Homeદે ઘુમા કેઆદિલ રશીદ અને મોઈન અલીએ વેસ્ટ ઈન્ડિઝને 55 રનમાં ઘરભેગું કરી દીધું

આદિલ રશીદ અને મોઈન અલીએ વેસ્ટ ઈન્ડિઝને 55 રનમાં ઘરભેગું કરી દીધું

Team Chabuk-Sports Desk: ગત ટી ટ્વેન્ટી ડિફેન્ડીંગ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ 2021ના વિશ્વકપમાં કમાલ કરશે તેવું દર્શકોને લાગી રહ્યું હતું. જોકે તેનો આરંભ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો થઈને રહી ગયો. વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેની પહેલી મેચમાં જ ઈંગ્લેન્ડની ટીમે છ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. હાર કરતા પણ વધારે ચર્ચા થઈ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનની.

ટીમ માત્ર 55 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલર્સે તોપણ ઈંગ્લેન્ડની ટીમની ચાર વિકેટ પાડી દીધી હતી. નહીં તો વેસ્ટ ઈન્ડિઝ માટે આ પરાજય નામોશીભર્યો પરાજય સાબિત થાત અને કેપ્ટનને બોલવા માટે કોઈ શબ્દ ન રહેત. એમ છતાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન અને ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે પણ પોતાની ટીમને હારનો સદમો ભૂલાવી આગળ વધવાનું કહ્યું છે.

ટીમના આશાભંગ પ્રદર્શન અંગે વાત કરતા પોલાર્ડે કહ્યું હતું કે, સ્પષ્ટતા કરવા માટે વધારે કંઈ નથી. આ અસ્વીકાર્ય પ્રદર્શન હતું, જોકે હવે અમારે આગળ વધવું પડશે. કેટલીય વખત આપણે આવી રમતોને ભૂલાવવી પડે છે. આ માત્ર પોતાનો લય પ્રાપ્ત કરવા માટે છે. અમારે સ્કોરબોર્ડ પર એક મોટો સ્કોર લગાવવાની પદ્ધતિ શોધી કાઢવી પડશે. આજના દિવસે અમે એ બેલેન્સ શોધી ન શક્યા. જોકે અમારે તેને ભૂલાવી આગળ વધવું પડશે.

આ હાર એ વેસ્ટ ઈન્ડિઝની T20ની સૌથી મોટી હાર છે. 55 રનનો ટોટલ વિન્ડીઝ ટીમનો બીજો સૌથી લોએસ્ટ ટોટલ સ્કોર છે. ઈંગ્લેન્ડે આ લક્ષ્યાંક માત્ર 50 બોલમાં પાર કરી લીધું હતું. ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ઈંગ્લેન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામે આ પ્રથમ જીત છે. પોલાર્ડે ખેલાડીઓને સંબોધતા કહ્યું હતું કે, અમે મેદાનમાં ઉતર્યા, બેટ્સમેનોએ શોટ્સ રમવાનો પ્રયાસ કર્યો, પણ થઈ ન શક્યું. મને નથી લાગતું કે આનાથી અમારા કેમ્પમાં કોઈ પ્રકારનું પેનિક આવશે. જે છે એ છે. અમારે બસ આને અમારી છાતી પર લઈ આગળ વધવું પડશે. આ આંતરાષ્ટ્રીય રમત છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમની રમત બગાડવામાં મોટો હાથ આદિલ રશીદ અને મોઈન અલીનો રહ્યો હતો. રશીદે માત્ર બે રનમાં ચાર વિકેટ લીધી હતી અને મોઈને 17 રન આપી બે વિકેટ ઝડપી હતી. મોઈને પોતાના પ્રદર્શનનો શ્રેય ચૈન્નઈ સુપરકિંગ્સમાં વિતાવેલી ક્ષણોને ગણાવી હતી.

23 ઓક્ટોબર, શનિવારથી T20 વિશ્વકપનો સુપર-12 મુકાબલો શરૂ થઈ ગયો છે. રવિવારે થનારી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે મેચ રમાશે. સાંજે ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તાન આમને સામને હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments