Homeસાહિત્યઆંબેડકરના નિર્વાણ પછીનું દલિત સાહિત્ય ખૂબ જ ભયાનક છે

આંબેડકરના નિર્વાણ પછીનું દલિત સાહિત્ય ખૂબ જ ભયાનક છે

ભારતીય ઈતિહાસના ત્રણ મહાપુરુષોના નામ અહીં લખીએ છીએ. ગાંધીજી, સરદાર પટેલ અને ભીમરાવ બાબાસાહેબ આંબેડકર. આજની તારીખે પણ આ ત્રણે મહાનુભવો પર સૌથી વધારે લખાય છે. છાપાઓમાં કોલમો લખાય છે ફેસબુક પર વારંવાર ચર્ચાઓ થાય છે. આંબેડકરને નજીકથી જાણવા માટે રાજેન્દ્રમોહન ભટનાગરે લખેલું યુગપુરુષ પુસ્તક ખૂબ સરસ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ છાયા ત્રિવેદીએ કર્યો છે. આમ તો અસંખ્ય પુસ્તકો લખાયા છે પણ આંબેડકરને આરંભથી જાણવા માટે યુગપુરુષ નામની ડોક્યુનોવેલ વાંચવી. એ બીજા પુસ્તકોની જેમ બોર નહીં કરે. તેમાં એક મહાપુરુષનો બીજા મહાપુરુષ સાથેનો સંવાદ ધબકે છે.

દલિત આત્મકથાઓ પર આવીએ એટલે સર્વપ્રથમ અને કદાચ અંતિમ પણ આપણા મનમાં આંબેડકર યાદ આવી જાય છે. એ સિવાય પણ દલિત આત્મકથા ક્ષેત્રે પુષ્કળ કામ થયું છે. આ સદીમાં દલિત આત્મકથાઓ નથી લખાતી. લખાશે તો કોઈ પણ સરકાર માટે કલંકરૂપ સાબિત થશે, કારણ કે 21મી સદીમાં પણ નાતજાતના ભેદભાવ હોય તો પછી વધારે શું કહેવું ? અસ્પૃશ્યતા છેવાડાના પ્રદેશોમાં હજુ પણ કાખમાં છોકરાની જેમ ભરાઈને પડી છે. કર્ણાટકના મૈસૂર જિલ્લાના એક ગામના હમણાં જ સમાચાર હતા કે વાળંદ દલિત યુવકોના વાળ કાપતો હતો એટલે તેને ગામમાંથી નિષ્કાષિત કરી દેવામાં આવ્યો. અગાઉ પણ તેની સાથે ત્રણેક વખત થયું હતું. એ વાળંદ તો દલિત પણ નહોતો છતાં તેના જીવન સાથે એવું બન્યું તો અન્ય દલિતો સાથે તો શું થતું હશે ?

કેટલાક ગામડાઓમાં દલિતોના વાળ નથી કાપવામાં આવતા. કેટલાક ગામડાઓમાં દલિતો દબાયેલા રહે છે. આ બધા વચ્ચે એક નવી ક્ષિતિજ એ ઉઘડે છે કે કેટલાક દલિતો હકીકતે ખૂબ આગળ વધી ચૂક્યા છે. કોઈ માની ન શકે કે તમારી સામે તમિલનાડુ કે બિહારમાંથી આવેલો જે વ્યક્તિ ઊભો હોય તે કલેક્ટર હોય અને પાછો દલિત હોય.

દલિત સાહિત્ય એ વાંચવાનો અને અનુભવવાનો મુદ્દો રહ્યો છે. દલિત સાહિત્યમાં મરાઠી આત્મકથાઓ એ વાતનો અત્યાચારસભર નિચોડ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. આજે આવી જ કેટલીક દલિત આત્મકથાઓ અને સત્ય ઘટના પર આધારિત નવલકથાઓ વિશે જાણીએ. આંબેડકર બાદ અન્ય દલિત સાહિત્ય વાંચવું હોય તો ચોક્કસથી આ આત્મકથાઓ પણ વાંચવી જ જોઈએ. જેથી આંબેડકરના નિર્વાણ બાદ પ્રકાશિત થયેલી આત્મકથાઓમાં સ્થિતિ બદલી કે નહીં તેનું તારણ આપને જોવા મળશે.

ચાબુક વિચારે છે કે અત્યાર સુધી દલિત પીડાની આત્મકથાઓ, કવિતાઓ અને વાર્તાઓ પ્રગટ થઈ છે. તેની સામે જો કોઈ દલિત તેના જીવન પર સુખદ આત્મકથા લખે ત્યારે આશ્ચર્યનો મુદ્દો આપણા માટે સર્જાશે. વિચારીએ છીએ કે એ સવાર પણ એક દિવસ ચોક્કસ આવશે. જેમાં એક વાર્તાકાર, નવલકથાકાર કે આત્મકથા લેખક પોતાના દલિત જીવનની એક સુખદ જીવની લખશે. સૌ પ્રથમ વાત કરીએ દયા પવારની.

દયા પવાર- બલુત

દયા પવારે 1978ની સાલમાં મરાઠીમાં બલુત નામની આત્મકથા પ્રગટ કરેલી. તેને આત્મકથા કહેવી થોડું વધું લાગશે. એ એક દલિત લેખકના સંસ્મરણો છે. આંબેડકર દ્વારા લખાયેલા લખાણો બાદ દલિત સાહિત્યમાં તે શિરમોર છે. ક્લાસિકમાં એ હદે આ આત્મકથા પહોંચે છે કે તેને અંગ્રેજીમાં જેરી પીન્ટો દ્વારા અનુવાદિત કરવામાં આવી છે. જેરી પીન્ટો કોણ એ ગૂગલ કરી લેજો. અંગ્રેજી સાહિત્યનું મોટું નામ છે. જોકે એમની પાસેથી એમના વાંચકો હજુ બેસ્ટ કૃતિની પ્રતિક્ષા કરી રહ્યા છે. તો બલુત પર એમફીલ અને પીએચડી થનારા વિદ્યાર્થીઓની પણ મોટી ભરમાર છે. 1940-50ના મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી તેનું સત્ય કથનાક શરૂ થાય છે. જેમાં અછૂતો સાથે થતો વ્યવહાર અને તેમના પર થતી હિંસાનું દારૂણ ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. હિંસા અને પીડાની વિરૂદ્ધમાં અહીં દલિત સમાજની હિંમત દર્શાવવામાં આવી છે.

 

જૂઠન-ઓમ પ્રકાશ વાલ્મિકી

આ કોઈ કાચા હ્રદયનો માનવી તો વાંચી પણ ન શકે. જૂઠનનો અર્થ થયો કે થાળીની અંદર છોડી દેવામાં આવેલું ભોજન, જે હવે તમે પેટમાં પધરાવવાના નથી. હવે તેને જાનવરોને આપી દેવામાં આવશે. ઓમ પ્રકાશ વાલ્મિકીનું શીર્ષક એ વાતને પણ સામે લાવે છે કે ભારતીય સમાજમાં, આઝાદી મળ્યા પછી પણ દલિતોને આવું ભોજન કરાવવામાં આવે છે. અડધુ વધેલું તેમને આપી દેવામાં આવે છે. જો દલિતો નથી લેતા તો એ જાનવરોને આપી દેવામાં આવે છે. તો શું દલિત અને જાનવર એક સમાન છે ? આત્મકથાનો એક ભયાનક અંશ માણો…

‘‘ખૂબ જ અજીબ સ્થિતિ હતી. બંને તરફથી અપમાનિત થવું પડતું હતું. ચોથા ધોરણમાં. હેડમાસ્તર વિશ્વમ્બરસિંહની જગ્યાએ કાલીરામ આવી ગયા. તેમની સાથે એક વધારે માસ્તર આવ્યા હતા. તેમના આવતા જ અમારા ત્રણેના ખૂબ જ ખરાબ દિવસો શરૂ થયા. કારણ વિનાની અમારા ત્રણેની ધોલાઈ થઈ જતી હતી. રામસિંહ તો કોઈ કોઈ વાર બચી જતો હતો, પણ સુખન સિંહ અને મારી ધોલાઈ તો થતી જ રહેતી હતી. હું આમેય ખૂબ જ દુબળો પાતળો હતો અને મારી પીટાઈ થતી રહેતી હતી. સુખનના પેટમાં પાસડીઓની થોડી ઉપર એક ફોડો થઈ ગયો હતો. જેમાંથી રક્ત અને રસી નીકળતી રહેતી હતી. વર્ગખંડમાં તે પોતાનું અંગરખું એવી રીતે પહેરતો હતો કે તેનો ફોડો ખુલ્લો રહે. એક તો ફોડામાંથી લોહી કે રસી નીકળે તો વસ્ત્ર ખરાબ થાય અને બીજું કે કોઈ અન્ય માસ્તર આવે અને અમને મારે તો તે પોતાના ફોડાને બચાવી શકે. એક દિવસ માસ્તરે સુખનને મારતા સમયે એ ફોડમાં જ ધુમ્બો મારી દીધો. સુખનની રાડ નીકળી ગઈ. એ ફોડો ફૂટી ગયો હતો. માસ્તર અમને બંનેને રડતા જોઈને ગાળો દેવા લાગ્યો. એ ગાળો અહીં શબ્દબદ્ધ ન થઈ શકે. જો હું તેને શબ્દબદ્ધ કરી દઉં તો હિન્દીની અભિજ્યાત્યાતા પર ડાઘ લાગી જાય. મારી એક વાર્તા ખૂંટીયાની ખાલમાં એક પાત્રના મોઢામાંથી મેં ગાળો બકાવી હતી. હિન્દી સાહિત્યનાં ઘણા મોટા લેખકોના નાકનું ટેરવું ચડી ગયું હતું.’’

ચાબુક તરફથી આપને સલાહ છે કે એક વખત જૂઠન વાંચો. જો તમે વાંચી શકવાનું સામર્થ્ય ધરાવો છો તો. નહીં તો આ રિસ્ક છે. આત્મકથા તમારા મગજમાં એવી રીતે જંગબારનો ઘેરો ઘાલશે કે તમે તેનાથી વિખૂટા નહીં પડી શકો. ઉપર વાંચ્યું એ દયા પવારના સંસ્મરણોને કોઈ ટક્કર આપી શકે તો એ જૂઠન છે. આટલું ભયાનક તમે અત્યાર સુધી નહીં વાંચ્યું હોય.

બામા-કારુકુ

1992માં કારુકુ નામની નવલકથા આવે છે. ઘણી જગ્યાએ તેનો આત્મકથાનાત્મક તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેખિકા દલિત છે. કારુકુનો અર્થ થાય છે ખજૂરના વૃક્ષનાં પાંદડા. તમિલ ભાષાનો શબ્દ છે. ખજૂરનાં વૃક્ષનાં પાંદડાનું નિરીક્ષણ કરજો. તેની કોઈ તલવારની જેમ ધાર નીકળેલી દેખાશે. આમ તો તેનાથી કોઈની હત્યા ન થઈ શકે, પણ આમ દૂરથી જુઓ તો કોઈની હત્યા કરી દેનારું શસ્ત્ર જ લાગે. આ પ્રકારની દલિત નવલકથા/આત્મકથા તે પણ મહિલા દ્વારા પ્રકાશિત થઈ હોય તેવું 90ના દાયકામાં તમિલ સાહિત્યમાં પ્રથમ વખત થયેલું. આ દલિત કૃતિ લખનારી લેખિકાનું નામ બામા છે. અને બામા એ તેનું સાચું નામ નથી. 1992ની સાલમાં તમિલનાડુની રૂઢીચૂસ્તતા સામે પંગો કોણ લે ? એટલે એ સમયના ઘણા દલિત લેખકોએ પોતાનું નામ બદલાવીને પણ લખ્યું છે. લેખિકાનું સાચું નામ છે Faustina Mary Fatima Rani

શાંતાબાઈ કાંબલે – માજ્યા જલ્માચી ચિતરકથા

આ એ વખત હતો જ્યારે માત્ર અને માત્ર દલિત પુરુષો વડે લખાયેલી આત્મકથાઓ ચર્ચામાં હતી. તેમને અંતરમનથી એવું થયું કે મારે પણ મારી જીવની લખવી જોઈએ. બાળપણમાં દલિત હોવાના કારણે ભોજન અને પાણી માટે કેવી સમસ્યા પડતી હતી, ત્યાંથી લઈને પતિ સાથેના વિવાહ બાદ જીવનમાં કેવી કેવી રીતે સંઘર્ષ વેઠવો પડ્યો, તે આ આત્મકથામાં શાંતાબાઈએ લખેલું છે.

પેરુમલ મુરુગન -મધોરુંબગન

આ નવલકથા પ્રકાશિત થઈ પછી તમિલનાડુમાં તેનો ખૂબ જ વિરોધ થયો હતો. લેખકે 2015માં આ વિરોધ સામે ફેસબુક પોસ્ટ મૂકી હતી અને લખ્યું હતું કે, લેખક પેરુમલ મુરુગન મૃત્ય પામી ચૂક્યા છે. આખરે ફરી તેમણે લેખન ક્ષેત્રમાં જંપ લાવ્યું અને કાયરના ગીતો નામે પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આજના સમયમાં ભારતના નંબર વન દલિત લેખક તરીકે મુરુગનને ગણવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ તેમને માનથી ‘નંબર વન લેખક’ કહી બોલાવે છે.

માધોરુંબગન એક નવલકથા છે. જોકે એ નવલકથા લેખક પેરુમલ મુરુગનનો આંખે દેખ્યો અહેવાલ છે. નવલકથામાં જે ઘટના છે તે તેમના ચક્ષુઓ સામે બની હતી અને તેમણે લખવાનું નક્કી કર્યું. નવલકથાના પ્લોટના કારણે તેમના પર ટીકાઓનો વરસાદ થયો. તેમની કૃતિઓને જાહેરમાં સળગાવવામાં આવી હતી. નવલકથા અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. દુ:ખની વાત એ છે કે ઉપરનું કોઈ સાહિત્ય ગુજરાતીમાં અનુવાદિત જ નથી થતું. થાય છે તો પણ ક્યાં ખોવાઈ જાય છે ખબર નથી રહેતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments