Homeસાહિત્યઅર્નેસ્ટ મિલર હેમિંગ્વે : સાત શાર્ક માછલીનો શિકાર કરનારો લેખક

અર્નેસ્ટ મિલર હેમિંગ્વે : સાત શાર્ક માછલીનો શિકાર કરનારો લેખક

એ દિવસે ફ્લોરિડામાં તોફાન આવ્યું હતું. કોઈ નવી વાત નથી… અમેરિકામાં આવા તોફાનો આવતા રહે છે. પણ એ તોફાનની વિદાય પછી સમાચાર બન્યા. ફ્લોરિડામાં આ તોફાને બધું તહેસનહેસ કરી નાખ્યું હતું. સિવાય કે હેમિંગ્વેનું મકાન. જે હવે મ્યુઝિયમમાં તબ્દિલ થઈ ચૂક્યું છે. આ સિવાય મોટા સમાચાર એ હતા કે ત્યાં 54 બિલાડીઓ હતી. તેને પણ કશું નહોતું થયું. બાકી સમગ્ર ફ્લોરિડાનું કાસળ કાઢી નાખ્યું હતું.  

આ ઘટના સાંભળીને તો એમ જ લાગે કે હેમિંગ્વે જીવી રહ્યા છે. પુસ્તકો સિવાય ફ્લોરિડાના એ ઘરમાં પણ. કંઈક બાકી રહી જતું હશે ? કેટલુંક ચૂકવવાનું હશે ? શું કારણ હશે ? તે આટલા મસમોટા તોફાનમાં હેમિંગ્વેનું સંગ્રહાલયમાં તબ્દિલ થયેલું ઘર બચી ગયેલું. તોફાન તો એમના જીવનમાં પણ હતું.

વિવેચકને મુક્કો માર્યો

વાત શરૂઆતથી નથી કરવી. વાત કરવી છે એક બની બેઠેલા ફેન વિવેચકથી. દુનિયાભરમાં આવા ફેન વિવેચકો ઉભરી રહ્યાં છે. ફેસબુકના કારણે તો હવે એમની સંખ્યા ગણ્યા ગણાય નહીં એટલી છે. જે હેમિંગ્વેના જમાનામાં પણ હતા. હેમિંગ્વેની કોઈ બુક પ્રકાશિત થયેલી અને આ ભાઈએ હેમિંગ્વેના મોઢા સામે જઈ તેની ટિકા કરી, ‘આમાં તમે આમ બરાબર નથી કર્યું, આનો તો કંઈ નાડીનેફો જ દેખાતો નથી. કંઈ લેવાલ નથી…’ બસ પૂરૂ… હેમિંગ્વેએ હાથની મુઠ્ઠી વાળી તેના નાકમાં મારી દીધી. આ માણસની સાઈઝ કેટલી હશે તેની મને ખબર નથી, પણ હેમિંગ્વે બોક્સિંગ પણ કરતા હતા અને આર્મીમાં જવાની પણ ઈચ્છા ધરાવતા હતા. એમના ફોટો જુઓ તો અમેરિકન ધણખૂંટ જ લાગે. ત્યાર પછી કેટલાક વિવેચકોએ હેમિંગ્વેને ક્રિટીસાઈઝ કરવાના જ બંધ કરી દીધા. 

છોકરીની જેમ રાખતા

અર્નેસ્ટ મિલર હેમિંગ્વેની માતાને હંમેશાંથી એક દીકરીની ઈચ્છા હતી. અને તેને દીકરીને પોતાની માફક સંગીતકાર બનાવવી હતી. જ્યારે ખબર પડી કે પુત્રનો જન્મ થયો છે ત્યારે અર્નેસ્ટ હેમિંગ્વેના લાંબા વાળ રાખવામાં આવ્યા અને તેને છોકરીની જેમ ટ્રીટ કરવામાં આવ્યો. હેમિંગ્વેની આ દયનીય સ્થિતિ લગભગ ચાર વર્ષ સુધી રહી. મોટી બહેનનાં કપડાં પહેરવા પડતા. માતા તેને પિયાનો અને સેલો વગાડવા માટે કહેતા. અર્નેસ્ટે નોંધ્યું છે કે, ‘દુનિયાની કોઈ ખરાબ વસ્તુ હોય તો તે પીયાનો વગાડવાનું હતું. મને ખ્યાલ નથી શા માટે ? પણ માતાના એ સંગીતે જ મારામાં ઊર્જાનો સંચાર કર્યો. પણ વાસ્તવમાં મને માતા પ્રત્યે ખીજ હતી. શા માટે મને છોકરીની જેમ ઉછેરતા હતા ?’

આર્મીમેન

અર્નેસ્ટ હેંમિંગ્વેની ઈચ્છા પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેવાની હતી. પણ તેઓ લઈ ન શક્યા, કારણ કે તેમની આંખનો મેડિકલ ટેસ્ટ નેગેટીવ આવ્યો. આ માટે તેમણે ન્યૂયોર્કથી ઈટાલી સુધીની મુસાફરી કરેલી. બન્યું એવું કે વચ્ચે વાયા જર્મની પહોંચતા ત્યાં બધુ છાવણીમાં પલ્ટી ગયું હતું. આખરે વિશ્વયુદ્ધમાં તેમણે એમ્બયુલન્સ ડ્રાઈવર તરીકે સેવા આપી. આ સેવા આપતી વખતે એક જગ્યાએ બોમ્બ ફૂટ્યો અને હેમિંગ્વેને ત્યાં જવાનું હતું. તેમણે એક સ્ત્રીના શબને ઉઠાવ્યો અને હાથમાં લીધો. તેના ટુકડા તેમને ક્યાંય જોવા ન હતા મળતા. આ ઘટનાનું વર્ણન તેમણે પોતાના પ્રથમ પુસ્તક ડેથ ઈન ધ પૂનરમાં કર્યું છે. જે નોન ફિક્શન છે. 

માઈક્રોફિક્શનના ભીષ્મ પિતામહ

અત્યારે માઈક્રોફિક્શનનો જમાનો છે, જે સ્ટાઈલ હેમિંગ્વે લાવેલા. હેમિંગ્વેને માઈક્રો શૈલીના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. તેમણે સૌ પ્રથમ 6 શબ્દોમાં એક માઈક્રોફિક્શન લખેલી. બાદમાં લેખકો અને વિવેચકોએ આ શૈલીને વખોડી કાઢી. તેમની આ ટૂંકી ટૂંકી કથા હતી For Sale: baby shoes. Never worn.

ગાળો ભાંડી

ગ્રેટ ગેટસ્બીના લેખક એફ.સ્કોટ.ફિઝરગેરાલ્ડે એકવાર હેમિંગ્વેને પત્ર લખ્યો. આ પત્ર દસ પાનાનો હતો. જેમાં લખેલું હતું, ‘The world breaks everyone and afterward many are strong at the broken places. But those that will not break it kills. It kills the very good and the very gentle and the very brave impartially. If you are none of these you can be sure that it will kill you too but there will be no special hurry.’ હેમિંગ્વેએ પોતાની માઈક્રોફિક્શન વાર્તાની માફક ત્રણ જ શબ્દોમાં જવાબ આપ્યો. ‘Kiss my ass.’

રસોઈનો શોખ હતો

અર્નેસ્ટ હેંમિગ્વેને લખવા કરતા પણ વધારે ખાવાનું બનાવવાનો શોખ હતો. પત્રકાર હતા એટલે પોતાની કોલમમાં જ્યારે કંઈ ન મળે ત્યારે રેસિપી વિશે લખતા. ફ્લોરિડામાં તેમના મ્યુઝિયમમાં આ તમામ રેસિપીઓ સાચવેલી પડી છે. 

હેમિંગ્વે KGBમાં ??

એવું માનવામાં આવે છે કે… 1940માં રશિયાની સંસ્થા KGB માટે તેઓ કામ કરતા હતા. ત્યારે તેમનું નામ આર્ગો હતું. અમેરિકાને આ વાતનો ખ્યાલ આવી ગયો અને તેમણે આર્ગો બની બેઠેલા હેમિંગ્વેને માનસિક એટલી તકલીફ આપી કે હેમિંગ્વે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા. જે તેમની આત્મહત્યાનું કારણ પણ બની. એવું પણ કહેવાય છે. આ વાતનો 2010નાં પુસ્તક રાઈઝ એન્ડ ફોલ ઓફ KGB ઈન અમેરિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે હેમિંગ્વેને FBIએ ઈલેક્ટ્રિક શોક પણ આપ્યા હતા. 

આગલી પત્ની ન હતી ગમતી

હેમિંગ્વે મોજીલા માણસ હતા. લેખકને તેની જૂની કૃતિ વર્ષો બાદ ન ગમે તેમ તેમને જૂની પત્ની પણ નહોતી ગમતી. ચાર વખત લગ્ન કર્યા. જેમાંથી ત્રણ વખત ડિવોર્સ લઈ લીધા. તેમની દરેક પત્નીએ ઈન્ટરવ્યૂમાં ક્યાંકને ક્યાંક એવું નોંધ્યું છે કે, અમને તેની આગલી પત્ની ન હતી ગમતી.

ફિલ્મ અને પુસ્તક

હોલિવુડ ફિલ્મો વિશે હેમિંગ્વેનું માનવું છે કે, તમારી બુક તમારી જ રહેવાની. તેમાંથી તમારું નામ બદલાઈ નહીં જાય. જેને ફિલ્લ્મ બિલ્લમ બનાવવી હોય તેની પાસે જવાનું. તમારી ચોપડી માથામાં મારવાની, તે તમારા માથામાં પૈસા મારે પછી દોડીને કારમાં બેસી ભાગી જવાનું. હવે તેને જે કરવું હોય તે કરે. 

લાઘવ લખાણ

જેમ માતાની ઈચ્છા નાનપણમાં તેને સંગીતકાર બનાવવાની હતી. તેમ પિતાની ઈચ્છા ડોક્ટર બનાવવાની હતી. પણ તે રિપોર્ટર બન્યા. એક વીકના 15 ડોલર તેમને મળતા. પ્રથમ દિવસે તેમના એડિટરે તેમને કહ્યું કે, ‘શબ્દો ટૂંકા હોવા જોઈએ, લોકોને રસ પડવો જોઈએ. ફલાણું… ઢીકણું…’ પણ ખબર ન હતી હેમિંગ્વે પોતાના તંત્રીના શબ્દોને આટલા ગંભીરતાથી પોતાની લેખનશૈલીમાં આવરી લેશે.  

સ્ક્રિપ્ટ ચોરાઈ ગઈ

21 વર્ષની ઉંમરે એલિઝાબેથ સાથે પ્રથમ લગ્ન કર્યા એ પછી હેમિંગ્વેનાં પુત્ર પાપા (આ નામ છે) નો જન્મ થયો. ત્રણે પેરિસ ગયા અને ત્યાં હેમિંગ્વેની મેન્યુ સ્ક્રિપ્ટ ચોરાઈ ગઈ. હેમિંગ્વેનું આ શરૂઆતનું લખાણ હતું. 

દોસ્તી

જેમ્સ જોઈસ અને હેમિંગ્વે પેરિસમાં એકસાથે દારૂ પીતા. બને એવું કે જેમ્સ દારૂ બાબતે કોઈ સાથે બબાલ કરે અને પછી હેમિંગ્વેની પાછળ છુપાઈ જાય. હેમિંગ્વે પોતાના આ દારૂ બડીને બચાવવા માટે આગળ આવે અને પેલાને મારે. બંન્નેની દોસ્તી આવી જ રહી. 

સાત શાર્ક માછલી મારી નાખી

હેમિંગ્વેએ એક દિવસમાં સાત શાર્ક મારેલી હતી. જે એક રેકોર્ડ રહી ચૂક્યો છે. કોઈ લેખક દ્વારા આવું પરાક્રમ આજ સુધી નથી કરવામાં આવ્યું. હા, કેટલાક ગુજરાતી લેખકોએ પોતાની ચોપડીના પાત્રોને પોતાના લખાણ દ્વારા રિબાવ્યા જરૂર છે, પણ મારી નથી શક્યા.

શરીર રોગનું ઘર

દુનિયાના સૌથી મોટા સર્વાઈવર લેખક તરીકે હેમિંગ્વે જગતભરમાં ઓળખાય છે. શરીર બીમારીઓનું ઘર બની ગયું હતું. એન્થ્રેક્સ, મલેરિયા, ડાયાબિટીસ, સ્કિન કેન્સર, હિપેટાઈટીસ અને આવા ઘણા રોગો તેમની સાથે જ ચાલતા. અંતે હેમિંગ્વેએ આ દુનિયામાંથી છૂટકારો લેવાનું નક્કી કર્યું. માયો ક્લિનિકમાંથી પાછા ફરતી વખતે તેમણે પોતાની ફેવરિટ ગન લીધી અને બે રાઉન્ડ ફાયર કર્યા. હજુ કેટલો જીવ હશે કે, બે રાઉન્ડ ફાયર કર્યા ત્યારે મર્યા. એ ગુજરી ગયો ત્યારે તેની પત્નીએ ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારને કહેલું કે, તે સવારના સાડા સાત વાગ્યે બંદૂકની સફાઈ કરતા હતા. સાફ સફાઈ દરમિયાન અચાનક ધડાકો થઈ ગયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments