હે ગોવા બાપા, કોણ છે આ બેરોજગાર ભાઈ? જેની ગુજરાતના બેરોજગારો દ્રારા ખૂબ વાતો થાય છે કે ભાઈએ કમાલ કરી દીધી.
હા ચાબુક. હું જગમાલને ન્યાં બીડીનું પેકેટ લેવા ગ્યો ત્યારે પણ એ જ વાતો થતી હતી કે હા મોજ હા… મને ખબર નથી એ કોણ છે ? પણ હાલ હવે તને હેરાન ન કરતાં માંડીને વાત કરું.
ધારીની સભા હતી. જે.વી કાકડિયાભાઈ બોલતા હતા. નજીકમાં જયેશભાઈ રાદડિયા પણ બેઠા હતા. બરાબર ભાષણ ચાલતું હતું અને ત્યાં એક યુવક ઊભો થયો અને શબ્દો દ્રારા ધબધબાટી બોલાવા લાગ્યો. આ નીચે લખ્યું ને ચાબુક, બસ… એ જ બોલ્યો.
‘‘રોજગારીનો મુદ્દો લઈ લો તો પહેલા. રોજગારીનો મુદ્દો લઈ લો તો પહેલા. છેલ્લા બે વર્ષથી પેપર ફૂટી જાય છે. અમે છેલ્લા બે વર્ષથી રાત દિવસ તૈયારી કરીએ છીએ અને છેલ્લે પેપર ફૂટી જાય છે. એટલે અમારે શું ? મહેનત જ કરવાની છે. અમેય ખેડૂતના દીકરા છીએ. જેમ એ ખેતી કરે છે એમ અમારેય ભણવું છે. અમારેય આગળ વધવું છે. અમારુંય ભવિષ્ય સુરક્ષિત કરવું છે.’’
હવે તને તો ખબર છે. સોશિયલ મીડિયા ઉપર બેરોજગારો વાતો કરે છે કે, શ્રીફળ આટલું કઠણ હોવા છતાં મોડુ ફૂટે બાકી ફડફડ કરતું પેપર તુરંત ફૂટી જાય. અરે ચાબુક. મારી તો આંતરડી બળે હો… ઓલા બચારા બેરોજગાર યુવાનો. જે હોય એ પણ હવે એ ક્યાંક ગોઠવાય જાયને તો સારું. કોઈને વીડિયો જોવો હોય તો…
બાકી હતું તે ધારીમાં ખેડૂતો એ અવાજ ઉઠાવ્યો. અધિકારીઓ કાંઈ કામ કરતા નથી એમ કહી દીધું. પાવર મળતો નથી આવા આક્ષેપો કર્યા. આજ એક દિવસમાં બે વખત વિરોધનો સામનો કરવો પડ્યો.
તો બીજી વાત આવે છે સીધી ઉત્તર પ્રદેશથી. તને તો ખબર છે ઉત્તર પ્રદેશ કેવડુ મોટું રાજ્ય છે. આજે ખબર પડી કે એવડા મોટા રાજ્યમાં એક કરોડ ઘરું લાઈટ બીલ નથી ભરતા. 38 ટકા એવા છે જે બીલ જ નથી ભરતા. અને આ બીલની કુલ રકમ થાય છે 68 હજાર કરોડ રૂપિયા.
‘એ ગોવા બાપા મને એમ લાગે કે એ લોકો ઉત્તર પ્રદેશની ચૂંટણીની રાહ જોવે છે. ચૂંટણીમાં જેમ બિહારને પ્રથમ વેક્સીન મળશે એવો ઢંઢેરો છે, એમ 68 હજાર કરોડ રૂપિયાનું વીજ બીલ માફ કરી દેવાનું આવે તો…?’
તારો પણ કાંઈ અભ્યાસ નથી હો બેટા ચાબુક. હાલ હવે આજની ત્રીજી મોટી વાત કરીએ. પ્રકાશ.ન.શાહને ઓળખે ?
‘હા ઓળખીએ જ ને ગોવા બાપા.’
એ આજે 562 મતે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી જીતી ગયા. પ્રકાશભાઈના જીતવાથી સાહિત્યકારોને કંઈ ફર્ક નહીં પડે, એમનું તો હતું એમ જ હાઈલા રાખશે, પણ ઉપર જે બેરોજગારોની વાત કરીને, એમણે યાદ રાખી લેવાનું છે કે નવા અધ્યક્ષ હવે પ્રકાશભાઈ શાહ છે. પ્રકાશભાઈ ઉમદા, સાલસ અને સજ્જન વ્યક્તિ છે. એમણે સાહિત્યનું સર્જન કર્યું નથી પણ સાહિત્યકારો ખૂબ તૈયાર કર્યા છે. તેમના પત્રકારત્વની સૂઝબૂઝથી ઘણા લોકો પ્રેરણા પામ્યા છે. એમનું નિરીક્ષર વાંચ્યા જેવું હોય છે. ખાસ તારે પ્રકાશભાઈને ચાબુક એટલા માટે વાંચવાના કારણ કે તેમની પાસે શબ્દભંડોળ ખૂબ છે. નવા નવા શબ્દો બનાવે પણ છે. દિવ્ય ભાસ્કરમાં અભિવ્યક્તિના પાને એમનો લેખ આવતો, એ હું જગમાલની દુકાને વાંચતો. મને થાતું કે આવું આપણે લખીએ તો ? પણ તક?
‘આજે તમને ચાબુકે તક આપી પણ તમે પ્રકાશ.ન.શાહના નખ બરાબરેય શબ્દો જાણતા નથી. જેવા ચાબુકના ભાગ્ય. ઓછા પગારે તો બાપા ડોહલા જ મળે.’
મરી ગ્યા. મારા કોક દિ તો વખાણ કઈર. આખા ગામના મુદ્દાને વાચા આપું છું. હાલ હવે આગળ વધીએ. સોશિયલ ડિસ્ટન્સનું ગુજરાતી શું થાય ચાબુક ?
‘સામાજીક અંતર.’
હા, તો સામાજીક અંતરના લીરેલીરા ઉડ્યા. એય પાછા જે સામાજીક અંતર જાળવવાની, કોરોના નથી ગયો એવું પોતાના તેર મિનિટના ભાષણમાં કહેતા હતા. એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં. બિહારના સાસારામમાં મોદીજીની રેલી હતી. હકડેઠાઠ ભીડ જામી. કહેવાય છે કે સામાજીક અંતર જળવાય રહે આ માટે યોગ્ય વ્યવસ્થા પહેલાથી કરવામાં આવી હતી, છતાં ધડબડાટી બોલી ગઈ. ઘણા ગાલ અડાડીને એમ સેલ્ફી લેતા હતા જાણે નરેન્દ્રભાઈ 2020માં સાસારામમાં નહીં પણ 2007નાં ગુજરાતમાં પ્રચાર કરતાં હોય. લોકો એકબીજાને સ્પર્શીયા. ઘણા તો એ કહેવા જ આવેલા કે જુઓ અમે કોરોનાને ગંભીરતાથી નથી લેતા, અમે માસ્ક નથી પહેરતા! જોકે આવું કાંઈ એકલા મોદીજીની રેલીમાં નથી થયું. આજે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની રેલી હતી. તો ન્યાં પણ મનેખ ઉમટી પડ્યું. ન્યાં પણ લીરેલીરા ઉડ્યા.
‘તમને ખબર આ શું કામે થાય છે ?’
‘ના રે…’
‘પ્રથમ વેક્સિન તો બિહારને જ મળવાની ને ?’
એલા આ તંત્રી ક્યાં ? એ આના નામ ઉપરથી ક્યાં સમાચાર બુક ચાલુ કઈરી તમે ?
હવે કાંઈ બોલતો નંઈ. આપણે આગળ મીઠી મીઠી વાતો કરીએ. બીજું કે લીંબડીમાં આજે સ્મૃતિબેન ઈરાની પ્રચાર કરવા આવ્યા હતા. જેથી ભાજપના નેતા જીતી જાય. પણ આશ્ચર્યની વાત એ હતી કે કિરીટસિંહ રાણા જ દેખાતા નહોતા એટલે સ્ટેજ ઉપર અને સ્ટેજની નીચે જનતામાં તરેહ તરેહની વાતો થવા લાગેલી.
‘પછી ચાબુક તું વોત્સએપ વાપરે છો ?’
‘હા કેમ ?’
કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ સક્રિય થઈ છે. કહેવાય છે કે 250 વોત્સેપ ગ્રૂપૂ તૈયાર કર્યા છે. ફેસબુકના પેજ તૈયાર કર્યા છે. ફેસબુકમાં એક એક કલાકે એક પોસ્ટ મુકે છે.
‘લે…’
‘કાં શું થ્યું ?’
‘તમને નથી ખબર ? ચાબુકવાળા પણ એક કલાકે એક જ પોસ્ટ મૂકે છે. જેવી તેવી તો મુકતા પણ નથી.’