હું ઈસ્કોનથી મારા રૂમ તરફ જતો હતો. રસ્તામાં મને રવિ મળી ગયો. તેના હાથમાં નવા નક્કોર, આભલા ટાંકેલા કપડાં હતા. જે કોઈ પણ ગુજરાતીને પહેરવાનું મન થઈ જાય. મે પૂછ્યું, ‘ભાઈ આ શું લઈ આવ્યો? ગરબા તો થવાના નથી તો પછી…?’
એણે મને અધવચ્ચેથી જ અટકાવ્યો અને કહ્યું, ‘ભાઈ આ લઈ નથી આવ્યો આપવા જઉં છુ. નવરાત્રીમાં ગર્લફેન્ડ સાથે ગરબા રમવા માટે બંનેએ મેચિંગ ડ્રેસ પસંદ કર્યો હતો, પરંતુ સરકારે કોરોનાના કારણે ગરબાનું આયોજન રદ કરી ગર્લફ્રેન્ડ સાથે ગરબે ઘૂમવાની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું છે.’

મે તેને સાંત્વના આપતા કહ્યું, ‘ભાઈ નવરાત્રી આવતા વર્ષે થવાની જ છે. આ વર્ષે તમે બંને શાંતિ રાખી જાઓ. આવતા વર્ષે તમે પતિ-પત્ની તરીકે ગરબે ઘૂમવા જજો.’ જોકે તેને મારી વાત પરથી ખ્યાલ આવી ગયો કે પતિ-પત્ની બન્યા પછી ગરબે ઘુમવાની આજ જેટલી મજા નહીં આવે.
તેણે નિરાશ અવાજે કહ્યું, ‘યાર એનો કંઈ વાંધો નથી, પણ આ કપડાં મેં મારા મિત્રના પપ્પાની દુકાનેથી લીધા હતા. હવે પાછા આપતા અચકાઉં છું. એમને હું કપડાં પાછા આપીશ એટલે એ મને ભાડાનાં રૂપિયા રિટર્ન કરશે. એ બિચારાને તો નુકસાનીને?’
મે એક એક ધંધાની વાત માંડતા કહ્યું, ‘હા યાર, કોરોનાએ પથારી ફેરવી છે. માત્ર ટ્રેડિશનલ ડ્રેસના ધંધામાં જ નહીં ભાઈ, નવરાત્રી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને નુકસાની છે. દરેક એટલે ગામડાઓમાં પાર્ટીપ્લોટ, બહાર સોડા શોપ ખોલીને બેસેલા નાના વેપારીઓથી લઈ, લાઈટિંગ, મંડપ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાખો રૂપિયા લઈને લોકોને મોજ કરાવતા કલાકારોની પણ હાલત કફોડી બની છે. નવરાત્રીના નવ દિવસમાં લોકોને 40થી 50 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાયો છે.’

મારી વાત પર સહમતી દર્શાવતા તેણે કહ્યું, ‘હા યાર તું સાચો છો. મારો એક મિત્ર છે પ્રતીક. એને મંડપ ડેકોરેશનનો ધંધો છે. એ હમણાં વ્યાજે રુપિયા શોધતો’તો. દેવુ વધી જતા એણે મંડપનો સામાન વેચવા કાઢ્યો છે. છેલ્લા સાત મહિનાથી ધંધો ઠપ છે… એય શું કરે બેચારો? એણે મંડપનું કામ કરવાવાળા માણસોને પણ છુટા કરી દીધા છે. એટલે એમની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. એમની સાથે કામ કરવાવાળા મોટા ભાગના જુવાનીયાઓ છે, એ તો એમનું કરી લેશે, પરંતુ તેમનું ટ્રેક્ટર ચલાવે છે તે કાકા ઉંમરલાયક છે. એમનું શું થશે?’
થોડી વાર માટે રોકાઈને તેણે કહ્યું,‘છેલ્લે જ્યારે હું પ્રતીકને મળ્યો હતો ત્યારે આ કાકા પ્રતીક પાસે ઉપાડ લેવા આવ્યા હતા. તેમની પત્ની બીમાર હતી. ઘરમાં પતિ-પત્ની બે જ એટલે થોડા દિવસની રજા પણ માંગી હતી.’ રવિ થોડો ભાવુક થઈ ગયો.

એણે વાત આગળ વધારતા કહ્યું,‘નવરાત્રીમાં તો એ લોકો પાસે બે મિનિટનો સમય ન હતો રહેતો. પાછી સાઉન્ડ સિસ્ટમ પણ એના એક મિત્રની જ છે એટલે જ્યાં પ્રતીકનો મંડપ ત્યાં તેના મિત્રની સાઉન્ડ સિસ્ટમ. પણ આ વખતે એ જય-વિરુની જોડીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. મા દુર્ગાને પ્રાર્થના કરીએ કે બધાને આ મુશ્કેલ ઘડીમાં મદદ કરે.’
હું રવિને મળ્યો એની પહેલાં જ થોડું રિસર્ચ કર્યું હતું એટલે મેં તેને માહિતી આપી કે, ‘રવિ ગુજરાતમાં આ વખતે કાકા અને પ્રતીક સાથે કામ કરતા જુવાનીયાઓ જેવા વીસ હજાર લોકો બેરોજગાર રહેશે. એમા કેટરર્સ, બાઉન્સર્સ, ગાર્ડ, ઓરકેસ્ટ્રા અને કલાકારો સાથે ગાવા આવતા પ્લેબેક સિંગર પણ આવી ગયા. એમ માની લે કે, ડેકોરેશન સાથે એક પાર્ટી પ્લોટનું ભાડું અંદાજે 15થી 40 લાખ સુધીનું હોય. એવા ગુજરાતમાં 250થી વધુ પાર્ટી પ્લોટ છે. 250માં 50થી વધુ પાર્ટીપ્લોટ એવા છે જ્યાં મોટા આયોજનો થાય છે. હવે તું જ હિસાબ કર નુકસાનીનો આંકડો ક્યાં પહોંચશે.’
એ કોમર્સનો વિદ્યાર્થી એટલે હિસાબ તરત માંડે. એણે સરેરાશ 20 લાખની ખોટનો અંદાજ લઈ હિસાબ કર્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. એ બોલ્યો, ‘50 કરોડ રૂપિયા!’
મે કહ્યું, ‘હા ભાઈ. 50 કરોડ રૂપિયા.’
હું બોલ્યો, ‘આયોજનના સ્થળે ફૂડ કોર્નર હોય છે. જે આ વખતે બંધ રહેશે એટલે કેટરિંગના ધંધાને 5 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. સાઉન્ડ એન્ડ લાઇટિંગના ધંધાને પણ 4થી 5 કરોડનું નુકસાન થઈ શકે છે જ્યારે સિક્યોરિટી અને ઓર્કેસ્ટ્રાને પણ 2થી 2.50 કરોડની નુકસાનીનો અંદાજ છે.’

મારી આ વાત સાંભળીને તેણે ચીનને મોટી મોટી સંભળાવી. મે પણ તેનો સાથ આપ્યો અને ચા પીને છૂટા પડ્યા. પછી તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ગીત ચાલુ કર્યું.
‘रातें देंगी बता
नीदों में तेरी ही बात है
भूलूं कैसे तुझे
तू तो ख्यालों में साथ है
बेखयाली में भी तेरा
ही ख्याल आये
क्यूँ बिछड़ना है ज़रूरी
ये सवाल आये’
(આ દુખ કેમ પૂર્ણ નથી થઈ રહ્યું ?)
