Team Chabuk-National Desk: કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ચાર મહિના પૂર્ણ થયા છે. ખેડૂત આંદોલનને ચાર વર્ષ પૂર્ણ થવા પર ખેડૂત આંદોલનકારીઓએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ભારત બંધ માટેનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધની અસર સવારથી જ જોવા મળી રહી છે. ઠેર ઠેર ખેડૂત સંગઠનોએ એકત્રિત થઈને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
ખેડૂત સંગઠનોએ 12 કલાક સુધી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો સવારથી વિવિધ રોડ-રસ્તા, રેલવે લાઈન જેવા સ્થળોએ એકઠાં થયા છે અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનો ડાન્સ
હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભારત બંધના એલાનને પગલે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ડાન્સ કર્યો હતો. ગાજીપુર બોર્ડર પર ભારત બંધ દરમિયાન ખેડૂતોએ રસ્તા પર હોળીના ગીતો પર ડાન્સ કર્યો હતો. ગાજીપુર બોર્ડર ઉપરાંત અન્ય બોર્ડર પર પણ ખેડૂતો ભારત બંધમાં જોડાઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ભારત બંધની દિલ્હીમાં અસર
ખેડૂત સંગઠનોના ભારત બંધના એલાન બાદ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. દિલ્હીની જે બોર્ડરો પર ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં પહેલાથી જ રસ્તા બંધ છે. લોકોને આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. જો કે ભારત બંધના પગલે આ વૈકલ્પિક રસ્તાઓ પણ સવારે 6 વાગ્યાથી બંધ કરી દેવાયા છે. ખેડૂતોના ભારત બંધના એલાનના કારણે સાવચેતીના ભાગરૂપે દિલ્હીના કેટલાક મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. બંધ કરાયેલા આ મેટ્રો સ્ટેશનમાં ટિકરી બોર્ડર, પંડિત શ્રીરામ શર્મા, બ્રિગેડિયર હોશિયાર સિંહ અને બહાદુરગઢ સિટી મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.
અમૃતસરમાં રેલવે લાઈન બ્લોક
દિલ્હી બોર્ડર ઉપરાંત પંજાબના વિવિધ સ્થળે પણ ભારત બંધની અસર જોવા મળી રહી છે. અમૃતસરમાં ખેડૂતોએ રેલવે ટ્રેક બ્લોક કર્યો હતો. અમૃતસરથી દિલ્હી સુધીની રેલવે લાઈન પર કુલ 88 સ્થળે ખેડૂતો ધરણા પર બેઠા છે, જેના કારણે રેલવે લાઈન પ્રભાવિત થઈ છે.
પંજાબ અને હરિયાણામાં ભારત બંધની અસર વધુ જોવા મળી રહી છે. હરિયાણામાં તમામ મોટા હાઈવે ઉપર ખેડૂતો સવારથી જ ટ્રેકટર લઈને એકઠાં થઈ ગયા છે અને હાઈવે જામ કરી દીધો છે. પંજાબમાં પણ સવારથી જ ખેડૂતો નાના-મોટા રોડ પર ઉતરી ગયા છે. ઘણી જગ્યાએ પોલીસે પણ બેરિકેડ લગાવીને ટ્રાફિક ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ઓરિસ્સામાં પણ ભારત બંધની અસર
પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશના બીજા અન્ય રાજ્યમાં પણ ઘણી જગ્યાએ ભારત બંધના એલાનની અસર જોવા મળી રહી છે. ઓરિસ્સામાં પણ સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ટ્રેડ યુનિયને રેલવે ટ્રેક બ્લોક કર્યો છે. ઓરિસ્સામાં ભારત બંધના એલાનને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળ્યું છે. ઓરિસ્સામાં કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ પણ સંયુક્ત કિસાન મોર્ચાના ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરીને રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સરકાર સાથે વાતચીત કરવા તૈયાર
છેલ્લા ચાર મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ સરકાર સાથે વાતચીત કરવાની પણ તૈયારી દર્શાવી છે. ભારતીય કિસાન યુનિયનના ઉત્તરપ્રદેશના અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌને કહ્યું કે, ભારત બંધમાં અમને સામાન્ય લોકો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરોનો પણ સહયોગ મળી રહ્યો છે. જેનાથી સરકારને એક સંદેશો મળશે. અમે વાતચીત કરવા માટે 24 કલાક તૈયાર છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત