પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે, આગામી થોડા અઠવાડિયામાં દેશને કોરોનાની વેક્સિન મળી જશે. સાથે જ એ પણ માહિતી આપી હતી કે, તબક્કાવાર વેક્સિન કોને કોને આપવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સૂચનો પર કામ કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકારે રસીકરણના પહેલાં તબક્કા માટે યોજના તૈયાર કરી છે. પહેલાં તબક્કામાં કોને રસી આપવી જોઈએ તે નક્કી કરી લેવાયું છે. પહેલાં તબક્કાના રસીકરણ માટે ચાર ગૃપ તૈયાર કરવામાં આવ્યા છે.
પહેલાં ગૃપમાં કોણ છે ?
ચાર તબક્કામાં પહેલા સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે જોડાયેલા લોકોનું રસીકરણ થશે. આ ગૃપમાં એવા લોકોને રાખવામાં આવ્યા છે જે લોકો મહામારીની શરૂઆતથી લડી રહ્યા છે. આમાં ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, હેલ્થકેર સપોર્ટ સ્ટાફ વગેરેનો સમાવેશ કરાયો છે. સરકારનું માનવું છે કે, આ તમામ લોકો કોવિડ દર્દીઓના સૌથી વધુ સંપર્કમાં રહે છે. આ લોકોને જ સંક્રમણનું સૌથી વધુ જોખમ છે. જેના કારણે ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને હેલ્થકેર સપોર્ટ સ્ટાફનો રસી પર સૌથી પહેલો અધિકાર છે.
બીજા ગૃપમાં કોનો સમાવેશ ?
સરકારે બીજા મોટા જૂથમાં તે લોકોને રાખ્યા છે જે લોકો મહામારી દરમિયાન પણ લોકોની સંભાળ લેવાનું નથી ચુક્યા. આ જૂથમાં આર્મી, પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા સેક્ટર સામેલ છે. જો દેશના જવાનો સ્વસ્થ છે તો દેશ સ્વસ્થ છે. પોલીસ જવાનોને આપણે લૉકડાઉન દરમિયાન લડતા જોયા જ છે. તેમનું કામ પણ આપણે જોયું જ છે. જે તેમણે જવાબદારી સંભાળી હતી તે ખરેખર બિરદાવવા લાયક છે. હજુ પણ સંભાળી રહ્યા છે. આવા સમયે આ લોકો રસી માટે બીજા હકદાર છે.
ત્રીજા ગૃપમાં કોણ છે ?
સરકારે નક્કી કરેલા ત્રીજા મોટા જૂથમાં જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે તેવા લોકોને સામેલ કરાયા છે. વયસ્ક લોકોને ત્રીજા તબક્કામાં સામેલ કરવામાં આવશે. આપણે શરૂઆતથી જોયું છે તેમ કોરોના વાયરસથી સૌથી વધુ જોખમ વયસ્ક અને બીમાર લોકોને છે. એટલે કે દેશનો દરેક નાગરિક કે જેમની ઉંમર 50 વર્ષથી વધુની છે તેમને પહેલાં તબક્કામાં રસી મળશે.
ચોથા ગૃપમાં કોનો સમાવેશ ?
ચોથી યાદીમાં એવા લોકોનો સમાવેશ કરાયો છે જે લોકોની ઉંમર 50 કરતા ઓછી છે પરંતુ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. આ જૂથમાં બીમારી મુજબ કેટેગરી બનાવાય તેવી શકયતા છે. આ લીસ્ટમાં કીડનીની બીમારીથી પીડિત તેમજ હાઈ બ્લડપ્રેસરવાળા વ્યક્તિને પહેલાં રસી અપાઈ શકે છે. ત્યારબાદ અન્ય બીમારીઓ મુજબ લોકોને રસી આપવામાં આવી શકે છે. બીજા તબક્કામાં કોને રસી આપવી એ હવે પછી નક્કી થઈ શકે છે.
ગુજરાતમાં વહીવટી તંત્ર તૈયાર
રસીકરણ માટે ગુજરાતના વહીવટી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં દરેક જિલ્લા અને તાલુકામાં ટાક્સ ફોર્સની રચના કરી દેવામાં આવી છે. રાજ્યમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 વેક્સિન સ્ટોર તેમજ રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે 2,189 કોલ્ડ ચેઇન પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય સચિવ ડૉ. અનિલ મુકીમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં રસીકરણના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. રસીકરણ માટે રાજ્ય સરકારે 2 લાખ 71 હજાર સરકારી આરોગ્ય કર્મીઓ અને 1 લાખ 25 હજાર ખાનગી આરોગ્ય કર્મીઓની યાદી તૈયાર કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વર્ચ્યુઅલ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં સ્વદેશી વેક્સિનનું સપનું હવે હાંથવેંતમાં છે. બસ થોડાં અઠવાડિયામાં જ કોરોનાની વેક્સિન મળી જશે. લગભગ તમામ કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. વડપ્રધાને સર્વપક્ષીય બેઠકમાં વેક્સિન કોને આપવી અને કઈ રીતે આપવી તેના માળખાની પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં હાલ આઠ રસી પર કામ ચાલી રહ્યું છે જેમાંથી ત્રણ રસી અંતિમ તબક્કામાં છે.
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ કોરોનાની વેક્સિન પર કામ કરી રહેલી દેશની ત્રણ કંપનીઓની મુલાકાત પણ કરી હતી. વડાપ્રધાને અમદાવાદ, પુણે અને હૈદરાબાદની કંપનીઓની મુલાકાત લઈ કોરોનાની વેક્સિન અંગે સમીક્ષા કરી હતી.