રિપબ્લિક ટીવી (Republic Tv) વિરુદ્ધ મુંબઈ પોલીસે વધુ એક FIR દાખલ કરી છે. અત્યાર સુધીમાં ચેનલ સામે ચાર કેસ નોંધાઈ ચુક્યા છે.. મુંબઈ પોલીસની આ કાર્યવાહીને રિપબ્લિક ચેનલે પત્રકારત્વની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે, ‘અમે લડાઈ લડીશું.’
રિપબ્લિક (Republic Tv) મીડિયા નેટવર્કના કાર્યકારી સંપાદક, એક એન્કર, બે પત્રકારો અને અન્ય કેટલાક કર્મચારીઓ વિરૂદ્ધ કેસ નોંધાયો છે. પોલીસનો આરોપ છે કે, ચેનલ પોલીસ વિભાગ વિરુદ્ધ અપમાનજનક અહેવાલો પ્રસારિત કરી રહી છે. આ અહેવાલો પોલીસકર્મીઓને કમિશનર પરમબીર સિંહ વિરૂદ્ધ ભડકાવી શકે છે.
પોલીસે દાવો કર્યો છે કે, ચેનલે જે અહેવાલ પ્રસારિત કર્યા છે તેમા કહેવાયું છે કે, પોલીસકર્મીઓ પરમબીર સિંહ સામે બળવો કરી રહ્યા છે અને તેના આદેશોનું પાલન પણ નથી કરી રહ્યા.
બીજી તરફ રિપબ્લિક ટીવી તરફથી પણ એક નિવેદન જાહેર કરાયું છે. રિપબ્લિકે કહ્યું છે કે, એક મીડિયા ઓર્ગેનાઈઝેશનના પત્રકારો પર તપાસ વગર જ ગુનો નોંધવો એ લોકશાહી માટે સારું નથી”
ચેનલ વિરૂદ્ધ આ ચોથો કેસ છે
અત્યાર સુધી ચેનલ વિરૂદ્ધ કુલ ચાર કેસ નોંધાઈ ચુક્યા છે. ચેનલના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ પાઈધોની અને એન.એમ.જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ FIR દાખલ થઈ છે. એક તરફ મુંબઈ ક્રાઈમબ્રાંચ કથિત TRP કૌભાંડ મુદ્દે પહેલાથી તપાસ કરી રહી છે એવામાં અન્ય તપાસ શરૂ થતાં રિપબ્લિક નેટવર્ક અને અર્નબ ગોસ્વામીની મુશ્કેલી વધી છે.
નવી FIRમાં રિપબ્લિક ટીવીની એન્કર શિવાની ગુપ્તા, પત્રકાર સાગરિકા મિત્રા, રિપોર્ટર સ્વાન સેન, એક્ઝિક્યુટિવ એડિટર નિરંજન નારાયણસ્વામીનું નામ સામેલ છે. તમામ પર IPCની કલમ 500 એટલે કે માનહાનિનો દાવો પણ કરાયો છે.
PSIએ ફરિયાદ નોંધાવી છે
એમએન જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર શશિકાંત પવારે FIR નોંધાવી છે. પવાર સ્પેશિયલ બ્રાંચ-1માં સોશિયલ મીડિયા લેબમાં ફરજ બજાવે છે. એક ઓફિસરે આ અંગે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા લેબની જવાબદારી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલ પર નજર રાખવાની હોય છે. અહી કામ કરનારા કર્મચારીઓ ફેક પોસ્ટ, એવી પોસ્ટ જેનાથી સમાજનું વાતાવરણ ડહોળાય તેના પર નજર રાખી વરિષ્ઠ અધિકારીને રિપોર્ટ સોંપે છે.
પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે, ફરિયાદ નોંધાવનારા પોલીસકર્મીએ ચેનલ પર 10 મીનિટનો એક શૉ જોયો હતો. જેમાં કેટલીક વાંધાજનક વિગતો હતી. સમાચારમાં એવો મેસેજ જઈ રહ્યો હતો કે, પોલીસકર્મીઓ કમિશનર વિરૂદ્ધ છે અને આદેશ નથી માની રહ્યા. આ સમાચારથી પોલીસની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે છે. કોઈ પુરાવા વગર ચેનલ આ માહિતી ચલાવી રહી હતી. જેથી કેસ નોંધાયો છે.