જેલનું નામ સાંભળીને જ મનમાં એક દ્રશ્ય ખડું થઈ જાય છે. આંખની સામે પેલી ફિલ્મી સ્ટાઈલ જેલ આવી જાય. લોખંડના સળિયા, મચ્છર, ગંદકી અને જોવું પણ ન ગમે તેવું ખાવાનું. કેટલાક લોકો તો જેલના નામ માત્રથી પ્રસ્વેદથી સ્નાન કરી લે.
આમ તો કહેવાય છે કે, કાયદો બધા માટે સરખો હોય છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી બની છે જે જાણીને તમે જ કહેશો કે, ‘કોઈ તો હૈ જો ફિરકી લે રહા હૈ.’ સજા નહીં પરંતુ સુવિધા માટે તો કાયદો કેટલાક લોકો માટે અલગ તરી આવ્યો છે. કોઈ એવો ખાસ કેસ હોય તો ખાસમખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
પહેલાં વાત કરીએ પી.ચિદંબરમની. જેઓ દેશના ગૃહમંત્રી રહી ચુક્યા છે. ઉમદા વ્યક્તિ તરીકે ઊભર્યા અને જેલમાં પણ ગયેલા. INX મીડિયા કેસ દરમિયાન આપણે સાંભળ્યું જ છે કે કેવી રીતે તેમને જેલમાં VVIP ટ્રીટમેન્ટ અપાઈ. CBIએ જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે પણ તેમને એક ફૂલ સુવિધાવાળા રૂમમાં રખાયા હતા. જ્યારે તેમને તિહાડ જેલમાં જવાનું થયું ત્યારે પણ તેમના વકીલ કપીલ સિબ્બલે તેમના માટે કેટલીક સુવિધાઓની માગણી કરી લીધી અને એ મંજૂર પણ થઈ ગઈ.
જે સુવિધાઓની માગણી કરાઈ હતી તેમાં ચશ્મા, દવાઓ, સુરક્ષા અને અલગ બેરેક ઉપરાંત વેસ્ટર્ન ટોયલેટ હતું. કોર્ટમાં કપીલ સિબ્બલે દલીલ કરી હતી કે પી.ચિદંબરમ ઈન્ડિયન ટોયલેટમાં બેસી નથી શકતા એટલે તેમના માટે જેલમાં વેસ્ટર્ન ટોયલેટ ઉપલબ્ધ કરવામાં આવે. કોર્ટે એવું કરાવ્યું પણ ખરું.
ઈતિહાસમાં પી.ચિદંબરમ એક જ નેતા નથી જેમના માટે જેલમાં આવી સુવિધાઓની માગણી થઈ હોય. ખાસ કરીને અંગ્રેજી ટોયલેટ. બીજા એક નેતા ગુજરાતના છે. ઈંદિરા ગાંધીની સરકાર વખતે તેમણે પણ જેલમાં વેસ્ટર્ન ટોયલેટની માગણી કરી લીધી હતી. અને આ સુવિધા તેમના માટે જુગાડ કરીને ઊભી પણ કરાઈ હતી.
આ નેતાનું નામ હતું પીલૂ મોદી. પીલૂ મોદી ગોધરાથી સાંસદ હતા. આમ તો ઈંદિરા ગાંધીના વિરોધી હતા પણ વિરોધી માત્ર રાજકીય રીતે અંગત રીતે તેઓ ઈંદિરા ગાંધીના બહુ સારા મિત્ર માનવામાં આવતા હતા. જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ થઈ ત્યારે તેમને દિલ્લીની રોહતક જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલમાં કેટલાક દિવસ વિતાવ્યા બાદ પીલૂ મોદીને ઈંદિરા ગાંધીની એક ચીઠ્ઠી મળી જેનો સાર એ હતો કે જેલમાં કોઈ તકલીફ તો નથી ને ?
પીલૂ મોદી જેલની બધી તકલીફ સહન કરી લેતા હતા પરંતુ એક ટોયલેટની તકલીફ તેમનાથી સહન નહતી થતી. એટલે તેમણે પણ મોકા પર ચોકો માર્યો અને કહી જ દીધું કે, બાકી બધું તો બરાબર છે પરંતુ ટોયલેટ બહુ ત્રાસ આપે છે.
બસ પછી શું હતું ? ઈંદિરા ગાંધીએ તાત્કાલિક જેલ પ્રશાસનને સુવિધા ઉપલબ્ધ કરાવવા કહ્યું અને તંત્ર દોડતું થઈ ગયું.
જેલ પ્રશાસન મુંઝવણમાં મુકાયું કેમ કે એ સમયે રોહતકમાં વેસ્ટર્ન ટોયલેટ ન હતું મળતું. જોકે, પોલીસ તંત્રએ એક યુક્તિ શોધી કાઢી. મિસ્ત્રીને બોલાવ્યો. મિસ્ત્રીએ જુગાડ કરીને વેસ્ટર્ન આકારનું ટૉયલેટ બનાવી દીધુ જ્યાં પીલૂ મોદી શાંતિથી હળવા થઈ શકે. આમ, જેલમાં વેસ્ટર્ન ટોયલેટની માગણી કરનારા પીલૂ મોદી પહેલાં નેતા હતા.
આ તો થઈ મોટા નેતાઓની વાત. જેમની અપીલથી તેમને જેલમાં પણ ઘર જેવી સુવિધા મળે. હવે સામાન્ય કેદીઓનું જેલમાં જીવન કેવું હોય તેના પર પણ એક નજર કરી લઈએ.
સવારે છ વાગ્યે એલાર્મ વાગે એટલે ઉઠી જવાનું. પ્રાર્થનામાં જવાનું. સવારે સાત વાગ્યે ચા અને નાસ્તો. ચા ઓછી અને ગરમ પાણી વધારે હોય તેવું લાગે. ચા સાથે ક્યારેક પૌઆ તો ક્યારેક બિસ્કીટ આપવામાં આવે જે જેલમાં જ બન્યા હોય.
નાસ્તા-પાણી પછી કેદીઓને ન્હાવા-ધોવાનો સમય આપવામાં આવે છે. આ દરમિયાન કેદીઓ કપડાં પણ ધોઈ લે છે. બપોરે 12 વાગ્યે જમવાનું આપવામાં આવે છે. રોટલી, શાક, ભાત. જેવો ‘સ્વાદિષ્ટ’ નાસ્તો હતો તેવું જ ભોજન. હા. કેદીઓને વધુ ભૂખ લાગી હોય તો જેલમાં કેન્ટીન પણ હોય છે ત્યાંથી ખરીદીને ખાઈ શકે છે.
હવે સવાલ થાય કે કેદી પાસે પૈસા ક્યાંથી હોવાના ? તો જવાબ છે જ્યારે કેદીઓને મળવા સગા સંબંધીઓ આવે તે તેમને રૂપિયા આપી શકે છે. જોકે, કેદીઓ રોકડા રૂપિયા નથી રાખી શકતા. જેલમાંથી તેમને એ પૈસાના કૂપન આપવામાં આવે છે. 2,5,10,20 રૂપિયાના કૂપન. આ કૂપન કેદીના નંબરનો જ હોય છે જેથી કોઈ અન્ય કેદી તેનો ઉપયોગ ન કરી શકે. એક કેદી વધુમાં વધુ 2 હજાર રૂપિયા રાખી શકે છે. કૂપન એટલા માટે આપવામાં આવે છે કે કોઈ અન્ય કેદી રૂપિયા માટે ઝઘડો ન કરે.
બપોરે થોડો પરિવારજનોને મળવાનો અને કામ કરવાનો સમય આપવામાં આવે છે. રાત્રે 7 વાગ્યે જમવાનું તૈયાર હોય છે. એ જ પ્રકારનું જેવું બપોરે. દાળ, રોટલી. તહેવારોમાં કેદીઓને સ્વીટ્સ પણ આપવામાં આવે છે. રાત્રે 8 વાગ્યે તમામ કેદીઓને બેરેકમાં મોકલી દેવામાં આવે છે.
જેલમાં અંદર ઓછો સ્ટાફ હોય છે. કેદીઓને જ તમામ જવાબદારી સોંપવામાં આવી હોય છે. જમવાનું બનાવવાથી લઈ ખેતી સુધીની તમામ જવાબદારી. કેદીઓને સાચવવા માટે સરકાર પણ ખર્ચ કરે છે. આ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. ભારતમાં સરેરાશ એક કેદી પાછળ 50થી 52 રૂપિયાનો ખર્ચ થાય છે. આમ, સામાન્ય કેદી અને ઉચ્ચકક્ષાના કેદી વચ્ચે આ તફાવત છે.