સિડનીમાં બીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ મેચમાં કેટલાક યાદગાર કિસ્સા બની ગયા છે જેને લોકો વર્ષો પછી પણ યાદ કરશે.
કોહલીની ડીવિલિયર્સ સ્ટાઈલ
ક્રિકેટ રસિકોને વિરાટ કોહલીની ડિવિલિયર્સ સ્ટાઈલ ક્યારેય નહીં ભૂલાય. સામાન્ય રીતે કોહલી સીધા શોટ્સ રમવાનું પસંદ કરે છે. તે આવા અટપટા શોટ્સ રમવાથી બચે છે, પરંતુ મેચની 15મી ઓવરમાં એવું બન્યું કે દર્શકોના મોઢેથી વાહ નીકળી ગયું. ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન મેથ્યુ વેડે 15મી ઓવર માટે એન્ડ્રૂ ટાઈના હાથમાં બોલ આપ્યો. ઓવરના ચોથા બોલે કોહલીએ સ્કૂપ શોટ રમીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા. બોલરની ગતિની મદદથી કોહલીએ બિહાઈન્ડ ધ વિકેટ 6 રન માટે શાનદાર શોટ ફટકાર્યો. મોટા ભાગે આ રીતે 360 ડિગ્રીથી ઓળખાતા આફ્રિકન ખેલાડી ડીવિલિયર્સના બેટથી આ શોટ જોવા મળે છે. કોહલીના આ શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ કોણ છે વિરાટ કે પછી એબી ? આ મેચમાં વિરાટે 24 બોલમાં 40 રન ફટકાર્યા હતા.
બર્થ ડે બોયનો પરફેક્ટ શોટ
શ્રેયસ અય્યરનો રવિવારે જન્મદિવસ હતો. તે છઠ્ઠા નંબર પર બેટિંગ માટે આવ્યો. શ્રેયસ 5 બોલ રમ્યો જેમા તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા. 17મી ઓવરમાં જ્યારે શ્રેયસે ઝામ્પાની બોલિંગમાં 111 મિટરનો છગ્ગો ફટકારી દીધો ત્યારે કોહલી સહિતના બેટ્સમેન આશ્ચર્યમાં મુકાઈ ગયા. દર્શકોએ પણ આ શોટ માટે અય્યરને તાળીઓથી વધાવી લીધો. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં અત્યાર સુધી અય્યર આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. આ શોટથી અય્યરનો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે.
પરફેક્ટ પંડ્યા
હાર્દિકે છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા. મેચ બાદ હાર્દિકે ખુલાસો કર્યો હતો કે, લૉકડાઉન તેને ફળ્યું હતું. લૉકડાઉનમાં તેણે જરૂર પડે ત્યારે મેચનું ફિનિશિંગ કેમ પરફેક્ટ રીતે કરવું તેના પર મહેનત કરી હતી. એ મહેનત જ તેને મેચમાં કામ આવી હતી. પંડ્યાએ 22 બોલમાં 42 રનની મહત્વની ઈનિંગ રમી હતી. મેન ઓફ ધી મેચનો એવોર્ડ તેને જ અપાયો હતો. જો કે, હાર્દિક પંડ્યા માને છે કે મેન ઓફ ધી મેચ તેને નહીં પરંતુ ટી.નટરાજનને મળવો જોઈતો હતો. નટરાજનું બોલિંગ પ્રદર્શન સારુ રહ્યું હતું. નટરાજને 4 ઓવરમાં માત્ર 20 રન જ આપ્યા હતા. તેમજ બે મહત્વની વિકેટ પણ ઝડપી હતી.
‘ગરમ’ કોહલી
પહેલી ઈનિંગની 16મી ઓવરમાં કોહલી ચહલ પર ગરમ થઈ ગયો હતો. સ્ટીવ સ્મીથે ચહલે ફેંકેલા બોલને લોંગ ઓન પરથી છગ્ગો ફટકારી દીધો હતો. ચહલે નાખેલા આ બોલ પર કોહલી નિરાશ થયો.સ્મીથે આગળ આવીને બોલને બાઉન્ડ્રી બહાર મોકલ્યો હતો. કોહલીને આશા હતી કે ચહલ સ્મીથને ફિરકીમાં ફસાવશે, પરંતુ અહીં તો ચહલ ખૂદ જ ફસાઈ ગયો હતો ! આ દરમિયાન કોહલી ચહલ પાસે ગયો અને તેને સમજાવ્યો. મેદાન બહાર અવાજ તો ન આવે પરંતુ કોહલીના હાવભાવ પરથી અનુમાન લગાવી શકીએ કે કોહલીએ ચહલને કહ્યું હશે કે, ભાઈ કરે છે શું તું ?
મેથ્યુ વેડને યાદ આવ્યો ધોની
ભારતીય ટીમ જ્યારે લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટનને ધોનીની યાદ આવી ગઈ. 9મી ઓવર દરમિયાન સ્ટ્રાઈક પર ધવન હતો. લેગ સ્પીનર સ્વૈપ્શન બોલિંગ કરી રહ્યો હતો. પાંચમો બોલ સ્વૈપ્શને વાઈડ ફેંક્યો. ધવન બોલને બેટથી કનેક્ટ ન કરી શક્યો. આ દરમિયાન વિકેટ પાછળ ઉભેલો વેડ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ધવન ક્રિઝની બહાર નીકળે. ધવનનો પગ થોડો બહાર પણ ગયો જો કે, તાત્કાલિક તે ફરી ક્રિઝ પર પણ આવી ગયો. આ ઘટના બાદ વેડે ધવનને કહ્યું કે, હું ધોની નથી. ધોની જેમ ઝડપી પણ નથી. બંને ખેલાડીની આ વાતો સ્ટંપ પર લાગેલા માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી. વેડે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં પહેલીવાર કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી હતી. કેપ્ટન તરીકે આ તેની પહેલી મેચ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત