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, તેમની સરકારે સાડા ચાર વર્ષના કાર્યકાળમાં 89 ટકા વાયદાઓને પૂર્ણ કર્યા છે. પત્રમાં કેપ્ટને પંજાબ કોંગ્રેસમાં થઈ રહેલા રાજકીય પરિવર્તનના કારણે રાજ્યમાં અસ્થિરતા પેદા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત