ગૌરી લંકેશ : આ અઠવાડિયે મારા મિત્ર ડોક્ટર વાસુએ ગોબલ્સની માફક ભારતમાં ખોટી ખબરો બનાવવાની ફેક્ટ્રી વિશે લખ્યું છે. અસત્યની આવી ફેક્ટ્રીઓ મોટાભાગે મોદી ભક્ત જ ચલાવે છે. જૂઠની ફેક્ટ્રીથી જે નુકસાન થઈ રહ્યું છે હું તેના વિશે મારા તંત્રી લેખમાં જણાવવાનો પ્રયાસ કરીશ.
હમણાં પરમ દિવસે જ ગણેશ ચતુર્થી હતી. એ દિવસે સોશિયલ મીડિયામાં એક અસત્ય ફેલાવવામાં આવ્યું. ફેલાવનારા સંઘના લોકો હતા. આ અસત્ય શું છે ? અસત્ય એ છે કે કર્ણાટક સરકાર જ્યાં બોલશે ત્યાં જ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવાની છે. એ પહેલા 10 લાખનું ડિપોઝીટ કરવાનું રહેશે. મૂર્તિની ઊંચાઈ કેટલી હશે, તેના માટે સરકારની અનુમતિ લેવી પડશે. બીજા ધર્મના લોકો જ્યાં રહે છે એ રસ્તાઓમાંથી વિસર્જન માટે નહિ લઈ જઈ શકીએ. ફટાકડાઓ વગેરે નહિ ફોડી શકીએ.
સંઘના લોકોએ આ ખોટી ખબરને ખૂબ ફેલાવી. આ ખોટું એટલું જોરથી ફેલાયું કે અંતમાં કર્ણાટકના પોલીસ પ્રમુખ આર.કે.દત્તાને પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી અને સ્પષ્ટતા કરવી પડી કે સરકારે આવો કોઈ નિયમ બનાવ્યો જ નથી. આ બધું ખોટું છે.
આ અસત્યનો સ્ત્રોત જ્યારે શોધવાનો અમે પ્રયત્ન કર્યો તો એ જઈને પહોંચ્યો POSTCARD.IN નામની વેબસાઈટ પર. આ વેબસાઈટ પાક્કા હિન્દુત્વવાદીઓની છે. તેનું કામ રોજ ખોટી ખબરો બનાવી બનાવી સોશિયલ મીડિયા પર ફેલાવાનું છે.
11 ઓગસ્ટના રોજ POSTCARD.INમાં એક હેડિંગ આવ્યું. ‘કર્ણાટકમાં તાલિબાન સરકાર’ આ હેડિંગના આધારે રાજ્યભરમાં ખોટું ફેલાવવાનો પ્રયત્ન થયો. સંઘના લોકો તેમાં સફળ પણ થયા. જે લોકો કોઈને કોઈ રીતે સિદ્ધારમૈયા સરકારથી હતાશ રહે છે એ લોકોએ ખોટી ખબરને પોતાનું હથિયાર બનાવ્યું.
સૌથી આશ્ચર્ય અને દુ:ખની વાત એ છે કે લોકોએ જરા પણ જાણ્યા વિચાર્યા વિના આને સાચું માની લીધું. પોતાના કાન, નાક અને મગજનો ઉપયોગ ન કર્યો.
ગત્ત અઠવાડિયે જ્યારે કોર્ટે રામ રહીમ નામના એક ઢોંગી બાબાને બળાત્કારની ઘટનામાં સજા સંભળાવી ત્યારે તેની સાથે ભાજપના કેટલાક નેતાઓની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી. જેનાથી ભાજપ અને સંઘ પરિવાર ચિંતામાં આવી ગયું. જેને કાઊન્ટર કરવા માટે ગુરમીત બાબાની બાજુમાં કેરળના સીપીએમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન બેઠા હોવાની તસવીર વાઈરલ કરાવી દીધી. આ તસવીર ફોટોશોપ કરેલી હતી.
અસલી તસવીરમાં કોંગ્રેસના નેતા ઓમન ચાંડી બેઠા હતા, પણ તેમના ધડ પર વિજયનનું માથું લગાવી દીધું અને સંઘના લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ કર્યું. સારું છે સંઘની આ પદ્ધતિ સફળ ન થઈ, કારણ કે કેટલાક લોકો તુરંત તેની ઓરિજનલ ફોટો કાઢી લાવ્યા અને સોશિયલ મીડિયામાં સત્યતા સામે રાખી દીધી.
વાસ્તવમાં ગત વર્ષે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ખોટી ખબરોના પ્રોપેગેન્ડાને રોકીને આ સામે લાવનારું કોઈ ન હતું. હવે ઘણા લોકો આ પ્રકારના કામમાં લાગી ગયા છે. જે સારી વાત છે. પહેલા આ પ્રકારની ખોટી ખબરો ચાલતી રહી પણ હવે ખોટી ખબરોની સાથે સાથે અસલી ખબરો પણ આવવા લાગી છે અને લોકો વાંચી રહ્યા છે.
ઉદાહરણ માટે 15 ઓગસ્ટના દિવસે જ્યારે લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું તો તેનું એક વિશ્લેષણ 17 ઓગસ્ટના રોજ ખૂબ વાઈરલ થયું હતું. ધ્રુવ રાઠીએ તેનું વિશ્લેષણ કર્યું હતું. ધ્રુવ રાઠી જોવામાં તો કોલેજના છોકરા જેવો છે પણ છેલ્લા કેટલાય મહિનાઓથી મોદીના અસત્યની પોલ સોશિયલ મીડિયામાં ખોલી દે છે.
પહેલા આ વીડિયો અમારા જેવા લોકોને દેખાઈ રહ્યો હતો, સામાન્ય લોકો સુધી નહોતો પહોંચી રહ્યો, પણ 17 ઓગસ્ટનો વીડિયો એક દિવસમાં એક લાખથી વધારે લોકો સુધી પહોંચી ગયો.
ધ્રુવ રાઠીએ જણાવ્યું કે, બૂસી બસિયા*ની સરકારે રાજ્યસભામાં મહિના પહેલા કહ્યું હતું કે 33 લાખ નવા કરદાતા આવ્યા છે. એ પહેલા પણ નાણામંત્રી અરુણ જેટલીએ 91 લાખ નવા કરદાતાઓ જોડાયા હોવાની વાત કહી હતી. અંતમાં આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું કે 5 લાખ 40 હજાર નવા કરદાતાઓ જોડાયા છે. તો એમાં સત્ય શું છે ? એ જ સવાલ ધ્રુવ રાઠીએ પોતાના વીડિયોમાં જણાવ્યો છે.
આજની મેનસ્ટ્રીમ મીડિયા કેન્દ્ર સરકાર અને બીજેપીએ આપેલા આંકાડાઓને જેમના તેમ વેદ વાક્યની માફક ફેલાવતી રહી છે. મેનસ્ટ્રીમ મીડિયા માટે સરકારનું બોલ્યું એ વેદ વાક્ય થઈ ચૂક્યું છે.
તેણે પણ જે ટીવી ન્યૂઝ ચેનલ છે એ આ કામમાં દસ ડગલાં આગળ છે. ઉદાહરણ માટે જ્યારે રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદની શપથ લીધી તો એ દિવસે ઘણા અંગ્રેજી સમાચારોએ ખબર ચલાવી કે ફક્ત એક કલાકમાં ટ્વીટર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ફોલોઅરની સંખ્યા 30 લાખ થઈ ગઈ. એ રાડો પાડતા રહ્યા કે ત્રીસ લાખ થઈ ગયાં, ત્રીસ લાખ થઈ ગયાં.
તેમનું ધ્યેય એ બતાવવાનું હતું કે કેટલા લોકો કોવિંદને સપોર્ટ કરી રહ્યા છે. ઘણાં ટીવી ચેનલો આજે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ટીમની માફક થઈ ગયા છે. સંઘનું જ કામ કરે છે. જ્યારે સત્ય એ છે કે એ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરકારી એકાઊન્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નામે થઈ ગયું.
જ્યારે આ બદલાવ થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવનના ફોલોઅર હવે રામનાથ કોવિંદના ફોલોઅર થઈ ગયા. તેમાં એક વાત હજુ ધ્યાને દેવા જેવી છે કે પ્રવણ મુખર્જીને પણ ત્રીસ લાખથી વધારે લોકો ટ્વીટર પર ફોલો કરતા હતા.
આજે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના આ રીતે ફેલાવવામાં આવેલ ખોટી ખબરોની સત્યતા સામે લાવનારા અસંખ્ય લોકો સામે આવી ચૂક્યા છે. ધ્રુવ રાઠી વીડિયોના માધ્યમથી એ કામ કરી રહ્યા છે. પ્રતીક સિન્હા altnews.in નામની વેબસાઈટથી આ કામ કરે છે.
હોક્સ, સ્લેયર, બુમ અને ફેક્ટ ચેક નામની વેબસાઈટ પણ આ જ કામ કરી રહી છે. સાથે જ સાથે. THEWIRE.IN, SCROLL.IN, NEWSLAUNDRY.COM, THEQUINT.COM જેવી વેબસાઈટ પણ સક્રીય છે.
મેં જે લોકોના નામ બતાવ્યા છે. એ તમામે હાલમાં જ ઘણી ફેક ન્યૂઝની સત્યતાને ઉજાગર કરી છે. તેમના કામથી સંઘના લોકો ઘણા જ પરેશાન થઈ ગયા છે. તેમાં વધારે મહત્વની વાત એ છે કે લોકો પૈસા માટે કામ નથી કરી રહ્યા. તેમનો એક જ ધ્યેય છે કે ફાસિસ્ટ લોકોની અસત્યની ફેક્ટ્રીને લોકોની સામે લાવવી.
થોડાં અઠવાડિયા પહેલા બેંગ્લોરમાં જોરદાર વરસાદ થયો. એ સમયે સંઘના લોકોએ એક ફોટો વાઈરલ કર્યો. કેપ્શનમાં લખ્યું કે, નાસાએ મંગળ ગ્રહ પર લોકોના ચાલવાનો ફોટો જાહેર કર્યો છે. બેંગ્લુરુ નગરપાલિકા (બીબીએમસી)એ નિવેદન આપ્યું કે, મંગળ ગ્રહની ફોટો નથી.
સંઘનો ઉદ્દેશ્ય હતો. મંગળ ગ્રહનો ફોટો બતાવીને બેંગ્લોરની મજાક ઉડાવવી. જેનાથી લોકો એ સમજે કે બેંગ્લોરમાં સિદ્ધારમૈયાની સરકારે કોઈ કામ નથી કર્યું. અહીંના રસ્તા ખરાબ થઈ ગયા છે. આ રીતના પ્રોપેગેન્ડા કરીને અસત્ય ખબરો ફેલાવવી એ સંઘનો ઉદ્દેશ્ય છે. પણ એ તેમને ભારે પડી ગયો, કારણ કે આ ફોટો બેંગ્લોરનો નહિ, મહારાષ્ટ્રનો હતો. જ્યાં ભાજપની સરકાર છે.
હાલમાં જ પશ્ચિમ બંગાળમાં જ્યારે હુલ્લડ થયા તો આરએસએસના લોકોએ બે પોસ્ટર જાહેર કર્યા. એક પોસ્ટરનું કેપ્શન હતું, બંગાળ સળગી રહ્યું છે. તેમાં સંપત્તિના સળગવાની તસવીર હતી. બીજી તસવીરમાં એક મહિલાની સાડી ખેંચવામાં આવી રહી છે અને કેપ્શનમાં બંગાળમાં હિંદુ મહિલાઓની સાથે અત્યાચાર થઈ રહ્યો છે. ઝડપથી એ તસવીરોની સત્યતા સામે આવી ગઈ.
પ્રથમ તસવીર 2002ના ગુજરાત હુલ્લડની હતી જ્યારે મુખ્યમંત્રી મોદીની સરકાર હતી. બીજી તસવીર ભોજપુરી સિનેમાના એક સીનની હતી. ફક્ત આરએસએસ જ નહિ ભાજપના કેન્દ્રિય મંત્રી પણ આવી ખોટી ખબરો ફેલાવવામાં માહિર છે.
ઉદાહરણ માટે, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ફોટો શેર કર્યો હતો જેમાં કેટલાક લોકો તિરંગાને આગ લગાવી રહ્યા હતા. ફોટો પર કેપ્શન લખેલું હતું કે, ગણતંત્ર દિવસ પર હૈદરાબાદમાં તિરંગાને આગ લગાવવામાં આવી રહી છે.
હવે ગૂગલ ઈમેજ સર્ચ એક નવી એપ્લિકેશન લાવ્યું છે. તેમાં તમે કોઈ પણ તસવીરને નાખીને જાણી શકો છે કે આ ક્યાંની અને ક્યારની છે. પ્રતીક સિન્હાએ આ કામ કર્યું અને એ એપ્લિકેશન દ્વારા ગડકરીએ શેર કરેલા ફોટોની સત્યતા ઉજાગર કરી દીધી.
ખબર મળી કે આ ફોટો હૈદરાબાદનો નથી. પાકિસ્તાનનો છે જ્યાં એક પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન ભારતના વિરોધમાં તિરંગાને સળગાવી રહ્યો છે.
આ રીતે એક ટીવી પેનલની ડિસ્કશનમાં બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, સરહદ પર સૈનિકોને તિરંગો લહેરાવવામાં કેટલી અડચણ આવે છે. પછી જેએનયુ જેવા વિશ્વવિદ્યાલયોમાં તિરંગો લહેરાવવાની શું સમસ્યા છે.
આ સવાલ પૂછીને સંબિતે એક તસવીર બતાવી. બાદમાં ખબર પડી કે આ ખ્યાતનામ તસવીર છે, પણ ભારતીય સૈનિકની નહીં અમેરિકી સૈનિકની. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી સૈનિકોએ જ્યારે જાપાનના એક દ્રીપ પર કબ્જો કરી લીધો ત્યારે તેમણે પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. ફોટોશોપ દ્વારા સંબિત પાત્રા લોકોને દગો આપી રહ્યા હતા. પણ આ તેમને ઘણું જ ભારે પડી ગયું. ટ્વીટર પર સંબિત પાત્રાની લોકોએ ભારે મજાક ઉડાવી.
કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે હાલમાં જ એક તસવીર સામે રાખી. લખ્યું કે ભારતના 50,000 કિલોમીટરના રસ્તા પર સરકારે ત્રીસ લાખ એલઈડી બલ્બ લગાવી દીધા. પણ જે તસવીર તેમણે અપલોડ કરી એ ખોટી નીકળી. એ ભારતની નહિ 2009માં જાપાનની તસવીર હતી. ગોયલે આ પહેલા પણ ટ્વીટ કર્યું હતું કે કોલસાની આપૂર્તિમાં સરકારે 25,900 કરોડની બચત કરી છે. એ ટ્વીટની તસવીર પણ ખોટી નીકળી.
છત્તીસગઢના પીડબલ્યુડી મંત્રી રાજેશ મૂણતે એક બ્રિજનો ફોટો શેર કરી પોતાની સરકારની સફળતા બતાવી. એ ટ્વીટને 2000 લાઈક મળ્યા. બાદમાં ખબર પડી કે એ તસવીર છત્તીસગઢની નહિ વિયેતનામની છે.
આવી ખોટી ખબરો ફેલાવવામાં અમારા કર્ણાટકના આરએસએસ અને બીજેપીના લીડરો પણ ઓછા નથી. કર્ણાટકના સાંસદ પ્રતાપ સિમ્હાએ એક રિપોર્ટ શેર કર્યો, કહ્યું કે-આ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આવ્યું છે.
તેની હેડલાઈન હતી કે હિંદુ છોકરીને મુસલમાને ચાકુ મારીને હત્યા કરી દીધી. દુનિયાભરને નૈતિકતાનું જ્ઞાન દેનારા પ્રતાપ સિમ્હાએ સત્યતા જાણવાની જરા પણ કોશિશ ન કરી. કોઈ પણ અખબારે આ સમાચારને છાપ્યા જ નહોતા, પણ ફોટોશોટ દ્વારા કોઈ બીજી ખબરમાં હેડલાઈન લગાવી દીધી હતી અને ઘટનાને હિંદુ-મુસ્લિમ રંગ આપવામાં આવ્યો હતો.
જેના માટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. હંગામો થયો તો સાંસદે આ ખોટી ખબરને ડિલીટ કરી દીધી પણ માફી ન માગી. સાંપ્રદાયિક અસત્ય ફેલાવવા પર કોઈ અફસોસ જાહેર ન કર્યો.
જેમ કે મારા મિત્ર વાસુએ આ વિશે કોલમમાં લખ્યું છે, મેં પણ સમજ્યા વિના એક ખોટી ખબર શેર કરી દીધી. ગત્ત રવિવારે પટનાની પોતાની રેલીની તસવીર લાલુ યાદવે ફોટોશોપ કરીને શેર કરી દીધી. થોડીવાર પછી મિત્ર શશિધરે જણાવ્યું કે ફોટો તો ખોટો છે. મેં તુરંત હટાવી દીધો અને મારી ભૂલ પણ માની.
એટલું જ નહિ ફેક અને અસલી તસવીર બંનેને એકસાથે રાખી ટ્વીટ પણ કર્યું. આ ભૂલની પાછળ સાંપ્રદાયિક રૂપથી ભડકાવવાનો પ્રોપેગેંડા કરવાની મંશા નહોતી. ફાસિસ્ટોની વિરુદ્ધ લોકો જમા થઈ રહ્યા હતા. તેનો સંદેશ આપવો એ જ મારો ઉદ્દેશ્ય છે. અંતે તો જે પણ ફેક ન્યૂઝને એક્સપોઝ કરે છે. તેમને સલામ. મારી ઈચ્છા છે કે તેમની સંખ્યા વધારેમાં વધારે હોય.
(બૂસી બસિયા* નો અર્થ-જ્યારે પણ મોઢું ખોલશે ખોટું બોલશે.)
(પ્રાપ્તિસ્થાન માટે આભાર – કસ્બા રવિશ કુમાર બ્લોગ અને ધ વાયર વેબસાઈટ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત