Homeગામનાં ચોરેલોકો 100 રૂપિયાનું એક લીટર પેટ્રોલ ખરીદી શકે છે તો દૂધ કેમ...

લોકો 100 રૂપિયાનું એક લીટર પેટ્રોલ ખરીદી શકે છે તો દૂધ કેમ નહીં ?

Team Chabuk-National Desk : સરકાર અને ખેડૂતો વચ્ચેના વિવાદમાં જનતાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થાય તેવી શક્યતા છે. કૃષિ આંદોલનના વિરોધમાં ખેડૂતો દૂધનો ભાવ 50થી વધારીને 100 રૂપિયા પ્રતિ લીટર કરી દેશે. આ નિર્ણયનો અમલ 1 માર્ચથી જ શરૂ કરી દેવામાં આવશે. ભારતીય કિસાન યુનિયને આ જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયને જાહેરાત કરી છે કે, 1 માર્ચથી દૂધના પ્રતિ લીટરના 100 રૂપિયા કરાશે.

દૂધનો ભાવ વધારી ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરશે. ભાવ વધારો એ કૃષિ આંદોલનનો જ એક ભાગ છે. ખેડૂતોના સંયુક્ત મોરચાના પદાધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોના નિર્ણયથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થશે.

જોકે, આ મુદ્દે ભારતીય કિસાન યુનિયનના જિલ્લા પ્રમુખ મલકીત સિંહે કહ્યું હતું કે, લોકો 100 રૂપિયાનું એક લીટર પેટ્રોલ ખરીદી શકે છે તો દૂધ કેમ નહીં ? અત્યાર સુધી ખેડૂતો દૂધને નહીં નફો નહી નુકસાનની સ્થિતિએ વેચતો આવ્યા છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રહી છે. તેમણે આડકતરી રીતે કહ્યું કે ત્યાં લોકો ચુપ છે. બીજી તરફ તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી કે, જો દૂધના ભાવ વધારવા છતાં સરકાર નહીં માને તો આગામી દિવસોમાં શાકભાજીના ભાવ પણ વધારીશું.

કૃષિ કાયદાને રદ કરવાના મુદ્દા પર ખેડૂતો અડગ છે. દિલ્હીની ટિકરી બોર્ડર પર હજુ પણ ખેડૂતોનો જમાવડો યથાવત છે. ખેડૂતોની એક જ માગણી છે કે, સરકાર ત્રણ કૃષિ કાયદા રદ કરે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો વિવિધ રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા છે.

ખેડૂત નેતા રાકેશ ટિકેત પણ ખેડૂતોની માગણીને લઈ અડગ છે. તેઓ પણ સંસદને ઘેરવાની ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. તાજેતરમાં જ તેઓ કહી ચુક્યા છે કે, હવે ખેડૂતો સંસદનો ઘેરાવ કરશે અને આ વખતે ચાર નહીં પરંતુ ચાલીસ લાખ ટ્રેક્ટર દિલ્હીમાં ઘૂસસે.

દૂધ અને શાકભાજીના ભાવ વધારાની ચીમકી પહેલાં ખેડૂતોએ પોતાના જ પાકને નષ્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. રાકેશ ટિકેતે તૈયાર પાકને સળગાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. પંજાબ, હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોએ રાકેશ ટિકેતની વાતને ગંભીરતાથી લઈને પાકને નષ્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. જેથી ખેડૂતોને અપીલ કરવી પડી હતી કે ખેડૂતો આવું ન કરે. રાકેશ ટિકેતે સળગાવી શબ્દનો અર્થ સમજાવતા ખેડૂતોને કહેવું પડી રહ્યું છે કે, પાક સળગાવી દેવાનો મતલબ પાકની જાળવની ન કરવું એવો છે. જો ખેડૂતો તૈયાર પાક નષ્ટ કરે તો તેમાં ખેડૂતોને પોતે જ નુકસાન વેઠવું પડશે.

આ મુદ્દે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ શમશેર દહિયાએ કહ્યું કે, રાકેશ ટિકેતના કહેવાનો મતલબ એવો હતો કે, જો સરકાર માગણી નહીં સ્વીકારે તો ખેડૂતો પોતાના પાકની માવજત કરવાની જગ્યાએ દિલ્હી બોર્ડર પર આવીને બેસી રહેશે. એટલે કોઈ ખેડૂતે પાકને નુકસાન નથી પહોંચાડવાનું. સાથે જ તેમણે ખેડૂતોને બોર્ડર પર પહોંચીને આંદોલનને વધુ મજબૂત બનાવવા સહયોગ આપવા પણ આહ્વાન કર્યુ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments