Homeગામનાં ચોરે3 જાન્યુઆરીથી આટલા ગામના ખેડૂતોને મળશે દિવસે વીજળી

3 જાન્યુઆરીથી આટલા ગામના ખેડૂતોને મળશે દિવસે વીજળી

કિસાન સર્વોદય યોજનાના બીજા તબક્કાની જાહેરાત થતાં ખેડૂતો માટે ફરી આનંદના સમાચાર આવ્યા છે. અનેક રજૂઆતો બાદ ગુજરાતમાં અમુક જિલ્લાઓના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે જેની શરૂઆત 24 ઓક્ટોબર 2020ના દિવસે પ્રથમ વખત રાજ્યમાં થઈ હતી. કિસાન સર્વોદય યોજનાના પ્રારંભે પ્રથમ તબક્કામાં 1055 ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકારે કિસાન સર્વોદય યોજનાના બીજા તબક્કામાં નવા ગામોનો સમાવેશ કર્યો છે. આ યોજનાની શરૂઆત 3 જાન્યુઆરીથી થવા જઈ રહી છે.

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ખેડૂતોની માગને ધ્યાને લઈને કિસાન સર્વોદય યોજાના હેઠળના બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના વધુ 2409 ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી તારીખ 3, 5, 7 અને 9મી જાન્યુઆરી 2021ના રોજ ચાર જિલ્લા મથકોએ કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજનાથી 30 જિલ્લાના 2409 ગામના અંદાજે 1 લાખ 90 હજાર ખેડૂતોને દિવસે વીજળી મળશે.

રૂપિયા 3500 કરોડની જોગવાઈ વાળી આ યોજના હેઠળ પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવાયા હતા. જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે 24 ઓક્ટોબરના રોજ જૂનાગઢથી કરાવ્યો હતો.

પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કામાં વધુ ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરતાં સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઈને દિવસે વીજળી પૂરી પાડવાનું અમારું આયોજન છે.

કિસાન સર્વોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે. જેમાં 3 જાન્યુઆરીના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે, 5 જાન્યુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે, 7મી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે અને 9મી જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મુખ્યમંત્રી હાજર રહીને યોજનાનો શુભારંભ કરાવશે. બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 150 તાલુકાના 2409 ગામડાના અંદાજે 1 લાખ 90 હજાર ખેડૂતોને આવરી લઈ દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લાઓ, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના 12 જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લાઓ અને મધ્ય ગુજરાત વીજ કંપની હેઠળ આવતા 6 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. જેમાં 883 ફીડરો મારફતે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પડાશે. જેના માટે 357 મેગાવોટ વીજળીની જરૂરિયાત ઉભી થશે તેમ સૌરભ પટેલે જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલ 153 ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસે ને અડધા ગ્રુપને રાત્રે વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 કલાક દરમિયાન વીજળી પૂરી પડાશે. સૌરભ પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં સૌર ઉર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજ્યમાં હાલ 17.25 લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે જેમને 153 જૂથમાં વહેંચીને 8400થી વધુ 11 કેવીના કૃષિ ફીડરો દ્વારા વીજ પૂરવઠો પૂરો પડાય છે આ જુથોને 24 કલાકમાં ત્રણ શિફ્ટથી થ્રી ફેઝ વીજ પૂરવઠો અને 24 કલાક સિંગલ ફેઝ વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. ખેડૂતોને રાત્રી દરમિયાન વીજ પૂરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ મુશ્કેલીઓ પડે છે. છેલ્લા કેટલાય વર્ષથી ખેડૂતો તરફથી દિવસે વીજળી આપવાની રજૂઆત હતી તે હવે પૂર્ણ થઈ રહી છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે રાજ્ય સરકારે આ કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પૂરું કરવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે  જરૂરી માળખાકીય નેટવર્ક ઉભું કરવા માટે ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇ કરી છે. તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રુપિયા ૫૨૦ કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે.વી. સબસ્ટેશન,  રૂપિયા ૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪ નવી ૨૨૦/૧૩૨/૬૬  કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments