Homeસિનેમાવાદઅસૂરન : શું સાહિત્યને જાતિવાદનો રંગ ન હોવો જોઈએ?

અસૂરન : શું સાહિત્યને જાતિવાદનો રંગ ન હોવો જોઈએ?

ઝાલાવાડી જલજીરા: વૈત્રીમારન એ દિગ્દર્શક છે જેને જોયા પછી મગજમાંથી બે દિવસ સુધી તેની ફિલ્મનો સીન ખસવાનું નામ ન લે. મગજમાં કીડા દોડવા માંડે. આપણે આવા કહેવાતા સભ્ય સમાજમાં રહીએ છીએ. માણસ એ સામાજીક પ્રાણી છે આવું શા માટે એરિસ્ટોટલે કહ્યું ? કદાચ ત્યાં દલિત નહીં હોય. શું ત્યાં જાતિવાદી માનસિકતા નહીં હોય ?

વૈત્રીમારનને ખબર છે કે કોઈની પીડાને કેવી રીતે દર્શાવવી. એ તમિલ સિનેમાના દાયરામાં રહીને કામ કરે છે. એ જે તે વ્યક્તિ પર દૂરાચાર થયો છે; તો તેની બેકસ્ટોરી પણ ઘડે છે અને નિર્બળના હાથમાં હથિયાર આપી સબળો બનાવી બદલો પણ લેવડાવે છે. મરાઠી અને તમિલ સિનેમામાં દલિત ફિલ્મો પર જે જબ્બર કામ થયું છે તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. બંનેમાં દલિત સાહિત્ય પણ એટલું જ સર્જાયું છે. ગુજરાતીમાં દલિત મુદ્દાને કેન્દ્રસ્થાને ગણી મહાકાય ફિલ્મો બનતી નથી. અરે ખૂદ ગુજરાતીની ફિલ્મો એ કક્ષાની બનતી નથી.

જો ગુજરાતીમાં બે મિત્રોની વાર્તા સફળ જાય છે, તો બે વર્ષ સુધી બે મિત્રોની વાર્તા પર જ ફિલ્મ બનશે. જો ત્રણ મિત્રોની વાર્તા સફળ જાય છે, તો ત્રણ અને પાંચ મિત્રોની વાર્તા સફળ જાય છે તો પાંચ. જો પહેલો દિવસ સફળ જાય છે તો શા માટે બીજો દિવસ નહીં? તો પછી કેમ છેલ્લો દિવસ નહીં ? કચ્છમાં એક ફિલ્મ હીટ જાય છે તો ચાલો બધા કચ્છડો બારેમાસ. ગુજરાતી સિનેમાના ખોટેખોટા વખાણ કરીને આપણે નહોર અને દાંત વિનાનો સિંહ પાડી રહ્યા છીએ. વિવેચકનું ન હોવું અને એ વિવેચકનું સત્ય ન ઉચ્ચારવું એ ભવિષ્યની પેઢી અને કળા માટે નુકસાનકારક સાબિત થશે.

ધનુષની ફિલ્મ અસૂરન તો 2019માં આવી. તમિલમાં હીટ જતા તે હવે તેલુગુમાં પણ બની રહી છે. સમય જતા હિન્દીમાં તેના રાઈટ્સ ખરીદી લેવામાં આવે, કદાચ ન પણ આવે. વૈત્રીમારનનો વિષય બધા પસંદ નથી કરી શકતા. આપણે ત્યાં ત્રણ લોકોની વાત છે. અમીરોની, ગરીબોની અને મધ્યમવર્ગની. ગરીબો અને મધ્યમવર્ગની વચ્ચે પણ એક વર્ગ રહે છે. એ વર્ગની ક્યાંય વાત નથી થતી. એ લાપતા છે. એ જન્મ લે છે, સમસ્યા સામે લડે છે અને મરી જાય છે. જીતતો બિલકુલ નથી. આપણને આવા લોકોની ખબર જ નથી. એ ઝૂંપડીમાં રહે છે પણ પેટ ભરવાના રૂપિયા મળી જાય છે.

આ ફિલ્મ અને તેની સાથેના જમીન વિવાદને જોતા લાગે છે કે દલિતો સાથે કશું બદલ્યું નથી. સરકાર પણ ધનુષને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ આપી આ વાત સ્વીકારતી હશે ? શું સરકારે આ ફિલ્મ જોઈ છે. વૈત્રીમારનની ફિલ્મો જોવા માટે પણ કાળજું જોઈએ. એ મરેલા દેહ ઉપર માખીઓ બણબણાવી તમારો જીવ તાળવે ચોંટાડી શકે છે. કોઈ દલિત છોકરીના માથા પર ખાસડું મૂકાવી આખા ગામમાં રખડાવાની કમકમાટીભરી સજા દર્શાવી શકે છે. વૈત્રીમારન દિગ્દર્શક તરીકે ખરો મર્દ છે. તેનામાં હિંમત છે, સમાજમાં જે બને છે તે દર્શાવવાની.

એ ખોટા ગુનામાં ફસાવીને જ્યારે લોકોને મારવામાં આવે ત્યારે તેના પર પણ ફિલ્મ બનાવે છે. પોલીસ ઉપર સવાલો ઉઠાવે છે. અને તે ફિલ્મ ઓસ્કર સુધી જાય છે. એ ફિલ્મનું નામ છે વિસનરાઈ. ખૂબ ચાલેલી, ખૂબ ચર્ચા થયેલી. ઓટો ચંદ્રકુમારના જીવન પર લખાયેલી એ નવલકથા છે.

વૈત્રીમારન કોઈ એવા દિગ્દર્શક નથી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી લખે, ‘‘હોય જો તમારી પાસે પણ સારો વિષય તો અહીં ઈમેલ કરો.’’ ને પછી બીજી પોસ્ટ મૂકે, ‘‘આપની પાસે તો ખૂબ વિષય છે!’’

વૈત્રીમારન દિગ્દર્શક પહેલા રાઈટર છે અને રાઈટર પહેલાં તે સારામાં સારા રિડર છે. એની ફિલ્મો પુસ્તક પર પણ આધારિત હોય છે. એવા પુસ્તકો પર આધારિત હોય છે જેમના વિષે કોઈ ચર્ચા સુદ્ધા કરતું નથી. 2019ની અસૂરન લેખક પૂમનીની નવલકથા વૈક્કાઈ પર આધારિત છે. 1947માં જન્મેલા આ નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર પાસે આવો જબરો વિષય હતો. 2014માં આ લેખકને અગનાડી નામની કૃતિ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળે છે.

વેક્કાઈ નવલકથામાં આવે છે કે ચિદમ્બરમ નામના એક પંદર વર્ષના છોકરાએ પોતાના ભાઈને મારનારાને પતાવી નાખ્યો. તેણે પોતાના ભાઈને મરતા સગ્ગી આંખે જોયો હતો. એનો બાપ તો પંચ અને જમીનના દલાલો જેમ કહે એમ કરતો હતો, ગામના તમામ વ્યક્તિને પગે લાગવાની સજા પણ ભોગવતો હતો. પણ મોટો અને તેનો નાનો દીકરો એવા નહોતો. મોટાએ મોઢું ખોલ્યું તો તેની હત્યા કરી નાખી. એ હત્યા જોનારા નાના ભાઈએ બદલો લેવાનું નક્કી કર્યું અને બદલો લીધો પણ ખરો. તેણે ગામડાંના મોટા જમીન દલાલને ધારદાર ચાકુના એક ઘાએ ભોં ભેગો કરી દીધો.

લેખક પુમનીને તેની નવલકથાને પોલિટિકલ અને જાતિવાદના માંચડે ચડાવે છે એ નથી ગમતું. પુમની કહે છે કે, સાહિત્યને જાતિવાદનો રંગ ન હોવો જોઈએ. આ તેનાથી પણ આગળ હોવું જોઈએ. સાહિત્ય માટે પુમનીની આ વાત ખરી છે. ઘણા લોકો આ વાત કરતા રહેતા હોય છે. પણ દલિતો સાથે આજેય કેટલાક વિસ્તારોમાં જે અત્યાચાર થઈ રહ્યા છે તેને છૂપાવી તો નહીં જ શકીએ. આડકતરી રીતે એ બર્બરતા કળામાં પ્રવેશ કરવાની જ છે. તેને કોઈ નહીં રોકી શકે.

આ સિવાય પૂમનીએ એ પણ કહ્યું કે, મારી નવલકથામાં સંવાદ સરસ છે. જે ફિલ્મમાં નથી. ઘણા પાત્રોને મારી નાખવામાં આવ્યા છે. ફિલ્મે નવલકથાની હત્યા કરી છે. એ કહે છે કે, વેક્કાઈ એ દલિત નવલકથા નથી. સાહિત્યમાં મને જાતિવાદ અને કાસ્ટ પોલિટિક્સ સદંતર ગમતું નથી.

જોકે તેમાં દર્શાવવામાં આવેલા દૃશ્યો અને ઘટનાઓ વિષે કોઈ પણ કહી શકે કે આ દલિત સાથે જ થયું હોય. એક પણ વખત દલિત શબ્દ નથી આવતો. અછૂત શબ્દ નથી આવતો. નથી નવલકથામાં નથી ફિલ્મમાં, ને છતાં લોકો તેને દલિતો માટેની માસ્ટરપીસ કહી રહ્યા છે.

હવે તો નવલકથાનો પણ અંગ્રેજીમાં અનુવાદ થઈ ગયો છે. જેથી તે કોઈ પણ વાંચી શકશે. અત્યાર સુધી તે તમિલ ભાષામાં જ સંગ્રહાયેલી હતી અને કોઈ તેનું ભાવ નહોતું પૂછતું પણ હવે ફિલ્મ બન્યા બાદ લેખક અને તેમની કથાનો પણ ભાવ ઊંચકાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments