‘લે ગોવા બાપા તમે તો કપાસ વીણવા જતા હતા ને કાં પાછા આવ્યા?’
હજુ એક મેટર લખીને જવાનું કીધું. તો હે ચાબુક. તને શું કહું ? આજ સવારથી હું ચૂંટણી વિશે લખવા ધમપછાડા મારતો હતો, પણ માંડ માંડ બે મુદ્દા મળ્યા. આજે રવિવાર છે. કચેરીઓ બંધ હોય. ચૂંટણીની મૌસમ છે, પણ વારે ઘડીએ ચૂંટણી પર ક્યાં લખવું એટલે આજે મને થયું કે ચાલ તને અવેન્જર્સ યુગમાં લઈ જાઉં.

ગઈ કાલની આ વાત છે. એક અજીબો ગરીબ જીવ યોગીભાઈના રાજમાં આવી ચડ્યો હતો. એ ઉડતી વસ્તુને જોઈ ગામના લોકો ડરી ગયા અને ભાગવા લાગ્યા. આકાશમાં ઊડી રહેલી એ વસ્તુ ગટરમાં પડી. લોકોને લાગ્યું કે એલિયન છે. તાત્કાલિક એલિયનને પકડવા માટે બહાદુર પોલીસભાઈ અનિલ કુમાર પાંડેને બોલાવવામાં આવ્યા. એ આવ્યા અને આયર્ન મેનને હાથ વડે ઉઠાવતા જાહેરાત કરી કે ‘‘હિ ઈઝ… આયર્ન મેન ગુબ્બારા’’ હવે પોલીસ સાહેબ એ તરફ તપાસ આદરી રહ્યાં છે કે આ મરી ગ્યાને ઉડાવ્યો કોણે ? તો ચાબુક ઉત્તર પ્રદેશમાં તો આવું બન્યું. સારું યોગીભાઈના હાથમાં આ ફુગ્ગો ન આવ્યો નહીંતર આયર્ન મેનનું નામ… ‘ઉડતું લોઢાનું બખ્તર’ કરી નાખેત.
આ ડબલ એન્જીનવાળી સરકાર એટલે શું ગોવા બાપા ?
હે ચાબુક લાલુભાઈ યાદવના સુપુત્ર એવા તેજસ્વી યાદવ ઉંઘમાં પણ ડબલ એન્જીન બોલી જતા હોય તો નવાઈ નહીં. એન્જીન શબ્દ ઉચ્ચારણમાં એટલા માટે આવી જાય કારણ કે એ અને એમના બહુરૂપીભાઈના નામે સોશિયલ મીડિયામાં પ્રખ્યાત એવા તેજપ્રતાપ યાદવ ટ્રેક્ટર પર બેસીને હમણાં જ મને પ્રચાર કરતાં જોવા મળ્યા છે. પણ હવે નીતિશ કુમારની સરકારની ઝાટકણી કાઢતા એમણે કહ્યું છે કે, બિહારની જનતા છેલ્લા 15 વર્ષથી ડબલ એન્જીનવાળી સરકારથી કંટાળી ગઈ છે. ગરીબી હટી નથી. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નથી મળ્યો. લોકો ગુસ્સામાં છે. તો ચાબુક આ છે તેજસ્વીભાઈનો ડબલ એન્જીનવાળો પ્રહાર…. જેને કોઈ ભૂલથી પણ ટ્રેન્ડ નથી કરતાં. એમની પાર્ટીના લોકો પણ નહીં!
ગોવાબાપા તમે કાલ રવિન્દ્ર જાડેજાની સિક્સર જોઈ ?
એલા ચાબુક રાતે હું જગમાલની દુકાને બીડી લેવા ગ્યો તો. ન્યાં મેં પીળા કલરનાં કપડાંમાં રવિન્દ્રભાઈ જાડેજાને જોયા. દિલ્હી કેપિટલ્સ ટીમ સામે ચૈન્નઈ સુપરકિંગ્સનો મેચ હતો. શાહજહાં સ્ટેડિયમમાં આપણા જામનગરના રવિન્દ્રભાઈએ સિક્સ મારી અને બોલ રસ્તામાં આવી ગ્યો. તુષારભાઈ દેશપાંડની પાંચમી ઓવરમાં રવિન્દ્રએ છગ્ગો માર્યો. એ સ્ટેડિયમની બહાર પડ્યો અને એક ભાઈ દડો લઈને ભાગી ગ્યો. 13 બોલમાં 33 રન અને એમાંય 4 ગગનચૂંબી છગ્ગા રવિન્દ્રભાઈએ ફટકાર્યા. ફાફ ડુ પ્લેસિસ ભાઈએ 58 રન કર્યા. પણ મજાની વાત તો પેલો દડો લઈ ભાગી ગયો એ જ છે. અમે શેરીમાં રમતા અને દડો ભીની બેનના ઘર પાસે જાય, તો ભીનીનો છોકરો ભરતો ગોટો લઈને ભાગી જતો. પછી મેં ભીનીના છોકરાને ખૂબ શોધ્યો પણ મળ્યો નહીં. કાલ જગમાલની દુકાને મેચ જોતા ખબર પડી કે ભરતો દુબઈમાં છે. આલે આ વીડિયોમાં તું પણ જો.
લે ચાબુક નવા બુટ લીધા બેટા ? મને બુટથી યાદ આવ્યું તો તને કહી દઉં
પાકિસ્તાનમાં બુટઘસુ રાજકારણીઓ બધા છે. તને માંડીને વાત કરું. 2017માં ભ્રષ્ટાચારના આરોપના કારણે પ્રધાનમંત્રી પદ પરથી નિલંબિત કરવામાં આવેલા નવાઝ શરીફે પ્રથમ વખત કમર જાવેદ બાજવા અને ફૈઝ હમીદ પર આરોપ લગાવ્યો કે તેમના હસ્તક્ષેપથી 2018માં ઈમરાનને ગાદી મળી. જેનો જવાબ ઈમરાને કંઈક આ રીતે આપ્યો ચાબુક, ‘શરીફે સેના વિરૂદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો છે. સૈન્ય દેશ માટે પોતાના જીવની આહુતિ આપે છે. એ તો જનરલ જીયા ઉલ હકના પગરખા સાફ કરીને સત્તા પર આવ્યા હતા.’ હે ચાબુક. હું મારા જમાનાની તને વાત કરું. 1980માં જ્યારે જનરલ જીયા ઉલ હકે માર્શલ લો લગાવ્યો ત્યારે પાકિસ્તાનમાં નવાઝ શરીફ શાસનમાં આવ્યા હતા. ઈમરાન ખાનને એક મેચ માટે કેપ્ટન પદ પરથી હટાવનારા પણ શરીફ જ હતા. આવી બધી અંદર ખાને વાતો તો જે ચાબુક વાંચેને દીકરા એને જ ખબર પડે.
બુર્ઝ ખલીફા
કપાસ વીણવા જતાં પહેલાં તને કહું ચાબુક, કે જૂના જમાનાના ગીતોમાં ચાંદ અને તારા તોડી લાવવાની કવિઓ/ગીતકારો વાતો કરતા હતા. હવે છેક ખબર પડી કે ચાંદ અને તારા તોડી લાવવા એ ખૂબ મુશ્કેલ કામ છે. સપનામાં કરાઈ એવું કામ છે. એટલે નવા ગીતકારો સીધા બુર્ઝ ખલીફા જ માગી લે છે. જોકે બુર્ઝ ખલીફા પ્રેમિકાને અપાવવી એ પણ ચાંદ તારા જેવું જ કામ છે. ખબર નહીં કવિઓ એમની ઊંચી ઊંચી કલ્પના ક્યારે છોડશે.
‘ગોવાબાપા આ ઉંમરે તમારે કિયારા અડવાણીને જોઈને શું કરવું છે ? એ કામ જલજીરાને કરવા દો. વાત નીકળી છે તો ખાલી એટલું કહી દો ગીત કેવું છે ?’
ગીત એક મહિનો જ ગમે એવી ગુણવત્તાવાળુ છે. એકધારા ચાર વખત સાંભળ તો કાન ઘસાઈ જાય એવું. વધારે આશા નહીં રાખવાની. ખિલાડી 786 અને ટાઈગર શ્રોફે બાઘી-3માં જે રિમેક ગીત પર ડાન્સ કર્યો તે ‘દસ બહાને કર કે લે ગયે દિલ’ જેવી જ કોરિયોગ્રાફી છે. લાલ કલરની ગાડી અને રૂપાળા લુગડા પહેરાવ્યા છે. કિયારાને ઘડીએ ઘડીએ અક્ષયભાઈ કુમાર કોક કાયલી જેનર સાથે સરખાવે છે.
‘તમે જોઈ ગોવા બાપા કાઈલી જેનર ને?’
‘ના.’
‘ઈન્સ્ટાગ્રામમાં બતાવું. આ જોવ.’
‘હે ચાબુક આ શું છે?’