ભારતમાં કોરોનાનો નિયમ તોડવા બદલ થોડો ઘણો દંડ થાય છે અને નિયમ તોડનાર પાસેથી દંડ વસૂલીને મુક્ત કરી દેવામાં આવે છે. જો કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના રાજમાં આવું નથી. જો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો તો ગયા સમજો. ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન પોતાના ક્રુર અને સનકી નિર્ણયોને લઈને દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. આ વખતે ચર્ચામાં આવવાનું કારણ ખૂબ જ ભયાનક છે. કિમ જોંગ ઉને કોરોનાનો નિયમ ભંગ કરનાર આરોપીને ગોળીઓથી ઉડાવી દીધો.
કોરોનાનું વધી રહેલું સંક્રમણ રોકવા માટે કિમ જોંગ ઉને આકરા નિયમો લાદી દીધા છે. જે લોકો નિયમ ભંગ કરે તેને આકરી સજા ફટકારવામાં આવી રહી છે. જેમાં મોતની સજા પણ સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર કોરિયામાં હાલમાં જ એક વ્યક્તિને કોરોનાના નિયમ તોડવા બદલ મોત મળ્યું છે. આ વ્યક્તિએ કિમ જોંગ ઉને બનાવેલી કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો જેથી કિમ જોંગ ઉન ગિન્નાઈ ગયો અને આ વ્યક્તિને મોતની સજા આપવાનું ફરમાન જાહેર કરી દીધું.
જાણવા મળેલી વિગતો પ્રમાણે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર આ આરોપીને તાનાશાહ શાસક કિમ જોંગ ઉને જાહેરમાં ગોળીઓથી વીંધાવી નાખ્યો અને આરોપી મોતને ભેટ્યો.
આમ કરવાનું કારણ શું ?
રેડિયો ફ્રી એશિયાના હવાલાથી અંગ્રેજી સમાચારપત્ર ડેઈલી મેલને લખ્યું કે, કોરોનાના નિયમોને લઈને લોકોમાં ડરનો મહોલ બની રહે તે માટે કિમ જોંગ ઉને આ પ્રકારનો આદેશ આપ્યો હતો. આ પ્રકારની સજા જોઈને અન્ય લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે આ પ્રકારનો ઘાતકી નિર્ણય લેવાયો. કિમ જોંગ ઉનના આદેશ બાદ 28 નવેમ્બરે ઉત્તર કોરિયાની સેનાએ આ આરોપીને ગોળીઓ મારીને મોતની સજા આપી.
આરોપીનો ગુનો શું હતો ?
આરોપી વ્યક્તિએ પ્રતિબંધોને તોડીને ઉત્તર કોરિયામાં ચાઈનાના સમાનની ચોરી કરી હતી. જે બદલ સ્થાનિક સુરક્ષાદળે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ફાયરિંગ સ્કોડે તેને જાહેરમાં ગોળી મારી દીધી. મહત્વનું છે કે કોરોનાના કારણે ઉત્તર કોરિયાએ પોતાની બોર્ડરને માર્ચ મહિનાથી કાયદેસર ધોરણે બંધ કરી દીધી છે.
ઉત્તર કોરિયામાં કોરોનાનો એક પણ કેસ ન હોવાનો દાવો
દુનિયાના લગભગ દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યા છે ત્યારે ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેઓના દેશમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જો કે આ વાતમાં કેટલું તથ્ય છે તેના પર દુનિયાના અન્ય દેશોને શંકા છે. કેમ કે ઉત્તર કોરિયામાં કડક સેન્સરશિપ લાગુ હોવાથી સાચી માહિતી બહાર આવવી મુશ્કેલ છે.
ચીન સામે કિમની લાલ આંખ
મીડિયા રિપોર્ટનું માનીએ તો કિમ જોંગ ઉને નાગરિકોમાં ડર પેદા કરવા માટે ચીન સાથે જોડાયેલી પોતાની બોર્ડર પર એન્ટી એરક્રાફ્ટ બંદુકો ગોઠવી દીધી છે. સાથે જ આદેશ આપી દેવામાં આવ્યો છે કે એક કિલોમીટરના દાયરામાં કોઈ વ્યક્તિ નજરે પડે તો તેને ગોળી મારી દેવામાં આવે.