Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના લગ્ન જીવનની ઈનિંગનો અંત આવ્યો છે. શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. બન્નેએ 9 વર્ષના લગ્ન જીવન બાદ છૂટા થવાનો નિર્ણય લીધો છે. શિખર ધવન (sikhar dhawan) અને આયશા મુખર્જીના (ayesha mukherjee) છૂટાછેડાના (divorce) સમાચાર સાંભળીને તેઓના ફેન્સને ખૂબ જ દુઃખ લાગ્યું છે. જો કે શિખર ધવને હજુ સુધી છૂટાછેડા અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી પરંતુ પત્ની આયશા મુખર્જીને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવુક પોસ્ટ મૂકીને આ વાતની જાણકારી આપી છે.
વર્ષ 2012માં શિખર ધવન અને આયશા મુખર્જીએ લગ્ન કર્યા હતા અને 2014માં બન્નેના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો. આ પુત્રનું નામ જોરાવર છે.લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડાનો આ નિર્ણય ઘણો જ ચોંકાવનારો છે. આ પહેલાં રિપોર્ટ આવ્યા હતા કે શિખર ધવન અને આયશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતા. એટલું જ નહીં આયશાએ શિખરની તમામ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલીટ કરી દીધા હતા.
પશ્ચિમ બંગાળની આયશાએ તલાક અંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “એક વખત તલાક થઈ ચુક્યા છે અને લાગી રહ્યું હતું કે બીજી વખત ઘણું બધું દાવ પર લાગેલું હતું. મારે ઘણું બધું પુરવાર કરવાનું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તો તે વાત ઘણી જ ડરાવનારી હતી. મેં વિચાર્યું હતું કે તલાક એક ખરાબ શબ્દ છે તેમ છતાં મારા બે વખત તલાક થઈ ગયા. સૌથી સારી વાત એ છે કે શબ્દોના કેટલાં શક્તિશાળી અર્થ અને સંબંધ હોય છે. મેં છૂટાછેડા લઈને આ અનુભવ કર્યો. પહેલી વખત જ્યારે મારા તલાક થયા ત્યારે હું ઘણી જ ડરી ગઈ હતી. મને લાગતું હતું કે હું નિષ્ફળ થઈ ગઈ છું અને તે સમયે હું ઘણી ભૂલો કરતી હતી. મને લાગ્યું કે જાણે મેં બધાને નીચા જોવાપણું કર્યું છે અને સ્વાર્થી છું તેવું પણ લાગ્યું. મને લાગતું હતું કે હું મારા માતા-પિતાને નિરાશ કરી રહી છું. મને લાગ્યું કે હું મારા બાળકોને નીચા દેખાડી રહી છું અને કેટલીક હદે તો મને લાગ્યું કે મેં ભગવાનનું પણ અપમાન કર્યું છે. તલાક ઘણો જ ખરાબ શબ્દ હતો.”
વર્ષ 2020થી જ બંનેના સંબંધોમાં તિરાડ પડવાની શરૂ થઈ ગઈ હોવાની જાણકારી મળી છે. બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધા હતા. સાથે જ આયશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શિખરની તસવીરો હટાવી દીધી હતી. જો કે ધવનના એકાઉન્ટ પર આયશાની તસવીર હતી.
શિખર ધવન સાથે લગ્ન થયા તે પહેલાં આયશા ડિવોર્સી હતી. તેને પહેલા પતિથી બે પુત્રીઓ છે. પહેલા પતિથી તલાક લીધા બાદ શિખર ધવન સાથે તેના લગ્ન થયા હતા. ધવન અને આયશા ફેસબુકના માધ્યમથી મળ્યા હતા. બન્નેની મુલાકાતમાં ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પીનર હરભજન સિંહની મહત્વની ભૂમિકા રહી હતી. જે બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી લાંબા સમય સુધી બંને એકબીજા સાથે જોડાયેલા રહ્યાં. આયશા ઉંમરમાં શિખર ધવનથી 10 વર્ષ મોટી છે. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ જોરાવર છે.
આયશાના માતા બંગાળી છે જ્યારે તેના પિતા ઓસ્ટ્રેલિયન છે. તેના માતા-પિતા ભારતમાં જ મળ્યા હતા પરંતુ પછી તેઓ ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. આયશાનો જન્મ ભારતમાં જ થયો છે. આયશા મેલબોર્નમાં બોક્સર પણ રહી ચૂકી છે.
ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને જ્યારે પોતાનાથી 10 વર્ષ મોટી આયશા સાથે લગ્ન કર્યા હતા ત્યારે ઘણાં લોકોએ આ સંબંધ અંગે ચર્ચા કરી હતી. જો કે ધવનના પરિવારે તેનો સાથ આપ્યો હતો. ધવને અનેક વખત આ અંગે વાત કરી છે કે આયશા સાથે લગ્ન પછી તેમના જીવનમાં બદલાવ આવ્યો છે. તે અનેક વખત કહી ચુક્યો છે કે આયશાને મળ્યા બાદ તે એક વ્યક્તિ અને એક ક્રિકેટર તરીકે કેવી રીતે અને ઘણો બદલાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત