Homeસાહિત્યબાવળનું ઝાડ અને બીજી વાતો -નિબંધ-ભાગ-1- મયૂર ખાવડુ

બાવળનું ઝાડ અને બીજી વાતો -નિબંધ-ભાગ-1- મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: મહામારીમાં મારે બા પાસે જવાનું થયું. એમને પણ વેક્સિન લીધા છતાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. એમને પાછી શ્વાસની તકલીફ એટલે મારું ચિત્ત તો અમદાવાદથી ઊનાના આખા રસ્તે અજગરની જેમ કોકડું વળીને વિષાદિયા કૂવામાં પડ્યું હતું. અજગરને ખાઈ લીધાનો ભાર લાગે એમ મને વિચારવાયુનો ભાર લાગી રહ્યો હતો. ગીર ગઢડાના રસ્તે મને મારા જૂના સાથીદાર સસલા અને હરણ દેખાયા. ચિત્ત કેવું છે. અતિ વ્યાકુળતાની સ્થિતિમાં આનંદનો અતિરેક કરવાથી એ બાજ નથી આવતું. મારી સાથે પણ એવું જ બન્યું. જૂની શેરીઓ દેખાડી, શેરીઓમાં આટા મારતી ગાય અને સાંઢીયા ગાડીઓ બતાવી, ગામડાનો સૂનકાર અને તમરાનો અવાજ, કાઠિયાવાડી રણકો સંભળાવ્યો અને તોપણ એ બધું માથા પરથી પસાર થઈ કોઈ આભાસી વિશ્વમાં ઓગળી જતું હતું. જમવાની ઈચ્છા ન હોય અને છપ્પન ભોગ સામે આવી જાય.

રાતના અંધકારને ચીરતી અમારી કારની લાઈટ અમારી પહેલા જ્યારે ઊનાના ભાડાના મકાન પાસે પહોંચી ત્યારે કૂતરાઓનું એક ટોળું અમને અજાણ્યાઓને જોઈ અકરાંતિયાની જેમ તૂટી પડ્યું. કાર ઊભી રાખી હોત તો કદાચ ટાયર જ ચાવી જાય એવા ડાઘીયા કૂતરા. એમાં કેટલાક શરીરથી દૂબળા હતા. સૂકાયેલી સરગવાની શીંગ જેવા એનાં શરીર હતા. નિબિડ અંધકારમાં આસોપાલવ સિવાય કાંઈ દેખાયું નહીં. ખાલી ઘર હતા અને અમારા ઘરની પછવાડે એક ઝાડ હતું. નજીક આવેલા નવાબંદરના દરિયાના પવનની થપાટથી નમી જતી એની ડાળખીઓને જોતાં મને ખબર પડતા વાર ન લાગી કે આ તો બાવળનું ઝાડ છે. ગાંડો બાવળ!

ભળભાંખળું થતાં હું ઊઠી ગયો. ચારે બાજુથી ચકલી અને કોયલનો અવાજ કાનને રવીન્દ્ર સંગીત સમકક્ષ આનંદ આપતો હતો. અમદાવાદમાં જે ઉદ્રેગ વચ્ચે રહ્યાં તેની આ અવાજો પૂર્તિ કરી રહ્યાં હતાં. બા ઊંઘી રહી હતી. હું રસોડાનો દરવાજો ખોલી બહાર નીકળ્યો. જોઉં તો બાવળનું ઝાડ મારી સામે એકધારું રાક્ષસની પેઠે તાકતું હોય એવું લાગતું હતું. એની ઉપર જોયું તો એક ડાળખી સર્વોચ્ચ હતી. એકલી અટૂલી. સૌથી ઉપર. એને પછાડવા માટે બીજી ડાળખીઓ પવનની સાથે મિત્રતા કેળવી રાજકારણ રમી રહી હતી, પણ જે ઊંચે છે તેને કેવી રીતે પછાડવું? ઉપર રહેલાને પાડવા માટે તો નીચે રહેલાએ પહેલા ખૂદ ઉપર થવું પડે. એમ કાંઈ સૂંઠના જોરે ગાંધી થોડું થવાય છે. મંડ્યા રહેનારા તો મંડ્યા રહે. નરસિંહ મહેતાની પંક્તિની જેમ…

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

થોડીવાર થઈ અને એક ચકલી બાવળના ઝાડની ટગલી ડાળ પર બેસી ગઈ. એ બેઠી એટલે બીજી ચકલી આવી અને બેઠી. ચકલીઓનો ચીચીચીચી નાદ ચાલુ હતો અને નવું લોહી પણ બાવળ પર બેસી, કોરસમાં પરોઢની પ્રાર્થના ગાઈ, બાવળની નિંદ્રામાં ખલેલ પાડી રહ્યાં હતાં.

એ કાંઈક ઈશારો કરી રહી હતી અને હું કાંઈ પક્ષીવિદ થોડો તે એની ભાષામાં રહેલા ગૂઢ મર્મને સમજી શકું. એનાં એકધારા ચીચીચીચીનાં કારણે બાએ અંદરથી અવાજ કર્યો, ‘ચોખા નાખજો.’

હું ચોખા શોધું ત્યાં બાપુજી આવી ગયા. રસોડામાં પડેલ સફેદ કલરના ડબલાને ખોલ્યો. મુઠ્ઠી ભરીને ચોખા ખુલ્લા મેદાનમાં નાખ્યાં. ચોખા નાખતાની સાથે જ ચકલીઓ એક પછી એક તૂટી પડી. એક ચોખો લે અને આકાશ ભણી ઊડી જાય. બીજો ચોખો લે અને પાછી ઉડે. આ ક્રમ તો ચાલ્યો. અટકવાનું નામ ન લે.

એમાં એક ચકલીએ મારું ધ્યાન દોર્યું. બાવળના ઝાડની નીચે આવેલા પથ્થર પર એણે પોતાનું દોઢસો ગ્રામનું શરીર મૂક્યું. હું જોતાં જોતાં કલ્પનામાં સરી પડ્યો. એ પથ્થરો મને રામસેતુ જેવા લાગ્યા. જેની ઉપર ચકલી ઠેકડા મારી ચાલી રહી હતી. એક પથ્થર, બીજો પથ્થર, ત્રીજો પથ્થર અને એ આવી ગઈ નજીક. એને પાંખો છે પણ ખાલી ઉડાઉડ થોડી કરાય…? મળસકું તો શરીરના તમામ અંગ ઉપાંગોની કસરત કરવા માટે જ સર્જાયું છે. સવારમાં ઉઠીને માણસ આળસ મરડી હાથમાં સોટી લઈ જેમ મેદાનમાં ચક્કર મારવા નીકળી પડે છે, એવું જ તો આ ચકલીનું પણ છે. એ ઉડવાની જગ્યાએ નીચે પડેલા પથ્થરોની ઉપર ઠેકડા મારી પગને મજબૂત કરે છે. આપણે જેમ પગનાં ટચાકિયાં ફોડતા હોઈએ એમ એ ટચાકિયાં ફોડતું હશે? આખી રાત માળામાં બેસી બેસીને થાકી ગયેલા પગની નસો મોકળી કરતું હશે? તેની આ વ્યાયામ પ્રવૃત્તિ વિશે તો એ ખૂદ જ કહી શકે. અને મને એની ચીચીચીચી ભાષા આવડતી નથી. હું કેટલો અભણ છું!

ચકલીનું તો પેટ કેટલું અને ખોરાક કેટલો. થોડું ખાઈ એ ઉપડી એની આકાશી જાત્રાએ. મને જેમ જમીન પર ચાલી ચાલીને કંટાળો આવ્યા રાખે છે તેમ એને આકાશમાં ઉડઉડ કરીને કંટાળો આવ્યા કરતો હશે. વિક્રમ-વેતાળની કથા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે ત્યારે સાધુ અને વેતાળ કેવા માણસમાંથી જાનવર બની જતાં હોય છે. આવી અદલાબદલી થતી હોત તો કેવું સારું હતું. એક ભવમાં કેટલાય ભવ કરી નાખેત!

હું બાવળના ઝાડનું અવલોકન કરું છું. એ વીંખાય ગયેલું છે. જર્જરીત છે. તેની એક એક શાખામાં રહેલા કાંટા આપણને ભલે કદરૂપા લાગતા હોય પણ એના માટે તો એ એનો તાજ છે. એની શોભામાં ઉન્નતિ કરે છે. માની મમતા દર્શાવતી પહેલી કહેવત તો યાદ જ હશે, ‘સીદી બાઈને સીદકા વહાલા.’ 

આ બાવળના ઝાડની વચ્ચે હું જોઉં છું તો સીડી પ્લેયરની બે સીડી લટકેલી છે. લાગે છે કોઈએ ટીંગાડવાનું કાવતરું ઘડ્યું છે. ઘરનાં લોકોને પૂછું છું, પણ કોઈને સીડીની વિશ્રંભકથા વિશે ખ્યાલ નથી. એ બધા કહે છે કે, ‘અમે આવ્યાં ત્યારથી બાવળના ઝાડમાં એ બંને સીડીઓ ગોદડિયાં દોરાથી બંધાઈ લટકતી હતી. કદાચ ઉપર રહેતા મકાન માલિકે ફેંકી હશે.’ આ માહિતીથી હું અણવાકેફ હતો. એવું સમજતો હતો કે અહીં ચકલીના માળા હશે. એ માળામાં કોઈ જનાવર આવી પોતાની કળા ન કરી જાય એટલે તેને પ્રકાશથી આડે ભટકાવવા માટે કોઈ કૃપાળુ મનુષ્યએ ટીંગાળી હશે.

માણસને જ્યારે ખબર નથી હોતી ત્યારે કેવી કેવી વાતોને તોડી મરોડી પોતાનો જવાબ શોધી લે છે. અફવાઓ આમ જ વહેતી થતી હશે. તર્ક થતાં રહે છે. વિચારો આવતા રહે છે અને વિચારો વહેતા રહે છે. કોઈ એ વિચારો સાથે સહમત થાય છે અને કોઈ એ વિચારોનો છેદ ઉડાવી પોતાનો નવો વિચાર સ્થાપિત કરે છે. આપણો વિચાર એ કોઈ માટે અપમાન પણ હોઈ શકે. આપણા વિચાર સાથે અસહમત કેટલાક લોકો આપણો હાથ છોડી દુશ્મનનો હાથ પકડી લે છે. વિચારોની સાથે લોકોનું વિભાજન થાય છે. ટૂકડીઓ સર્જાય છે. હવે તો ટૂકડીઓ ટ્રોલ કરી બેઆબરૂ કરે છે. વિચારતા વિચારતા એક નવો વિચાર ઉદ્દભવે છે કે, ‘આનાં કરતાં તો પાનની દુકાનો જ સારી હતી.’

સીડી સિવાય બાવળના ઝાડમાં એક પટ્ટો લટકતો હતો. સૂતળીબોમ્બ એની નજીક રાખી ફોડ્યો હોય એમ એના લીરેલીરા ઉડી ગયાં હતાં. નક્કી એ પણ કોઈએ સીડીની જેમ ફેંક્યો હોવો જોઈએ. રોજ સવારે હું બાવળના ઝાડનું ઇન્સ્પેક્શન કરું છું. રોજ સવારે મને અવનવા અનુભવો થાય છે. ચકલીઓ પછી તો મને ભૂંડે આકર્ષ્યો…

(ક્રમશ:)

(બાવળનું ઝાડ અને બીજી વાતો, લખ્યા તારીખ-25-4-2021)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments