Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત પાકિસ્તાનની મેચ પર સૌની નજરો છે. જેને લઈ બંને દેશો વચ્ચે મેચ થવો જોઈએ કે નહીં તેની રાજકીય નિવેદનબાજી પણ ચરમસીમા પર થઈ રહી છે. કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓને જોતા કેટલાક નેતાઓ અને સંગઠનો દ્વારા મેચ રદ્દ કરવાની ભલામણ કરી છે. જોકે મેચનું સમર્થન કરનારા નેતાઓ પણ ઓછા નથી. આ મુદ્દા પર કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું છે કે, જ્યાં સુધી આપણા પાકિસ્તાન સાથેના સંબંધો સાવ બગડી ન જાય, ત્યાં સુધી તમામ વસ્તુઓ ચાલતી રહેવી જોઈએ. એ ન ભૂલો કે 1999ના કારગિલ યુદ્ધ દરમ્યાન પણ ભાજપની જ સરકાર હતી અને આપણે પાકિસ્તાનની વિરૂદ્ધ વિશ્વકપની મેચ રમી હતી. રમત અને રાજનીતિને અલગ રાખવી જોઈએ.
રાજીવ શુક્લા
ભાજપના કેટલાય નેતાઓએ મેચ રદ્દ કરવાની માગણી કરી હતી, જોકે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, મેચ રદ્દ ન થઈ શકે. ભારત એક વખત મેચ રમવાની હા કહી ચૂક્યું છે અને હવે અણીના સમયે પાછળ ન હટી શકે. આઈસીસીના નિયમો અનુસાર આઈસીસીનું એક સભ્ય દેશ રાજનીતિક કારણોથી બીજા સભ્ય દેશની સામે મેચ રમવાની ના ન પાડી શકે. મેચ રમવાની ના પાડવામાં આવે તો ભારત ઉપર મોટો દંડ ફટકારાશે. 2003 અને 1996ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ મેચ રમવાની ના પાડી દીધી હતી, ત્યારે તેમના પર દંડ ફટકારાયો હતો.
બિહારના ઉપ મુખ્યમંત્રી
બિહારના ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદે પણ આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત-પાકિસ્તાનની મેચ અટકાવવાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આવું કરવું જરૂરી છે, કારણ કે આ સંદેશ પાકિસ્તાન સુધી જશે, તો તેમને ખબર પડશે કે પાકિસ્તાન જો આતંકવાદનું સમર્થન જાહેર રાખશે તો ભારત તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખે.
કેન્દ્રિય મંત્રીઓએ પણ કહ્યું હતું
આ પહેલા કેન્દ્રિય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. સતત પાકિસ્તાન સમર્થિત આતંકી ઘટનાઓ બની રહી છે. સંબંધો સારા નથી. એવા સમયે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં પુનર્વિચારની આવશ્યકતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત