Homeગામનાં ચોરેપિનોકિયોચંદ ટ્રમ્પના અસત્યના પ્રયોગો

પિનોકિયોચંદ ટ્રમ્પના અસત્યના પ્રયોગો

વર્ષો પહેલાની વાત છે. જપેટો નામના કાષ્ઢના નિર્માણકારે એક પુતળું બનાવ્યું. નામ રાખ્યું પિનોકિયો. તેમણે ઈચ્છા રાખી કે આ છોકરો જીવતો થાય તો ? એક પરીએ તેમની વાત સાંભળી લીધી અને પિનોકિયો જીવંત થઈ ગયો. પરીની ઈચ્છા હતી કે પિનોકિયો એક સારો છોકરો બને, પણ એવું થયું નહીં. એ ખૂબ ખોટું બોલતો. જ્યારે એ ખોટું બોલતો ત્યારે તેની લાકડાની નાક મોટી થઈ જતી હતી. એ વાયદો કરતો કે હું સારો છોકરો બનીશ પણ પછી ભૂલી જતો કે હું સારો છોકરો છું. રમવા લાગતો અને ખોટું બોલવા લાગતો.

એક દિવસ તેના નિર્માણકર્તા પિતા જપેટોને એક વ્હેલ માછલી ગળી ગઈ. પિનોકિયો તેમને બચાવવા ગયો તો તેના પણ એ જ હાલ થયા. અંદર જપેટો અને પિનોકિયો બેઠા બેઠા વ્હેલને ગલગલીયા કરવા માંડ્યા. વ્હેલને આવી છીંક અને બંને તેના પેટમાંથી બહાર નીકળી ગયા. પરી પિનોકિયોની બહાદુરીથી ખુશ થઈ અને તેણે લાકડાની જગ્યાએ તેને માંસનો દેહ આપી દીધો. હવે તે ખોટું બોલતો તો તેની નાક લાંબી નહોતી થતી. એ રાજીખુશીથી રહેતો હતો. સ્કૂલે જતો હતો. મજા કરતો હતો. આ પિનોકિયો આજે મોટો થઈ ગયો અને તેનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે!

પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 20,000થી વધારે વખત જુઠ્ઠુ બોલ્યા છે. પત્રકારત્વ તટસ્થ બટસ્થ જેવું નથી હોતું. પત્રકારત્વમાં સંશોધન હોય છે. પ્રધાનમંત્રી ગાંધીજી વિશે બોલે છે, તો એ સત્ય છે કે નહીં તે ચકાસવાની અને જનતાને કહેવાની જવાબદારી પત્રકારોની છે.

ટ્રમ્પ દિવસમાં બાર વખત જુઠ્ઠુ બોલતા હતા. આત્મવિશ્વાસથી બોલતા હતા. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પ્રમાણે ટ્રમ્પ 827 દિવસમાં જ 10,000 વખત ખોટું બોલી ચૂક્યા હતા. ચૂંટણી આવતા આવતા અને પરિણામમાં પોતાની હાર ભાળી જતા ટ્રમ્પે ફરી ખોબલે ને ખોબલે ખોટું બોલવાનું શરૂ કરી દીધું. એ ટ્વીટર પર વોટીંગ બંધ કરવાનું કહેતા હતા. એવું એ જીતતા હતા ત્યારે હિલેરી ક્લિન્ટને લખ્યું હોત તો ? એ હારવા છતાં જીતનો વારંવાર દાવો કરતા હતા. એમને વ્હાઈટ હાઉસ છોડવું નહોતું.

ટ્રમ્પનું ખોટું બોલવું એ અટકી જવું જોઈતું હતું, પણ વોશિંગ્ટન પોસ્ટનું પત્રકારત્વ કહે છે કે, ટ્રમ્પની જુઠ્ઠાણું ફેલાવવાની ત્સુનામી અટકી નહીં. એ ખોટું બોલતા જ રહ્યા. અવિરત અને અવિનાશી જુઠ્ઠાણા હતા એમના. જીભમાં જુઠ્ઠાણાનો શણગાર કરતાં ગયા અને જૂઠની પીપુડી વગાડતા ગયા. ઢોલ પીટતા ગયા. પહેલા 10 પછી 12 અને સમયાંતરે ટ્રમ્પ રોજના 16 ખોટા દાવા કરતા હતા. ખુરશી પર સંતુલન જાળવવા માટે તેમણે જુઠ્ઠાણાનો વિસ્ફોટ કર્યો.

સપ્ટેમ્બર 7 2018ની તારીખે એમણે 125 ખોટા દાવા કર્યા. ડિસેમ્બર 18 2019માં 126 પોકળ દાવાઓ કર્યા. નવેમ્બર 5 2018માં 139 દાવાઓ કર્યા. આ આંકડાઓની સંખ્યા સમયાંતરે વધતી ગઈ.

જ્યોર્જ ડબલ્યુ બુશ સદ્દામ હુસૈનને લઈ ખોટું બોલ્યા હતા ત્યારે તેમના ટોપ ઓફિશ્યલ્સે રાજીનામું ધરી દીધું હતું. ટ્રમ્પ શું કહે છે, ‘મને શાંતિનો નોબલ પુરસ્કાર એનાયત થવો જોઈએ. મેં ઈથોપિયા નામના એક દેશને બચાવ્યો છે. ઈરિટ્રિયા નામના ખતરનાક દેશથી. જો ઈથોપિયાના રાષ્ટ્રપતિને વીસ વર્ષના લોહીયાળ સંઘર્ષનો અંત આણવા માટે નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યો હોય તો મને પણ મળવો જ જોઈએ.’

આ સમગ્ર વાર્તાલાપમાં ટ્રમ્પે કશું કર્યું જ ન હતું તો પછી એમને નોબલ પ્રાઈઝના ગાણા એ પણ જનતાની સામે ગાવાની શું જરૂર હતી. વધુ એક જુઠ્ઠાણું.

માઈકલ કોહેનો પોતાના પુસ્તકમાં ટ્રમ્પને સૌથી મોટો જુઠ્ઠો કહ્યો છે. એમના પુસ્તકમાં લખેલું છે કે, ફ્રેન્કલીન ડિ રૂઝવેલ્ટ હિટલરની વિસ્તારવાદી નીતિને લઈને સૌથી મોટું ખોટું બોલ્યા હતા. બિલ ક્લિન્ટન પોતાના સેક્સ સંબંધોને લઈને ખોટું બોલ્યા હતા. રિચાર્ડ નિક્સન વોટરગેટ કૌભાંડને લઈ વારંવાર ખોટું બોલતા હતા. આ સ્કેન્ડલે તો નિક્સનની ખુરશી અને રાજકારણ બેઉંને સમાપ્ત કરી દીધા હતા.

73 વર્ષીય જોઈ બાયડેન પણ ખોટું બોલી શકે છે. તેમાં કોઈ મોટી વાત નથી. રાજકારણમાં કોઈ દૂધે ધોયેલું નથી. કોઈ વખત એવી વિટંબણા આવી જાય તો તેમાંથી મુક્ત થવા માટે ખોટું બોલવું પડે છે. ભારતમાં આવા ઉદાહરણો ઠેર ઠેર જોવા મળે છે. જોકે ટ્રમ્પના કિસ્સામાં આ લાગુ પડતું નથી. તે એકદમ ફેકુ જ છે. જુઠ્ઠુ બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું. ટ્રમ્પ કદાચ ભૂલી ગયા કે તેઓ સોશિયલ મીડિયાના યુગમાં છે. વોશિંગ્ટન પોસ્ટની તેમના પર ચાંપતી નજર છે. વ્હાઈટ હાઉસમાં પણ એમના જુઠ્ઠાણાની ગણતરી થતી હશે. તેમનું જુઠ્ઠાણું પકડાતા શું વાર લાગવાની?

ટ્રમ્પે 407 વખત બોલ્યું કે મારા કાર્યકાળમાં અર્થવ્યવસ્થા સૌથી ટોચના સ્તર પર રહી છે. જોકે એમના કાર્યકાળમાં અર્થવ્યવસ્થા આઈઝનહોવર, બિલ ક્લિન્ટન અને લિંડન બી જ્હોન્સન કરતાં પણ નીચી રહી હતી. મેક્સિકોમાંથી ઘુસણખોરોને રોકવા માટે દિવાલ બનાવવાનું કહ્યું હતું. એક વિશાળકાય દિવાલ જેને કોઈ ટપી ન શકે. આજે ત્યાં કોંક્રિટની દિવાલ છે. આ વાતની ખબર હોવા છતાં ટ્રમ્પ કહેતા રહ્યા હતા કે, દિવાલ બની જ રહી છે. ત્યાં કંઈ બની જ નહોતું રહ્યું. ટ્રમ્પે અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ખોટું બોલવાનો કિર્તીમાન રચી દીધો છે. એ કિર્તીમાનને કોઈ નહીં તોડી શકે, પણ કિર્તીમાનો તો તૂટવા માટે જ રચાતા હોય છે. આવતી ટર્મમાં એ ફરી પ્રેસિડન્ટ બન્યા તો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments