Homeગામનાં ચોરેહે ચાબુક વડોદરા ભાજપે જે નિર્ણય લીધો એના માટે કહેવાય ‘ગઈ ભેંસ...

હે ચાબુક વડોદરા ભાજપે જે નિર્ણય લીધો એના માટે કહેવાય ‘ગઈ ભેંસ પાણીમાં…’

ગોવાબાપાઃ ચાબુક આજે સૌથી પહેલાં વાત દેશની સુરક્ષાની. ગઈકાલે દિલ્હીમાં આવેલા ઇઝરાયેલના દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો. જ્યાં બ્લાસ્ટ થયો તેનાથી માત્ર 1.7 કિલોમીટર દૂર વિજય ચોક પર બીટિંગ રિટ્રીટ ચાલી રહી હતી. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના વીવીઆઈપી હાજર હતા. ચાબુક આ ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય. દેશની રાજધાની દિલ્હીમાં આવી ઘટના ઘટે એ દેશની સુરક્ષા પર સીધા સવાલો ઉભા કરે છે. હજુ તો 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી ઘટના ભૂલાય નથી ત્યાં આ બ્લાસ્ટની ઘટનાએ સરકાર સામે સુરક્ષાને લઈને સવાલ ઉભા કરી દીધા છે.

ઇઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા IED બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હિન્દ નામના સંગઠને માથે લીધી છે. બ્લાસ્ટ થયો ત્યાંથી એક ચીઠ્ઠી મળી હોવાની વાત સામે આવી છે અને આ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે હજુ તો આ ટ્રેલર છે. હાલ તો આ અંગે તપાસ એજન્સીઓ ખાખા ખોળા કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા મથી રહી છે. તપાસમાં ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ પણ જોડાઈ છે.

કર્ફ્યૂ થયો હળવો

ચાબુક ગુજરાતના ચાર મહાનગરોમાં લાગેલો કર્ફ્યૂ તો ‘અતિથિ તુમ કબ જાઓગે’ ફિલ્મના પરેશ રાવલ જેવો છે હો.

‘કેમ ગોવા બાપા ?’

હટવાનું નામ જ નથી લેતો. દિવસો પસાર થતાં જાય છે તેમ કર્ફ્યૂ હળવો જરૂર થઈ રહ્યો છે. પરંતુ લોકો વિચારે છે કે સરકારે દિવાળી બાદ થોડાં દિવસનું કહીને કર્ફ્યૂ લગાવ્યો હતો, પરંતુ તેને ચિંગમની જેમ લાંબું લાંબું ખેંચતી ગઈ. આજે કર્ફ્યૂમાંથી વધુ થોડી રાહત સરકારે આપી છે ચાબુક. સરકારે જાહેરાત કરી કે રાજ્યના ચારેય મહાનગરોમાં હવે રાત્રિ કર્ફ્યૂ રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. એટલે કે એક કલાકની વધારાની છૂટછાટ. સાથે જ લગ્ન સમારોહમાં હવે 200 લોકોને બોલાવી શકાશે. આ નિયમો 15 ફેબ્રુઆરી સુધી લાગુ પડશે.

કર્ફ્યૂમાં મળેલી આશિંક રાહત બાદ જગમાલ મને ખુશખુશાલ થઈને કે’તો હતો કે ગોવાબાપા હવે ચાબુકની ઓફિસેથી રાત્રે છૂટીને સીધા મારી દુકાને ચા પીવા આવજો. દુકાન ખુલ્લી જ હશે. જગમાલની જેમ અનેક હોટેલ અને દુકાનોવાળાને આવી જ રાહત થઈ હશે હો ચાબુક..

‘પણ ગોવાબાપા લોકો તો એવીય વાતો કરે છે કે આ ચૂંટણી આવી રહી છે એટલે સરકાર નિયમો હળવા કરી રહી છે. ચૂંટણી પતશે એટલે પાછું જડબેસલાક..’

ચાબુક એ તો હવે ચૂંટણી પતે પછી ખબર પડે.. ત્યાં સુધી તો 11 વાગ્યા સુધી મોજ મોજ…

ખેડૂતોને વડાપ્રધાને શું કહ્યું?

બજેટસત્ર અંગે આજે સર્વપક્ષીય બેઠક મળી હતી. સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂત આંદોલન મુદ્દે બોલ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા હંમેશા તૈયાર છે. માહિતી તો એવી પણ મળી છે ચાબુક કે બેઠકમાં વડાપ્રધાને એમ પણ કહ્યું કે હું ખેડૂતોથી માત્ર એક ફોન કોલ દૂર છું. જો ખેડૂતો મને ફોન કરશે તો હું વાત કરવા તૈયાર છું.

55 વર્ષ ઉપરનાને ટિકિટ નહીં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા ભાજપે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી ભાજપના વોર્ડ કક્ષાના હોદ્દેદારો અને આગેવાનોની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 55 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર અને સંગઠનમાં હોદ્દો મેળવનારને મનપાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે.

‘નિર્ણય તો સારો કહેવાય હો ગોવાબાપા. યુવાનોને વધુ તક મળશે.’

એ વાત તો સાચી ચાબુક પણ જે કાર્યકર્તા 55 વર્ષ વટાવી ગયા છે અને હજુ એક પણ વખત ટિકિટ નથી મળી તેઓમાં નારાજગી હોવાની વાત સામે આવી છે. કેમ કે તેમની તો આટલા વર્ષોની મહેનત પાણીમાં ગઈ કહેવાય.

જે હોય એ ચાબુક હાલ, વિદાય લઈએ..

એ આવજો ગોવાબાપા..

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments