Homeદે ઘુમા કેજોકોવિચ ભલે ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતી ગયો પણ 22 વર્ષનાં સિતસિપાસે શરૂઆતમાં...

જોકોવિચ ભલે ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતી ગયો પણ 22 વર્ષનાં સિતસિપાસે શરૂઆતમાં ધોતીયા ઢીલા કરી નાખ્યાં

Team Chabuk-Sports Desk: વિશ્વનાં નંબર એક ક્રમાંકિત નોવાક જોકોવિચે રવિવારની રાતે ફ્રેન્ચ ઓપન 2021 ગ્રાન્ડસ્લેમ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જોકોવિચે ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને હરાવીને બીજી વખત રોલાંગેરો ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. આ ખિતાબ જીતતાની સાથે જ જોકોવિચ ઓપન એરા એટલે કે 1968થી અત્યાર સુધીના ઈતિહાસમાં તમામ ચાર ગ્રાન્ડસ્લેમ ઓછામાં ઓછા બે બે વખત જીતનારો ખેલાડી બની ચૂક્યો છે.

પાંચ સેટ અને ચાર કલાક કરતાં વધારે સમય ચાલેલી આ રમતમાં જોકોવિચે ગ્રાન્ડસ્લેમની ફાઈનલમાં પહોંચેલા 22 વર્ષીય સિતસિપાસને 6-7(6), 2-6, 6-3, 6-2, 6-4થી પરાજય આપ્યો હતો અને પોતાના કરિયરનું 19મું ગ્રાન્ડસ્લેમ જીત્યું હતું. હવે જોકોવિચ ફેડરર અને નાડાલથી માત્ર એક ગ્રાન્ડસ્લેમ પાછળ છે.

રમતની વાત કરવામાં આવે તો મેચના આરંભમાં સિતસિપાસે મજબૂત શરૂઆત કરી હતી. સિતસિપાસ પ્રથમ સેટથી જ અનુભવી જોકોવિચની સામે મજબૂત આરંભ કર્યો હતો. મેચ સેન્ટર પોંઈન્ટ પર આવી પહોંચ્યો હતો. જોકોવિચે કોઈ પણ ભોગે પોંઈન્ટ બચાવ્યો અને આગલી જ રમતમાં પોતાનો પ્રથમ બ્રેક પોંઈન્ટ બનાવતા સેટમાં 6-5થી આગળ નીકળી ગયો.

સિતસિપાસ મેચમાં પાછો ફર્યો હતો અને જોકોની સર્વિસ બ્રેક કરતા સેટને ટાઈ બ્રેકરમાં લઈ ગયો હતો. એટલું જ નહીં ટાઈ બ્રેકરમાં 0-4થી આગળ પણ રહ્યો હતો. જોકે જોકોવિચ એક વખત ફરી મેચમાં પરત ફર્યો હતો અને 6-5થી આગળ થઈ ગયો હતો. એક વધુ પોંઈન્ટ જીતીને સબ્રિયન સ્ટાર સેટ પોતાના નામે કરે એ પહેલા વિશ્વનાં પાંચમાં નંબરના ટેનિસ ખેલાડી સિતસિપાસે સતત 3 પોંઈન્ટ જીતીને પ્રથમ સેટ પોતાના નામે કરી લીધો. આ સેટ 69 મિનિટ સુધી ચાલ્યો હતો. આગામી સેટને જીતવા માટે સિતસિપાસને માત્ર 32 મિનિટ લાગ્યાં હતાં.

ત્રીજા સેટથી રમતમાં મોટું પરિવર્તન આવ્યું હતું. જોકોવિચ પોતાની પરંપરાગત રમતમાં આવી ગયો હતો. 50 મિનિટ સુધી ચાલેલા ત્રીજા સેટમાં જોકોવિચે 6-3થી જીત મેળવી હતી. ચોથા સેટની શરૂઆત સર્બિયન ખેલાડીએ પ્રોફેશનલ રીતે કરી હતી અને બે બ્રેક પોંઈન્ટ સાથે 3-0થી લીડ કરવા માંડ્યો હતો. જોતજોતામાં જોકોવિચે ચેમ્પિયનની માફક આ સેટ પણ પોતાના નામે કરી લીધો હતો. એ પછી પાંચમાં અને નિર્ણાયક સેટમાં રમત દાખલ થઈ હતી.

આ પહેલા પણ જોકોવિચ ટૂર્નામેન્ટમાં લોરેન્જો મુસેટીની વિરૂદ્ધ બે સેટ પાછળ રહ્યા બાદ મેચમાં પરત ફરવાનું હુનર દેખાડી ચૂક્યો હતો. 22 વર્ષીય સિતસિપાસે પાંચમાં સેટમાં જબરદસ્ત રમત દાખવી હતી. તેણે જોકોવિચને પૂરી રીતે ટક્કર આપી હતી અને સેટને 4-5 સુધી લઈ ગયો હતો. જોકે તેની રમત જોકોવિચને નહોતી રોકી શકી. અંતે જોકોવિચે 19મું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરી લીધું હતું.

જોકોવિચ અત્યાર સુધીમાં કુલ 19 ગ્રાન્ડસ્લેમ અને 84 એટીપી સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કરી ચૂક્યો છે. જોકોવિચ 324 અઠવાડિયા સુધી રેકોર્ડ નમ્બર વન રહી ચૂક્યો છે. એટલે કે 6 વર્ષ સુધી નમ્બર વનની પોઝિશનમાં રહ્યો. જેમાં તેની તોલે માત્ર અમેરિકાનો પીટ સેમ્પ્રાસ જ છે. હવે જોકોવિચ G.O.A.T ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ હોવાની ચર્ચાનો દોર ફરી શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે તેના આ ઉપાધીથી સન્માનિત કરવો જોઈએ.

આ વખતની મેચની ખાસિયત એ રહી કે રવિવારનાં રોજ 13 જૂનની રાતે થયેલી ફાઈનલ પહેલા સુધી જે ખેલાડીઓએ નડાલને ફ્રેન્ચ ઓપનમાં હરાવ્યો હોય તે કોઈ દિવસ ફાઈનલ જીતી શક્યા નથી. આ મીથ પર પણ જોકોવિચે જીત મેળવી પૂર્ણવિરામ મૂકી દીધું છે.  આ પહેલા જોકોવિચે 2015માં નડાલને હરાવ્યો હતો અને ફાઈનલમાં સ્ટન વાવરિન્કાની સામે હારી ગયો હતો. એ પહેલા રોબિન સોલ્ડરિંગે 2009માં નડાલને હરાવ્યો હતો અને પછી રોજર ફેડરર સામે ફાઈનલ હારી ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments