ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે ત્યારે સરકાર ખેડૂતોને મનાવવા વચ્ચેનો રસ્તો શોધી રહી છે. કેન્દ્ર સરકારે હવે વિવાદિત ત્રણ કૃષિ કાયદામાંથી એકને પાછો ખેંચવાનો અને બાકીના બે કાયદાઓમાં જરૂરી સુધારા કરવાની વિચારણા શરૂ કરી છે.
પાંચ રાઉન્ડની અસફળ બેઠકો બાદ કેન્દ્ર સરકારે સોમવારે ખેડૂત સંગઠનોને વધુ એક મુસદ્દો રજૂ કર્યો હતો. જેમાં ત્રણ કાયદા અંગે ખેડૂતોએ ઉઠાવેલા વાંધાઓને સુધારવાની વાત કરાઈ હતી.
જો કે, ખેડૂત સંગઠનોએ આ મુદ્દે કોઈ લેખિત જવાબ કેન્દ્રને મોકલ્યો ન હતો. ખેડૂતો પોતાની માગ પર અડગ છે. ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું હતું કે ત્રણે કાયદાઓ રદ જ થવા જોઈએ. તેનાથી ઓછું કંઈ નહીં. આવતીકાલે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે છઠ્ઠા તબક્કાની બેઠક યોજાશે.
ખેડુતોનાં સંગઠનોનાં આ વલણને જોતાં કેન્દ્ર સરકારે નવેસરથી નિરાકરણ લાવવાનું વિચાર્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ત્રણે કાયદા રદ કરવા તૈયાર નથી. કેન્દ્ર સરકાર હાલ આ આંદોલનને ઝડપથી સમાપ્ત કરવા વચલો રસ્તો શોધવા મુદ્દે મંથન કરી રહી છે.
ખેડૂતોએ MSPની ગેરંટીનો મુખ્ય મુદ્દો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકાર વિચારી રહી છે કે હાલ પુરતા MSPની ગેરંટીવાળા કાયદાને પરત લઈ ખેડૂતોના આંદોલનને શાંત કરવામાં આવી શકે છે. આવતીકાલની બેઠકમાં આ અંગે કોઈ મોટો નિર્ણય થઈ શકે છે.
આજે ખેડૂતો ભારત બંધમાં જોડાયા છે. હરિયાણા, પંજાબ અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યોની તમામ મંડી બંધ રહેશે. આંદોલનના પગલે બપોરે ત્રણ વાગ્યા સુધી ટ્રાફીક જામ રહેશે. ટ્રાફિક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બસ અને રેલ્વે મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. ત્રણે રાજ્યોમાં બંધ છતાં એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર્સ પણ ખુલ્લા રહેશે. હોસ્પિટલો સામાન્ય દિવસોની જેમ ચાલુ રહેશે.
દિલ્હી પોલીસે પહેલેથી જ સરહદી વિસ્તારોમાં તૈનાત છે. સુરક્ષા જવાનો ઉપરાંત 100 વધારાની કંપની પોલીસ દળ સાથે છે. જે જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. દરેક ટીમનું નેતૃત્વ એસીપી કક્ષાના અધિકારીઓ કરશે. આંદોલન પર ડ્રોનથી પણ પોલીસની બાજ નજર છે.
દિલ્હી અને યુપી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો જબરદસ્તીથી દુકાનો બંધ કરાવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીમાં આજે ઓલા-ઉબેર સેવાઓ બંધ થઈ છે. ઓલા-ઉબેર જેવા કેબ એગ્રિગેટર્સે ખેડૂતોના ભારત બંધને ટેકો આપ્યો છે. આજે ઓલા, ઉબેર સેવાઓ દિલ્હીમાં ઉપલબ્ધ નહીં હોય.
ખેડૂત નેતા રાકેશ ટીકેતે કહ્યું કે, અમારું પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે. જો કોઈ આપણા આંદોલનના કારણે 2-3 કલાક અટવશે, તો અમે તેને પાણી અને ફળ આપીશું.
દિલ્હી સિવાયના રાજ્યોની જો વાત કરવામાં આવે તો ઓડિશામાં પણ અસર જોવા મળી છે. ડાબેરી પક્ષો અને ટ્રેડ યુનિયનોએ સવારે ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકી હતી.
ભારત બંધના સમર્થનમાં કોંગ્રેસે વડોદરામાં ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો. જ્યારે ભરૂચ અને દહેજ વચ્ચેના હાઈવે પર અજાણ્યા શખ્સોએ ટાયરો સળગાવ્યા હતા. ઘટનાના પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગુજરાતમાં કલમ 144 લાગુ છે. રસ્તા રોકવા બંધ કરાવનારાઓ પર ગુનો દાખલ થશે અને ધરપકડ થશે. સંવેદનશીલ વિસ્તારોમાં SRP જવાનોને તેનાત કરાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
.