Team Chabuk-Sports Desk: છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમમાં આ વાતનો ગણગણાટ થઈ રહ્યો હતો. આજે એ વાત સાચી પડી છે. સિનીયર ખેલાડી પુજારા અને રહાણેની શ્રીલંકા પ્રવાસમાંથી બાદબાકી કરી નાખવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ આ બંને ખેલાડીઓ ખરાબ ફોર્મની સામે સંઘર્ષ કરી રહ્યા હતા. ટીમને જ્યારે જ્યારે રનની આવશ્યકતા હતી ત્યારે ત્યારે આ બંને ખેલાડીઓએ નિરાશ કર્યાં હતા. જેથી ક્યારે આ બંને ખેલાડીઓની ટીમમાંથી વિદાય થાય તેની ક્ષણો ગણાઈ રહી હતી. ભારતીય ટીમના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ પણ આ બંને ખેલાડીઓને રણજી ટ્રોફી રમી ફોર્મમાં પરત ફરવાનું માર્ગદર્શન આપ્યું હતું. કદાચ એ એક હિન્ટ હતી કે આવનારા પ્રવાસમાંથી બંને ખેલાડીઓના નામની બાદબાકી થવાની જ છે. અને થયું પણ એવું જ.
માત્ર પુજારા અને રહાણે બે જ એવા ખેલાડી નથી જેમની ટેસ્ટ ટીમમાં પસંદગી નથી થઈ, પરંતુ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સહાને પણ શ્રીલંકા પ્રવાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે પસંદગીકાર ચેતન શર્માએ જણાવ્યું હતું કે, ભારત અધિકારીક રીતે ટ્રાન્ઝિશન ફેઝમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ટેસ્ટ ટીમમાં રહાણે, પુજારા, ઈશાંત અને સાહા નથી. હવે વિહારી, ગિલ અને શ્રેયસને બેક કરવાનો સમય આવી ચૂક્યો છે.
વધુમાં પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું હતું કે, અમે પુજારા, રહાણે, ઈશાંત અને સાહાને રણજી ટ્રોફી રમવા માટે અનુરોધ કર્યો છે. અમે રહાણે અને પુજારાને કહ્યું છે કે બે ટેસ્ટ માટે અમે તેમના પર વિચાર નહીં કરીશું. અમે કોઈ માટે દરવાજો બંધ નથી કરી રહ્યા. રન બનાવે, વિકેટ લે અને દેશ માટે રમે, મને આશા છે કે તેઓ જબરદસ્ત પુનરાગમન કરશે.
અંતિમ 12 મહિના અજિંક્ય રહાણે માટે પડકારજનક રહ્યા છે. વર્ષ 2021માં 33 વર્ષીય રહાણેએ 13 ટેસ્ટ મેચમાં 20.83ની નિરાશાજનક એવરેજથી માત્ર 479 રન બનાવ્યા હતા. પરિણામ સ્વરૂપ રહાણેને ટેસ્ટમાંથી ભારતના વાઈસ કેપ્ટનના પદેથી પણ હટાવી દેવામાં આવ્યો. હવે શ્રીલંકા સામેની શ્રેણી પહેલા ટેસ્ટ ટીમમાં પણ તેનું નામ નથી. હાલમાં જ રહાણેએ એક ઈન્ટરવ્યૂમાં ઓસ્ટ્રેલિયા સામેની ગાબા શ્રેણીને યાદ કરી વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો અને કહ્યું હતું કે કોઈ તેની ક્રેડિટ લઈ જઈ રહ્યું છે.
વર્ષ 2021માં ચેતેશ્વર પુજારાએ 14 ટેસ્ટમાં 28.08ની એવરેજથી 702 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે છ હાફ સેન્ચુરી જરૂર ફટકારી હતી પણ તેની સ્ટ્રાઈક રેટ 34.17ની રહી હતી. ખરાબ સ્ટ્રાઈક રેટ માટે તેની વારંવાર આલોચના કરવામાં આવી હતી. ઈશાંત શર્માની વાત કરવામાં આવે તો તેનું ફોર્મ પણ કંઈ ખાસ અસરકારક નથી રહ્યું અને તે ફિટનેસની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યો હતો. ઋદ્ધિમાન સહાની વધતી ઉંમરના કારણે બીસીસીઆઈએ કે.એસ.ભરતની સાથે જવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંતની વિકેટકીપર તરીકેની એન્ટ્રી બાદ ઋદ્ધિમાન સહાના વળતા પાણી થયા હતા. વિકેટકીપિંગ એક એવી જગ્યા છે જેમાં કોઈ એક કે વધીને બે ખેલાડીનો જ સમાવેશ થાય છે. ધોનીની નિવૃતિ બાદ આ પદ પર કોઈ વિસ્ફોટક ખેલાડીની આવશ્યકતા હતી. જે બેટ અને વિકેટકીપિંગ બંનેથી પ્રભાવ પાડી શકે. આ તમામમાં ઋષભ પંત અવ્વલ રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત