મને કવિતામાં રસ નથી. રમેશ પારેખની ગઝલો ગમે એટલે ગીતોય ગમે પણ અવિનાશ વ્યાસનું નામ નહોતું સાંભળ્યું. વર્ષ હતું 2008નું. જૂનાગઢની સરકારી લાઈબ્રેરીમાં મારી ઠોઠડી સાઈકલ લઈ નવલકથા લેવા માટે ગયેલો. એ વિચારે કે ઘરે જઈ સસ્પેન્સ થ્રીલરમાં આળોટશું. ખૂન થશે, લોહી વહેડાવશું, બે ચાર હત્યાઓનાં પગેરા શોધશું.
જ્યારે પાછો ફર્યો ત્યારે મારા હાથમાં અવિનાશ વ્યાસનું પુસ્તક પાંદડુ લીલું ને રંગ રાતો હતું. જેમાં અવિનાશ વ્યાસના એકથી એક ચડિયાતા ગીતો હતા. મને તો પહેલી વખત ખબર પડી કે રાત ઉજાગરા વેઠીને બોલિવુડમાં 400 ઉપર ગીતોને સંગીતબદ્ધ કરનારા અવિનાશ ભાઈએ આ બધા ગીતો લખ્યા છે. લબૂક ઝબૂક થતી ટ્યૂબલાઈટની જેમ એક વિચાર મનમાં એ પેસી ગયો કે આ ગીતોને કાઢી નાખીએ તો નવરાત્રી આપણા કંઈ કામની નહીં.
2012ની સાલમાં અવિનાશ ભાઈએ સો વર્ષ પૂર્ણ કર્યા. આજે 2020માં એકસોને આઠ વર્ષના થયા. 21 જુલાઈ 2012ના રોજ એમનો જન્મ થયો. 1940માં કેટલાક સપનાઓ પોતાની બેગમાં ભરી તેઓ મુંબઈ આવેલા. અહીં ઉસ્તાદ અલ્લાઉદ્દીન પાસેથી તેમણે શાશ્ત્રીય સંગીતની તાલીમ લીધી. ધીમે ધીમે નામ બનતું ગયું. તાલીમ અને રિયાઝ એકી બેઠકે કલાકો સુધી કરી શકતા હતા. એચ.એમ.વીની કંપનીમાં વાયોલીન વાદક તરીકે જોડાયા. તબલાવાદક અલ્લારખાંને મળ્યા અને સનરાઈઝર્સ પિક્ચર્સની મહાસતી અનસૂર્યામાં એક ત્રીજા સંગીતકાર તરીકે તેમને ક્રેડિટ મળી. પછીનો ઈતિહાસ સાક્ષાત્ આપણી સામે છે. ધડાધડ ગીતોની રમઝટ બોલાવી દીધી.
અવિનાશ ભાઈ વિશે હિન્દીનાં સંગીત વિવેચકો કહે છે કે, ‘તેમને હિન્દી કરતાં ગુજરાતીમાં વધારે સફળતા મળી.’ આમ કહેવા પાછળનું કારણ એ છે કે, અવિનાશ ભાઈએ જે સમયે હિન્દી સિનેમામાં સંગીતકાર તરીકેની કારકિર્દી બનાવી ત્યારે માઈથોલોજી ફિલ્મો બનાવવાનું ખાસ્સુ ચલણ હતું. માઈથોલોજીમાં તમે કયો પ્રયોગ કરો ? એક તો પરિસ્થિતિ પ્રમાણે ગીતનું સંગીત હોય. માઈથોલોજીની પરિસ્થિતિ રામાયણ અને મહાભારત હોય તો પહેલાથી જ ખબર હોય. ઉપરથી આવી સ્થિતિમાં નવો પ્રયોગ કરવાનો છેદ ઉડી જાય.
ગુજરાતી ભાષામાં કંઈક કરી બતાવવાનું હોય તો પછી કરવું કરવું ને નબળું શું કરવું ? 50નાં દાયકામાં તેઓ બંગાળી ગાયિકા ગીતા દત્તને ગુજરાતીમાં ગીત ગાવા માટે લઈ આવ્યા. ભવિષ્યની તો કોને ખબર કે ગીતા દત્ત એવા ગાયિકા બની જવાના છે જેમણે અવિનાશ વ્યાસના સંગીતની નીચે પોતાની બંગાળી ભાષા કરતાં ગુજરાતીમાં મબલખ ગીતો ગાયા હોય. 1957ની સાલમાં આવેલી ફિલ્મ નાગમતિમાં ‘આજ નહીં તો કલ’ નામના ગીત પર સ્વર અને સંગીતની આ જોડીએ કામ કર્યું હતું.
1953માં હિન્દી ફિલ્મમાં એન્ટ્રી મારી અને તુરંત તેમણે નામ કમાઈ લીધું. જોકે નામ કમાતા એમને વાર લાગેલી પણ સાધના એટલી કરેલી કે કોઈ તેમને ‘ના’ ન પાડી શકે. તીન બત્તી ચાર રાસ્તા ફિલ્મમાં સુગમ સંગીતનો સ-રસ ઉપયોગ કર્યો અને તે પણ આશા ભોંસલેને ગીત ગવડાવીને.
હિન્દીમાં પિરીયડ તેમનો 1962 સુધી ચાલ્યો હતો. કુલ 62 ફિલ્મોમાં સંગીત આપ્યું. એ સંગીત આપતા હતા પણ તેમની શૈલી લોકપ્રિય નહોતી થઈ રહી. તેઓ વાદ્ય સાથે ગાયકોનો સરસ ઉપયોગ કરતાં, કોરસમાં ગવડાવે તો ભુક્કા બોલાવી નાખે, પણ અગાઉ જે માઈથોલોજીની વાત કરી તેના કારણે ભવિષ્યમાં પણ તેમનું વધારે જામ્યું નહીં. આજે પણ જૂજ લોકો એવા હશે જેમને અવિનાશ વ્યાસના હિન્દી ગીતો કડકડાટ મોઢે હોય.
1962માં અવિનાશ ભાઈ હિન્દીમાંથી ગુજરાતીમાં આવ્યા, તેનો પાયો 1960માં નખાઈ ગયેલો. 1960માં એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ. નામ હતું મહેંદી રંગ લાગ્યો રે… ફિલ્મમાં અવાજ કોનો ? મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર, મન્ના ડે… નીચે આપેલ કોષ્ટક વાંચશો તો ખ્યાલ આવશે કે અવિનાશ વ્યાસે સીધી સિક્સ ફટકારી દીધી હતી. ગુજરાતી ભાષાના સંગીતને આગવી ઓળખ અપાવવા માટે તેમણે પોતાના કૌશલ્ય અને હિન્દી સિનેમાના સંબંધોનો બરાબર ઉપયોગ કર્યો હતો.
ગીત | ગાયકો |
આ મુંબઈ છે | મન્ના ડે |
મહેંદી તે વાવી માળવે | લતા મંગેશકર અને મન્ના ડે |
મહેંદી તે વાવી માળવે ગરબો | લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂર |
મહેંદી રંગ લાગ્યો | લતા મંગેશકર |
પાંદડું લીલું ને રંગ રાતો | લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂર |
ઘૂંઘટે ઢાંક્યું એક કોડિયું | લતા મંગેશકર |
રસ્તે રજળતી વાર્તા | લતા મંગેશકર |
નયન ચકચોર છે | લતા મંગેશકર અને મહંમદ રફી |
એ પછી અવિનાશ વ્યાસ તન મનથી ગુજરાત સાથે જ જોડાઈ ગયા. એકથી એક ચડિયાતા ગીતો આપ્યા, સંગીત સાથે ગીતો લખ્યા પણ. એ કેવી પરિસ્થિતિ હશે જ્યારે અવિનાશ ભાઈ ગીતો લખતા હશે? સંગીત વિશે તો મને ખ્યાલ નથી પણ થોડું ઘણું લખીએ એટલે વિચારવા મજબૂર જરૂર કરે કે અવિનાશ ભાઈ ગીતો કેવી પરિસ્થિતિમાં લખતા. નિરીક્ષણ કેમ કરતાં, એક પણ કડી નબળી ન જાય આ માટે સાવચેતી કેવી રીતે રાખતા ?
અસરાની અભિનિત ફિલ્મ અમદાવાદનો રીક્ષાવાળો. જેમાં અવાજ કિશોર કુમારનો છે. બીજા અંતરામાં જ કિશોર કુમાર અતિ પ્રસિદ્ધ એવા યુડલનો ઉપયોગ કરે છે. પછી ટીમ ચાબુકને ન કહેતા કે અવિનાશ ભાઈએ લખેલું ગીત વંચાવ્યું નહીં.
હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા
હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ
એમના વિશે ઉપેન્દ્ર ત્રિવેદીએ ખૂબ સરસ વાત કહેલી, ‘અવિનાશ ભાઈ કોઈ દિવસ પ્રોડ્યુસરને નુકસાન ન થવા દે. ગમે તેમ કરીને ફિલ્મની અંદર ત્રણેક જેટલા લોકગીતો તો નાખી જ દે. પરિણામ શું મળે ? બીજા કોઈ ગીતો હિટ જાય કે ન જાય પણ લોકગીત હિટ ચાલ્યું જાય. તેમની આ પદ્ધતિએ અઢળક પ્રોડ્યુસરોને નફો રડી આપ્યો હતો.’
રમેશ પારેખે લખેલું સાવરિયો રે મારો સાવરિયો સાંભળો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક આખો ઘાણવો એવા વિદ્યાર્થીઓનો આવે જે ગુજરાતી ગીતો અને તેમાંય અવિનાશ વ્યાસના ગીતો મોબાઈલમાં વગાડી રાતના ઘેઘુર અંધકારમાં મુંજકા ગામે જમવા માટે જતા હોય. સાવરિયોની એ કડી આવે…. ‘‘જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં, કેવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં…’’ ગીત સાંભળનારાઓને શરદ ઠાકરની વાર્તાનું પાત્ર યાદ આવી જાય. કોલેજમાં પોતાની સાથે ભણતી અને ગમતી છોકરી યાદ આવી જાય. એના સંગીતને સાંભળીને પ્રિયપાત્રનો ઝૂરાપો સહન ન થાય અને ત્યાં રમેશની એ કડી આવે ‘એણે ખાલી ઘડામાં ટહુકો ભર્યો.’ અને ગળે ડુમો બાઝી જાય. કયા કવિના ગીત પરથી સરસ મજાનું ગીત બને એનીય અવિનાશ ભાઈ શેરલોક હોમ્સની જેમ ચાંપતી નજર રાખતા.
1982માં આવેલી ફિલ્મ નસીબની બલિહારીમાં આશા ભોંસલેએ આ ગીત ગાયું હતું. ગૌરાંગ વ્યાસના હસ્તાક્ષર આલ્બમમાં આરતી મુનશીના કંઠે ગવાયું હતું. આજે તો જ્યાં જુઓ ત્યાં તેની મૂળ ધૂન સાથે તે ગવાતું રહે છે. આ ગીતની ખાસિયત એ છે કે છોકરો ગાય તો ભાવતું નથી પણ છોકરી ગાય તો છોકરાનાં મનમાં લાડવા ફૂટે છે.
હવે 2020ની નવરાત્રી તો કોરોનાસૂરના કારણે ફિક્કી થઈ ગઈ. સાચી વાત એ કે અવિનાશ વ્યાસ ન હોત તો દરેક નવરાત્રી હિરા મોતી વિનાનો ખોટો નવલખો હાર થઈ જાય. અવિનાશ ભાઈએ લખ્યું ચરર ચરર મારું ચકડોળ ચાલે, હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ છોગાળા તારા. જેને ક્રેડિટ આપ્યા વિના લવયાત્રી ફિલ્મે ઉઠાવી લીધેલું અને પછી ક્રેડિટ આપી ત્યારે કેવી આપી ‘Based on’ અરે ભાઈ આ અમારું જ છે. ખરેખર ગુજરાતીઓ ધંધાની જેમ કલાના ક્ષેત્રે પણ અમીટ છાપ છોડી જાય, પણ તેમને લૂંટનારાઓ વધી ગયા છે. આ તો સોશિયલ મીડિયાના જમાનામાં કપડાં ઉતરતા વાર નથી લાગતી. અવિનાશભાઈ પર પાછા આવીએ તો છેલા જી રે મારી સાટું પાટણથી પટોડા મોંઘા લાવજો, રંગલો જામ્યો, વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં…
આજે પ્રાચીન ગરબીઓ બંધ થઈ રહી છે. લોકોને નવરાત્રી તો પાસ વિના સૂના સંસાર જેવી લાગે. ડી.જેના તાલે ગીતને અગડમ બગડમ બનાવી નાચવામાં આવે. એમાં અવિનાશ ભાઈના ઓરીજનલ ગીત તો દેખાતા જ નથી. એમના ગીતોને રિમિક્સ કરીને એવી રીતે રજૂ કરવામાં આવે જેને નાડી નેફાનો ય સંબંધ ન હોય. હિન્દી ફિલ્મોમાં તો અંગ્રેજીની કડીઓ ઘુસાડવાનો એક મહિમા રહેલો છે. મને તો હજુ અવિનાશ દાદાના જ ગીતો ગમે છે. પણ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?
