Homeસાહિત્યખલીલ જિબ્રાનની ચાર લઘુકથામાં ધબકતું માનવીય સત્ય

ખલીલ જિબ્રાનની ચાર લઘુકથામાં ધબકતું માનવીય સત્ય

લેખક-ખલીલ જિબ્રાન
અનુવાદક – Team Chabuk

અસંતુષ્ટ

એક દિવસ શહેરના પ્રવેશદ્વાર પર બે દેવદૂત મળ્યા. અંદરો અંદર અભિવાદન કરી વાતચીત કરવા લાગ્યા. પ્રથમ દેવદુતે કહ્યું. ‘આજકાલ શું કરી રહ્યો છો ? તને શું કામ મળ્યું છે ?’

બીજાએ કહ્યું, ‘મને ઘાટી પર રહેનારા એક પાપી માણસ પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. એ ખૂબ જ મોટો અપરાધી છે અને ચરિત્રહીન છે. તને શું કઉં… આ ખૂબ જ મહત્વનું કામ છે. મારે તેમાં આકરી મહેનત કરવી પડે છે.’

પ્રથમ દેવદૂતે કહ્યું, ‘મને તો અગણિત વખત પાપીઓ માટે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ ખૂબ જ સાધારણ કામ છે. હું આજકાલ એક સંતની સાર સંભાળ રાખી રહ્યો છું. જે એ બાજુ લતાકુંજમાં રહે છે. સાચું માનો તો આ કામ ખૂબ જ આકરું છે. તેના માટે કુશાગ્ર બુદ્ધિની આવશ્યકતા હોય છે.’

બીજો દેવદૂત બોલ્યો, ‘આ તો બિલકુલ બકવાસ છે. આ તારો અહંકાર બોલી રહ્યો છે. પાપીની તુલનાએ સંતની સાર સંભાળ રાખવું કેવી રીતે આકરું હોઈ શકે ?’

પ્રથમ દેવદૂતે જવાબ આપ્યો, ‘તું મને અહંકારી કહે છે? મેં સત્ય કહ્યું છે. ઘમંડી તો તું છો.’

બંને ઝઘડવા લાગ્યા. વાતચીત કરતા કરતા મારકૂટ પર ઉતરી આવ્યા.

ત્યાં એક મોટો દેવદૂત આવ્યો. એમણે તેમને રોકતા કહ્યું, ‘શું કામે લડો છો? નગરના પ્રવેશદ્વાર પર દેવદૂતોનું અંદરોઅંદર લડવું કેટલી શર્મનાક વાત છે. કહો જોઈએ મૂળ વાત શું છે?’

બંને એક સાથે બોલવા લાગ્યા. બંને પોતાના કામને અત્યાધિક મહત્વ આપી રહ્યા હતા.

મોટા દેવદૂતે માથું હલાવ્યું અને વિચારતા કહ્યું, ‘મિત્રો મારા માટે તો એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે કોણ પ્રશંસા અને ઈનામનો અધિકારી છે, કારણ કે મને પણ શાંતિ અને વ્યવસ્થા બનાવવાનું કામ આપવામાં આવ્યું છે. આખરે જનહિતમાં આદેશ આપું છું કે તમે લોકો અંદરો અંદર તમારા કામની અદલા બદલી કરી નાખો, કારણ કે તમે બેઉં જ એકબીજાના કામને સરળ કહી રહ્યા છો. જાઓ અને ખુશીથી પોતાનું કામ કરો.’

આદેશ મળતા જ બંને દેવદૂત પોત પોતાના રસ્તા પર ચાલવા લાગ્યા. પણ બંને પાછા ફરીને ગુસ્સાભરેલી આંખથી દેવદૂતને જોઈ રહ્યા હતા. અને મનમાં જ કહી રહ્યા હતા કે, ‘આ મોટો દેવદૂત. દિવસ-પ્રતિદિવસ અમારું જીવવું હરામ કરી રહ્યો છે.’

ભાઈ-ભાઈ

ઊંચા પર્વત પર જળ અગન (એક નાનું પક્ષી) અને ગરૂડની મુલાકાત થઈ. જળ અગન બોલ્યું, ‘શુભ પ્રભાત શ્રીમાન.’

ગરૂડે તેની તરફ જોયું અને મોઢું મચકોડતા કહ્યું, ‘ઠીક છે ઠીક છે.’

જળ અગને ફરી વાત શરૂ કરી, ‘આશા રાખું છું કે આપ ખુશ હશો.’

ગરૂડે કહ્યું, ‘હા હું તો ઠીક છું પણ તને ખબર હોવી જોઈએ કે તું પક્ષીઓના રાજા સાથે વાર્તાલાપ કરી રહ્યો છો. જ્યાં સુધી હું વાત ન કરવા ઈચ્છું ત્યાં સુધી તારે પણ વાત ન કરવી જોઈએ.’

જળ અગને કહ્યું, ‘મારા ખ્યાલથી આપણે બંને એક જ પરિવારના છીએ.’

ગરૂડે આંખ મોટી કરી ઘૃણાથી તેની તરફ જોયું, ‘કયા મૂર્ખાએ એમ કહી દીધું કે આપણે એક જ પરિવારના છીએ.’

જળ અગને કહ્યું, ‘હું આપને યાદ અપાવી દઉં કે હું આપની જેમ જ ઊંચો ઉડી શકું છું. આ સિવાય હું મારા સુમધુર ગીતો દ્વારા અન્યોનું મનોરંજન પણ કરી શકું છું. તમે તો કોઈને સુખ અને ખુશી નથી આપી શકતા.’

જેના પર ગરૂડે ક્રોધિત થતાં કહ્યું, ‘સુખ અને ખુશી. એલા એય… હું મારી ચાંચના એક ઘાથી તને પતાવી શકું છું. તું તો મારા પગ જેટલો પણ નથી.’

જળ અગન ઉડીને ગરૂડની પીઠ પર બેસી ગયો અને તેના પીંછા ખેચવા લાગ્યો. ગરૂડ પણ ગુસ્સામાં હતો. તેનાથી પીછો છોડાવવા તે ઊંચો ઉડવા લાગ્યો. પણ તે વધારે ઉપર ન જઈ શક્યો. થાકી હારીને તે ફરી એ જ પથ્થર પર આવી બેસી ગયો. જળ અગન હજુ પણ તેની પીઠ પર બેઠો હતો. ગરૂડ એ ક્ષણને ગાળો ભાંડતો હતો જ્યારે તેણે આ તુચ્છ પક્ષી સામે માથાપચ્ચી કરી.

એટલામાં ત્યાંથી કાચબો નીકળ્યો. ગરૂડ અને જળ અગનની સ્થિતિ જોય તે હસી હસીને લોટપોટ થઈ ગયો.

ગરૂડે કાચબાને કહ્યું, ‘પૃથ્વી પર ચાલનારા કિડા. હસે છે કેમ ?’

કાચબાએ કહ્યું,‘શું એ હસવાની વાત નથી કે તમને ઘોડો બનાવીને એક નાનકડું પક્ષી તમારી પીઠની સવારી કરી રહ્યું છે?’

ગરૂડે કહ્યું, ‘તારો રસ્તો માપ. આ તો મારા ભાઈ જળ અગન અને મારો અંગત ઝઘડો છે.’

દરેકમાં

એકવાર મેં ધુમાડાને મુઠ્ઠીમાં ભરી લીધો. જ્યારે મુઠ્ઠી ખોલી અને જોયું તો ધુમાડો એક કીડામાં ફેરવાઈ ગયો હતો.

મેં મુઠ્ઠીને બંધ કરીને ફરી ખોલી તો ત્યાં એક ચકલી હતી. મેં ફરી મુઠ્ઠીને બંધ કરી ખોલી. આ વખતે ઉદાસ ચહેરાવાળો એક માણસ હતો.

મેં આ જ ક્રિયાનું પુનરાવર્તન કર્યું તો આ વખતે મુઠ્ઠીમાં ધુમાડા સિવાય કંઈ ન હતું. પણ હવે હું ખૂબ જ મીઠું ગીત સાંભળવા લાગ્યો હતો. આ પહેલા હું ખૂદને ધરતી પર ઢસડાતો એક પ્રાણી સમજતો હતો. એ દિવસે મને ખ્યાલ આવ્યો કે સમગ્ર ધરતી અને તેના પરનું જીવન મારી અંદર જ ધબકે છે.

ઊંચાઈ

જો તમે વાદળ પર બેસી શકો તો તમને એક દેશથી બીજા દેશને અલગ કરનારી સીમા રેખા કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અને નહીં કે એક ખેતરથી બીજા ખેતરને અલગ કરનારો પથ્થર.

અરેરેરેરેરે…. તમે વાદળ પર બેસવા જ નથી ઈચ્છતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments