ટાઈફન નામના દૈત્યને પરાજીત કર્યા પછી ઝ્યુસે તેમના ભાઈ પોઝાઈડન અને હેડસની સાથે બ્રહ્માંડનો ભાગ પાડી લીધો. પણ પોતાની દાદી ગાયાનો ભાગ ન પાડ્યો. જેના ત્રણે ભાઈઓ વંશજ હતા, કારણ કે ગાયા ભલે તેમની દાદી હતી પણ તેણે જ તેમના પર એક બાદ એક દૈત્યોને મોકલી હુમલા કરાવ્યા હતા. જો ઝ્યુસ નહોત તો તમામ ઓલિમ્પસોનું કાસળ નીકળી ગયું હતું.
ભાગલા પછી ઝ્યુસ ઓલિમ્પસના શિખર પર બિરાજમાન થઈ સમયે સમયે વીજળી પાડતો હતો. ધરતીનું ધ્યાન રાખતો અને સમગ્ર નભમંડળનો સ્વામી હતો. પોઝાઈડને ખૂદને સાગર અને નદીઓનો સ્વામી ઘોષિત કરી દીધો. જે ગુસ્સે થાય ત્યારે ભૂકંપ પેદા કરતો હતો. ધરતી પરની તેની સુંદરતા કોઈ પણ દેવતાને ઈર્ષ્યા પેદા કરે તેવી હતી. હેડસે મૃતકો પર દાવો કર્યો અને પાતાળલોકનો રાજા બની ગયો. ઝ્યુસની મોટી બહેન હેસ્તિયા અંગીઠીની દેવી બની ગઈ. દીમિતરે અન્ન વિભાગ સંભાળ્યો જ્યારે હેરાએ ગૃહસ્થી. તમામ દેવતાઓ પોત પોતાની મિલકત સાથે ખુશ થઈ ગયા. ઝ્યુસ હવે અપ્સરાઓ અને મનુષ્ય સ્ત્રીઓ સાથે સંભોગમાં રચ્યો પચ્યો રહેતો હતો.
ટાઈટન્સની બે દીકરીઓ હતી. આઈરિસ અને આર્કે. જે ત્રણે લોકમાં ફર્યા કરતી હતી. ફરવાનું કારણ તેમની પાંખો. જે આકાશથી થઈ જમીન સુધી અડકતી હતી. ટાઈટન્સ અને ઓલિમ્પસના યુદ્ધ દરમિયાન આ બંને બહેનો વિભાજીત થઈ ગઈ. આઈરિસે તેને મનાવી પણ ખરી કે તું જો વિખૂટી પડી જઈશ તો આપણું સૌંદર્ય પણ કોઈ એકનાં પરાજય બાદ ઝાંખુ પડી જશે. આર્કે ન માની. આર્કેએ ટાઈટન્સનો જ્યારે આઈરિસે ઓલિમ્પસનો સાથ આપ્યો. યુદ્ધ પૂર્ણ થયું અને ઝ્યુસ વિજેતા બન્યો. તેણે આર્કેની પાંખને ખેંચી લીધી અને તેને અંધારા ટાર્ટરસમાં ફેંકી દીધી. આર્કેના જતાં જ આઈરિસ એકલી પડી ગઈ હવે જ્યારે પણ મેઘધનુષ્ય દેખાય ત્યારે તે અડધું જ દેખાય, કારણ કે એક બહેન હજુ ટાર્ટરસમાં કેદ છે.
એક વખત ઝ્યુસ ઘાસ પર ઉંઘતો હતો. ઉંઘમાં જ તેને સ્વપ્નદોષ થઈ જતા વીર્યપતન થયું. ઘાસ પર પડેલા વીર્યમાંથી એક એવું જીવ પેદા થયું જે નર પણ હતું અને માદા પણ હતું. અગ્ડિસ્ટિસ તેનું નામ. ઓલિમ્પસને તેને જોઈ ગુસ્સો આવ્યો. આંખોને સુખ આપે તેવું દેખાતું ન હોવાથી, નર અને માદામાંથી કોઈ એક જીવ કરવા તેણે પુરૂષના જનનાંગો કાપી નાખ્યા. પરિણામે તે ઊભયલીંગી થઈ ગયો.
તેનું નામ બદલાય દેવી સાઈબેલી થઈ ગયું. ઓલિમ્પસ દ્રારા તેના જે પુરૂષ જનનાંગો કાપવામાં આવ્યા હતા તે જમીન પર પડ્યા અને ત્યાં બદામનું વૃક્ષ ઊભું થઈ ગયું.
બદામના વૃક્ષની નજીક જ એક નદીના દેવતાની દીકરી રહેતી હતી. તેણે એ બદામને ખાઈ લીધી અને તે ગર્ભવતી થઈ ગઈ. તેના ગર્ભમાંથી જે બાળક જન્મ્યું તેનું નામ એટિસ.
એટિસ મોટો થયો. વિવાહ યોગ્ય થયો. એ ફ્રિઝિયાની રાજકુમારી સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો. રસ્તામાં જ ઓલિમ્પસે જેનાં જનનાંગો કાપ્યા હતા તે સાઈબેલીએ એટિસને જોઈ લીધો અને તેને એટિસ સાથે પ્રેમ થઈ ગયો. એટિસ તેની સાથે વિવાહ કરવા નહોતો માગતો. તેની આ અન-ઈચ્છાના કારણે સાઈબેલી ક્રોધિત થઈ અને તેણે એટિસને ગાંડો કરી દીધો.
એટિસના લગ્ન નક્કી થઈ ગયા તે પરણવાનો જ હતો. પણ તેના પર ગાંડપણ છવાયેલું હતું. કોઈ કોઈ વાર તે પાગલ થઈ જતો. વિવાહની વચ્ચે જ તેણે ચાકુ લઈ ખૂદની હત્યા કરી નાખી. સાઈબેલીને બસ આ જ જોતું હતું. એ બધાની નજરમાં મરી ગયો પણ સાઈબેલીની નજરમાં એક પ્રેમી તરીકે જીવીત થયો. સાઈબેલીએ એટિસને પુન:જીવિત કરી પોતાનો પતિ બનાવી લીધો.
ધીમે ધીમે ઝ્યુસની સંતાનો વધતી ગઈ. તે મનુષ્યથી લઈને અપ્સરાઓ સાથે પણ સંભોગ કરવા લાગ્યો. યુરિનોમ સાથે સમાગમ કરી તે ત્રણ ગ્રેસિસનો પિતા બન્યો. અફ્રોદિતી અને ઈરોસની આસપાસ આ ત્રણ ગ્રેસિસ નગ્ન થઈ નાચતી રહે છે અને કામુકતાનું દ્રશ્ય પેદા કરે છે.
નેમોસાઈન થકી ઝ્યુસ નવ મ્યૂઝિસનો પિતા બન્યો. એ નવ મ્યૂઝિસ કલાના ચાહક હતા. કોઈ કવિ, કોઈ લેખક, કોઈ નાટ્યકાર, કોઈ સંગીતજ્ઞ… એમાંથી મેમોરી સાથે સંભોગ કર્યો જેનાથી થનાર દીકરીઓ પાસે એવી કળા હતી કે જેને જે યાદ હોય તે ભૂલાવી શકે. માતાનું નામ મેમોરી એટલે કે સ્મૃતિ જેની દીકરીઓનું કામ બધાને યાદ હોય તે ભૂલાવી દેવાનું !
સુવ્યવસ્થાની ટાઈટન દેવી થિમિસથી ઝ્યુસ હોરાઈ અને મોરાઈનો પિતા બન્યો. હોરાઈ ત્રણ હતી. યૂનોમેનિયા જે કાયદો લાવી, ડાઈક જે ન્યાય લાવી અને આઈરિન જે જગતમાં શાંતિ લાવી.
મોરાઈનો અર્થ થાય ભાગ્ય. ભાગ્ય પણ ત્રણ હતા. ક્લોથો જીવનની રચના કરતો રહેતો હતો, લૈકેસિસ ક્લોથો દ્રારા રચાયેલા જીવનનું માપ લીધા કરતો હતો અને એટ્રોપસ લૈકેસિસે માપ લીધા જીવનને ઓછા વધતા અંશે કાપતો રહેતો હતો. જેથી જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ વસ્તુ નક્કી થતી. ઝ્યુસ દ્રારા આ રીતે ન્યાય અને ભાગ્યની રચના કરવામાં આવી.
એક વખત ઝ્યુસને ટાઈટનની દેવી મતિસી સાથે પ્રેમ થઈ ગયો. મતિસી ખૂબ સુંદર હતી. ઝ્યુસ તેની સાથે શારીરિક સંબંધો બાંધવા માટેની ક્ષણો શોધતો હતો. આખરે એ ક્ષણ આવી ગઈ. ઝ્યુસે ધરાઈને મતિસી સાથે સંભોગ કર્યો.
સંભોગ કર્યા બાદ મતિસી ગર્ભવતી બની અને ઝ્યુસને ભવિષ્યની ખબર પડી કે તેના પેટમાંથી જે સંતાન થવાની છે તે ઝ્યુસને તેના સિંહાસન પરથી ખદેડી દેશે. ગુસ્સે ભરાયેલો ઝ્યુસ હાંફળો ફાફળો થઈ ગયો અને આ વાત સાંભળ્યા પછી ગર્ભવતી મતિસીને આખેઆખી ગળી ગયો.
થોડા સમય પછી ઝ્યુસનું માથુ દુખવા લાગ્યું. દુખતુ માથુ ફાટ્યું અને અંદરથી શિલ્પ અને બુદ્ધીમતાની દેવી એથિનાનો જન્મ થયો. ઝ્યુસને એક વાતનો ફાયદો થયો. એ મતિસીને ગળી ગયો હતો. જેથી એથિના હવે મતિસીની નહીં પણ ઝ્યુસની દીકરી હતી. જે કોઈ સ્ત્રીના ગર્ભમાંથી નહીં પણ એક પુરૂષના મગજમાંથી ઉત્પન્ન થઈ હતી.
તેણે પિતા ઝ્યુસને કહ્યું કે, હું તમારાથી પેદા થઈ છું. હું આજીવન કુંવારી રહીશ. કોઈ પુરૂષ સાથે લગ્ન નહીં કરીશ. મને ખ્યાલ છે કે મારું સોંદર્ય અપરંપાર છે, એક સમયે મને પણ કોઈ પુરૂષની ચાહના રહેવાની છે, પણ હું આવું નહીં થવા દઉઁ. હું આપની નિષ્ઠાવાન પુત્રી બનીને આપના મગજમાં જ રહીશ.
એથિનાની આ વાત ઝ્યુસને ગમી ગઈ. એથિના એક સારી છોકરી હતી. એણે પિતાને જે કહ્યું તેનું શબ્દેશ: પાલન કરી રહેવા લાગી, પણ તે પિતા પ્રત્યે સમર્પિત હતી અન્ય ઓલિમ્પસ દેવતાઓ સાથે નહીં. તેનામાં અસહિષ્ણુતાના બીજનો ફણગો ફૂટ્યો.
તેણે રાજકુમારી અરાક્ને વિશે સાંભળ્યું. જે સારામાં સારા કપડાં સીવી શકતી હતી. એ સારા કપડાંનું સીવણ કરી શકતી તે મોટી વાત નહોતી, મોટી વાત એ હતી કે તેણે એમ કહ્યું કે, હું એથિના કરતાં પણ સારામાં સારા પોશાક વણી શકું છું.
એથિનાથી આ સહન ન થયું. તેણે દીવાલ પર લગાવવાની ટ્રૈપસ્ટ્રી વણવાની સ્પર્ધા માટે રાજકુમારી અરાક્નેને પડકાર ફેંક્યો. વણાટકામ થઈ ગયા પછી જોયું તો બંને દ્રારા કરાયેલું કામ એક ને જુઓ તો એક ભૂલી જાઓ એવું હતું. છતાં એથિનાએ હાર સ્વીકાર કરી લીધી અને અરાક્નેને શ્રાપ આપ્યો કે એ કરોળીયો બની જશે અને આજીવન વણાટકામ જ કર્યા રાખશે. તેના શોખની વસ્તુ.