Team Chabuk- National Desk: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાંથી મોટાભાગની બેઠકો જંગલમહલ વિસ્તારમાં આવે છે. ભાજપને આ મતવિસ્તારમાંથી વધુ મત મળવાની આશા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાંથી જ વધુ બેઠક મળી હતી.
આ બેઠકો પર રહેશે નજર
પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે પ્રથમ તબક્કામાં બાંકુરા, પુરુલિયા, ઝારગ્રામ, પશ્ચિમ અને પૂર્વ મિદનાપુર જિલ્લાની 30 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ 30 બેઠકમાં પટાશપુર, ભગવાનપુર, ખેજુડી, ઉત્તર કાંથી, દક્ષિણ કાંથી, એગરા, રામનગર, ગોપીવલ્લભપુર, બિનપુર, ઝારગ્રામ, નયાગ્રામ, બાઘમુંડી, માનબાજાર, કેશિયરી, ગડબેતા, સાલબની, ખડગપુર, મેદિનીપુર, દાંતન, બંદવાન, બલરામપુર, જયપુર, પુરુલિયા, પારા, રઘુનાથપુર, કાશીપુર, સાલતોરા, રાનીબાંધ, રાયપુર અને છાતના બેઠક સામેલ છે. જેમાં પુરુલિયાની 9, બાંકુરાની 4, ઝારગ્રામની 4, પશ્ચિમ મેદિનીપુરની 6 અને પૂર્વ મેદિનીપુરની 7 બેઠકો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પૂર્વ મેદિનીપુરની સાત બેઠકો પર ટીએમસીમાંથી ભાજપમાં આવેલા શુવેન્દુ અધિકારીનું સારું એવું પ્રભુત્વ હોવાનું માનવામાં આવે છે. આ 30 બેઠકો પર ભાજપ અને ટીએમસીએ 29-29 ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે વામ-કોંગ્રેસ-આઈએસએફ ગઠબંધને તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે.
આઠ ચરણમાં થશે મતદાન
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કુલ 8 તબક્કામાં મતદાન થવાનું છે. કુલ 294 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચુક્યું છે. ત્યારબાદ 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
અસમમાં 47 બેઠક પર મતદાન
પશ્ચિમ બંગાળની સાથે સાથે આસામમાં પણ આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અસમ વિધાનસભાની 47 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. આસામ વિધાનસભાની કુલ 126 બેઠક છે. જેમાંથી 47 બેઠક પર આજે મત નાખવામાં આવી રહ્યા છે. આસામમાં પણ સાંજના 6 વાગ્યા સધી મતદાન પ્રક્રિયા ચાલશે.
વડાપ્રધાનની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાને બાંગ્લાદેશથી ટ્વિટ કરીને મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને પશ્ચિમ બંગાળ અને આસામના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે.
ડર્યા વિના મતદાન કરોઃ અમિત શાહ
દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને પશ્ચિમ બંગાળ અને આસામની જનતાને મતદાન કરવા કહ્યું છે. અમિત શાહ ટ્વિટ કરીને લખ્યું કે, પશ્ચિમ બંગાળની જનતાને અપીલ કરું છું કે બંગાળના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વધુને વધુ સંખ્યામાં નિડર બનીને મતદાન કરો. તમારો એક મત સુભાષચંદ્ર બોઝ, ગુરુદેવ ટાગોર અને શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાપુરુષોની કલ્પનાના બંગાળની રચનાને સાકાર કરશે.
આસામના મતદારોને મતદાન માટે અપીલ કરતાં અમિત શાહે લખ્યું કે, તમામ ભાઈઓ-બહેનો અને ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું તે પ્રદેશમાં શાંતિ, વિકાસ અને સમુદ્ધિને બનાવી રાખવા માટે મોટી સંખ્યામાં મતદાન કરો.
તો આ તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પણ ટ્વિટ કરીને લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરીને બહાર નીકળી મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત