Team Chabuk- National Desk: પેટ્રોલ-ડીઝલના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. લોકો પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને જોઈને ચિંતાતુર છે. ઘણી જગ્યાએ પેટ્રોલના ભાવે સદી ફટકારી દીધી છે. વધી રહેલા ઇંધણના ભાવ સામે વિરોધ પણ થઈ રહ્યો છે. તેવામાં મધ્યપ્રદેશમાં એક ખેલાડીને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પેટ્રોલનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઘટનાને એક પ્રકારે પેટ્રોલના વધતા ભાવના વિરોધના રૂપમાં જોવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ નેતા મનોજ શુક્લાએ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. રવિવારે ભોપાલમાં ક્રિકેટ મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને જે પુરસ્કાર આપવામાં આવ્યો તે જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત્ત રહી ગયા. સામાન્ય રીતે ક્રિકેટ મેચમાં મેન ઓફ ધ મેચ બનનાર ખેલાડીને કોઈ ટ્રોફી, સર્ટિફિકેટ કે રોકડ રૂપિયા પુરસ્કાર રૂપે આપવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા મેન ઓફ ધ મેચ ખેલાડીને પુરસ્કાર રૂપે પાંચ લિટર પેટ્રોલ આપવામાં આવ્યું હતું.
રવિવારે ભોપાલમાં મનોજ શુક્લા પ્રિમિયર લિગની ફાઈનલ મેચ રમાઈ હતી. ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ ઈલેવન અને શગીર તારિક ઈલેવન આમને-સામને હતા. જેમાં સનરાઈઝર્સ ઈલેવને ફાઈનલ મેચ જીતી લીધી. ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપનાર સલાઉદ્દીન અબ્બાસીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. સલાઉદ્દીન અબ્બાસી જ્યારે સ્ટેજ પર મેન ઓફ ધ મેચનો પુરસ્કાર લેવા ગયો ત્યારે તેને પુરસ્કાર રૂપે 5 લિટર પેટ્રોલ ભરેલું કેન આપવામાં આવ્યું. સલાઉદ્દીનને મળેલા આ પુરસ્કારને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.
મહત્વનું છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોંગ્રેસ નેતા મનોજ શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું. મનોજ શુક્લાએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતનો વિરોધ નોંધાવવા આ પ્રકારે પુરસ્કાર આપવાનું નક્કી કર્યું હતું. આ અંગે મનોજ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેને ધ્યાને લઈને આયોજન સમિતિ દ્વારા મેન ઓફ ધ મેચ ખેલાડીને પુરસ્કારમાં 5 લિટર પેટ્રોલ આપવાનું નક્કી કર્યું હતું. જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તે જોતાં ભવિષ્યમાં લોકોએ પેટ્રોલ-ડીઝલ માટે મોટી રકમ ખર્ચવી પડશે.’
મધ્યપ્રદેશ રાજ્યમાં ઘણી જગ્યાએ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિલિટરને પાર કરી ગયા છે. પેટ્રોલ-ડીઝલ ઉપર સૌથી વધુ વેટ લેનાર રાજ્ય પણ મધ્યપ્રદેશ જ છે. ગુજરાતના અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ 88.07 રૂપિયા પ્રતિલિટર છે જ્યારે ડીઝલના ભાવ 87.74 રૂપિયા પ્રતિલિટર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત