Editors View : ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી હવે રાજ્યોની ચૂંટણી માથે છે. પાંચ રાજ્યોની ચૂંટણી પર ભાજપ વિજયભવ: થવાની આશ લઈને બેઠું છે. બંગાળ તો દિલ્હી બની ગયું છે જ્યાં કેન્દ્રિય નેતાઓની ઉઠક બેઠક વધી ગઈ છે.
ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં તમિલનાડુની તમિલ ભાષા શીખવા ન મળી તેનો વસવસો રહી ગયો હોવાનું જણાવ્યું. આ વાત સાથે તમિલીયોની લાગણીને પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં છંછેડી છે. તમિલભાષીઓને ભાષા પ્રત્યે કેટલું મમત્વ હોય છે તે તો સૌ કોઈ જાણે છે. એવામાં ભાષાની જ વાતને પ્રધાનમંત્રી જીભે લાવ્યા અને કદાચ ગત્ત વખતની ચૂંટણી કરતાં થોડી વધુ સીટ મળી જાય તેની આશા પણ હોય. આ વાત એટલા માટે કે કારણ કે દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.
આજે સવારમાં સાત વાગ્યે પ્રધાનમંત્રીના ફેસબુક અને ટ્વીટર પર વેક્સિન લેતા હોય તેવી તસવીર સામે આવી. મીડિયા પાસે કરવા જેવું કંઈ નહોતું એટલે આ વાતને જ અગિયાર વાગ્યા સુધી હાઈલાઈટ કરતા રહ્યા અને તેમાંથી એ વાતના નિષ્કર્ષ પર આવ્યા કે જે નર્સોએ પ્રધાનમંત્રીને વેક્સિન લગાવી તેમાંથી એક પુડ્ડુચેરીની છે બીજી કેરળની છે. આ બંને રાજ્યોમાં ચૂંટણી છે.
રહી વાત આસામની તો પ્રધાનમંત્રીએ ખભા પર આસામી ગમછો રાખ્યો છે. જે પણ રાજકીય રીતે ટ્રેન્ડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પહેરવેશ માટે હંમેશાંથી ચર્ચાનું કારણ બન્યા છે. પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ તો ખાસ. પણ આ વખતે એ ચર્ચાએ પોલિટિકલ રંગ પકડ્યો છે.
વાત અહીંથી અટકી નથી જતી. છેલ્લા કેટલાય સમયથી એ ચર્ચા ચાલી રહી છે અને પ્રધાનમંત્રી જ્યારે પણ ફેસબુકમાં લાઈવ થાય ત્યારે એવી કોમેન્ટોનો રિતસરનો રાફડો ફાટી નીકળે છે કે પ્રધાનમંત્રીએ જે દાઢી રાખી એ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર જેવી લાગી રહી છે.
ગઈકાલ અને આજના દિવસનું સંયોજન કરવામાં આવે તો તમિલ ભાષા ન શીખી શકવાનો અફસોસથી તમિલનાડુ, આસામનો ગમછોથી આસામ, પુડ્ડુચેરી અને કેરળની નર્સ પાસેથી વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને કેરળ અને પુડ્ડુચેરી તથા દાઢીથી બંગાળ આમ પ્રધાનમંત્રી ખૂદ સ્ટાઈલથી પોલિટિકલ મૂડમાં આવી ગયા છે.
વિરોધીઓ આ વાતની ટીકાનું તોરણ પણ બાંધશે છતાં પ્રધાનમંત્રી જે રીતે કોઈ પણ નાની વાતને મુદ્દો બનાવી મીડિયામાં ચર્ચાનું કારણ બનતા રહે છે એ જ તેમને પોલિટિકલ બાહુબલી બનાવે છે. શું આ પહેલા કોઈ પણ નેતા આવું નહોતા કરતા ? હાલમાં જ રાહુલ ગાંધીએ લગાવેલી છલાંગી અને બતાવેલા સિક્સ પેક એબ્સ શું છે ? નદીમાં લગાવેલી ડૂબકીથી કોંગ્રેસ તરી જશે તેવું હાલ તો લાગી નથી રહ્યું.
ચૂંટણી આવતા નેતાઓ પોતપોતાની રીતે જે તે પ્રદેશની જનતાને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. ભાજપને પણ કોંગ્રેસની સરકાર પડી ગયા પછી પુડ્ડુચેરી જીતવું છે. ગઈકાલે જ ગૃહમંત્રી અમિત શાહે જનતાને એ વાત કહી કે, પંદર હજાર કરોડ રૂપિયા આપના વિકાસના કામ માટે આપવામાં આવ્યા હતા, પણ એ બધા રૂપિયા દિલ્હી ચાલ્યા ગયા. આ વાતથી તેમણે મોટો માસ્ટર સ્ટ્રોક ફટકારી દીધો છે. જનતા પણ પુડ્ડુચેરીમાં વિકાસના કામો નથી થઈ રહ્યા એ માટે હવે પૂર્વ સત્તાધારી પક્ષને દોષિત ઠેરવશે.
જોકે પાંચ રાજ્યોની ચૂંટણીમાં કેરળ અને પુડ્ડુચેરીની નર્સ, આસામનો ગમછો, તમિલ ભાષા શીખવાનું રહી ગયું અને ટાગોર બિઅર્ડ આ પાંચના કારણો ઊડીને આંખે વળગી રહ્યા છે. પ્રચારમાં પણ ભાજપ અવ્વલ અને ઉત્તમ છે. એ પછી બંગાળમાં મમતાની સરકાર અને કેરળમાં વિજયનની સરકારનો પ્રચારમાં ક્રમાંક આવે છે. કોંગ્રેસ તો હજુ બહુ દૂર છે.
કેરળના મુખ્યમંત્રી કહે છે કે ભાજપ શાસિત રાજ્યોમાં રાહુલ કેમ નથી જતા અને પોતાની પાર્ટી વતી પ્રચાર કરતા ? આ સો આના સાચી વાત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતાઓ આવી ગયા પણ કોંગ્રેસના કોઈ નેતાજીએ દેખા ન દીધી. હવે જોઈએ કે પ્રધાનમંત્રીનો પોલિટિકલ પાવરપંચ તેમને પાંચ રાજ્યોમાં જીત અપાવી શકે છે કે અન્ય રાજ્યો જંગ જીતી જાય છે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત