Homeગામનાં ચોરેઅમિતભાઈ બંગાળમાં આવે એ મમતાબેનને નથી ગમતું

અમિતભાઈ બંગાળમાં આવે એ મમતાબેનને નથી ગમતું

ગોવાબાપા : ને આજે ચાબુક ખેડૂતો દિલ્હી બાજુ આવી રહ્યા છે. હવે દિલ્હીમાં કોરોના પણ છે, ધુમ્મસ પણ છે, શિયાળો પણ છે, પ્રદૂષણ પણ છે અને ખેડૂતો પણ આવી જ રહ્યા છે.

‘સરકાર છે કે નહીં?’

જબરો શોટ માર્યો હો તે ચાબુક. જોકે સરકાર તો હોય જ ને….

‘માંડીને વાત કરો ગોવાબાપા આ બધું થયું છે શું ?’

હવે ચાબુક ભારત એ ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતોના કારણે અર્થવ્યવસ્થા ચાલે છે. આવું આપણે ભણી ચૂક્યા છીએ. હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત વધુ કેટલાક રાજ્યોના ખેડૂતો પણ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. એમનો વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કાયદાઓ પર છે. એક કાયદો છે વેપાર અને વાણિજ્ય બિલ. જેમાં ખેડૂતો અને વેપારીઓ બજારની બહાર પણ પાક વેચી શકશે. બીજા નંબર પર કૃષિ કરાર બિલ છે. જેમાં અસંખ્ય વાતો છે જેવી કે, ફર્મ સેવાઓ, જથ્થાબંધ વેપારીઓ, પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવી, ખેડૂતોને વીમો આપવો અને ત્રીજો કાયદો આવશ્યક સંશોધન બિલનો છે. અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાં આવી વસ્તુઓને લિસ્ટમાંથી હટાવી દીધી છે જેના કારણે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળી રહે. સ્પર્ધા થાય.

  • હવે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર વેપાર અને વાણિજ્યનો કાયદો લાવે છે, તો એમએસપીની સિસ્ટમ નહીં રહે ખેડૂતોનું માનવું છે કે જો માર્કેટ બહાર માલ વેચશે તો માર્કેટ જ નહીં રહે.
  • બીજા નંબરના કૃષિ કરાર પર ખેડૂતોનું એવું કહેવું છે કે, આ કાયદાથી ખેડૂતો પોતાની કિંમત નક્કી નહીં કરી શકે. આ કારણે તો મોટી કંપનીઓને ફાયદો થશે.
  • આવશ્યક વસ્તુઓના ત્રીજા બિલ મુદ્દે ખેડૂતોનું એવું કહેવાનું થાય છે કે આમ કરવાથી તો ભલા માણહ કાળાબજારી વધશે.

જોકે ચાબુક સરકાર તો એમ કહી રહી છે કે, આવું કંઈ નહીં થાય, બસ ખેડૂતોને ફાયદો જ થશે. આજે પણ મોટાપાયે વિરોધ થયો. ખેડૂતો તો અગાઉ જ કહી ચૂક્યા હતા કે, 26-27 તારીખે ચલો દિલ્હી. એમાંય પંજાબના ખેડૂત સંગઠનો તો એમ કહી રહ્યા છે કે આ આંદોલનમાં અમારી તરફથી એક લાખથી વધારે ખેડૂતો જોડાશે. તો પછી બીજા રાજ્યોમાંથી કેટલા આવશે ?

હવે દિલ્હીમાં વાહનોની ચેકિંગ થાય છે. પેરામિલિટ્રી ફોર્સ લગાવી દેવામાં આવી છે. 6-7 લેવલ સુધીની બેરિકેડિંગ કરી દેવામાં આવી છે. વોટર કેનન પણ રાખવામાં આવ્યા છે. આજ સવારની જ વાત કરું ચાબુક. સવારે ખેડૂતોએ પંજાબ-હરિયાણા બોર્ડર પર ખુબ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના વિરોધના પગલે કેટલાય રસ્તાઓ બ્લોક રહ્યા. કેટલીય જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા. ખેડૂતોને દિલ્લીમાં આવતા રોકવા માટે તેમના પર પાણીનો મારો પણ કરાયો. વિરોધને રોકવા માટે હવે સરકાર ખેડૂતો સાથે ફરીથી એકવાર વાત કરશે. જોઈએ આ વિષય પર હવે નવા કયા કયા સમાચાર આપણને મળે છે.

કિમ કરન્તુ

હવે ઉતર કોરિયાના માથા ફરેલા શાસક કિમ જોન ઉનના જંગલમાં આગ લાગી ગઈ. આગ કોઈ બીજા ઠેકાણે લાગી હોત તો સારું હતું, પણ આ આગ લાગી તેના મિસાઈલ બેઝના ઠેકાણે.

‘તો ગોવાબાપા?’

હવે શું કેટલાક લોકોને જીવ ગુમાવવો પડે તેવી નોબત આવી ગઈ છે. આગ એવી હતી કે વર્ષો જૂના ઝાડ અને ગત્ત વર્ષે જ લગાવેલા ઝાડ પણ બળીને રાખ થઈ ગયા છે. આગ ગમે એમ કરીને ઠરી જાય આ માટે ઘણા લોકોએ જીવ હોમી દેવા સુધીની મહેનત કરી, પણ આગ કાબુમાં ન આવી. મિસાઈલનું આ સેન્ટર ચીનથી 60 કિલોમીટરના જ અંતર પર છે. જ્યાંથી અંતરીક્ષમાં સેટેલાઈટ મોકલી શકાય. મિસાઈલ પ્રોગ્રામીંગ પણ અહીંથી જ કરવામાં આવે છે. જોકે હવે તો બળી ગ્યું સંધુય. કહેવાયને દુખનો સંગાથી….. મારો કોઈ નથી.

ઢીંગલી સાથે વેવિશાળ

હવે ચાબુક કઝાકિસ્તાનમાં એક યૂરી ટોલોશ્કો નામનો બોડી બિલ્ડર છે. આપણે ગુજરાતીમાં કહીએ કે એ ભાઈ શરીર સૌષ્ઠવ બનાવવાના કામ કરે છે. આ ભાઈએ એક ઢીંગલી હારે લગ્ન કરી લીધા.

‘લ્યો આનો શું ફાયદો ?’

ફાયદો જ છે ને ચાબુક. લગ્ન માટે કન્યા શોધવી ન પડી. કન્યાને પરપોઝ કરવા માટે તેણે કોઈ પેંતરા અજમાવવા ન પડ્યા. છોકરી જોવા ન જવું પડ્યું. કોરોના છે એટલે એ ટેન્શન પણ નહીં કે લગ્નમાં કેટલા મહેમાન આવશે !!! કોઈ મહેમાન રિસાવા વાળું પણ નહીં. કોરોના સમયે આપણે ત્યાં લગ્નમાં આમંત્રણ માટે જેટલા મહેમાન રાખ્યા છે એનાથી વધારે તો રિસાણા હોય. મારા જ લગ્નની વાત કરું. મેં લગ્ન કર્યા ત્યારે એકસાથે 300 લોકો રિસાણા હતા.

‘આટલા બધા કેમ ?’

‘બોલાવી બધાને લીધેલા પણ શિયાળામાં સુવાના ગાદલા ઘટ્યા ને એટલે.’

દેશની સ્થિતિ જુઓ

હવે બંગાળમાં ચૂંટણી ધીમે ધીમે ગરમી પકડી રહી છે ચાબુક. આજે જ મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ વિશે કહ્યું કે, ‘મેં આવા ગૃહમંત્રી કોઈ દિવસ નથી જોયા. એમને દેશ ચલાવવો જોઈએ એના બદલે તેઓ ચૂંટણીમાં પ્રચાર કરવા આવે છે. લોકોના ઘરે ભોજન કરે છે. ફોટો ખેંચાવે છે. દેશની સ્થિતિ જુઓ. અર્થવ્યવસ્થા ક્યાં જઈ પડી છે.’ આનો અર્થ તો એ જ થયો કે અમિતભાઈ બંગાળ આવે છે એ મમતાબેનને નથી ગમતું.

અર્થવ્યવસ્થાથી યાદ આવ્યું ચાબુક પંદર રૂપિયા છુટ્ટા હોય તો આપને…

‘કાં ?’

‘રીક્ષામાં જાવું છે મારી પાસે બાધા છે. ’

‘આ લ્યો, તમે પાછા આપી દેજો હો, આ ત્રીજી વખત લઈ જાવ છો.’

‘એ હાલો તયે મળીએ કાલ.’

(દેશ-વિદેશના સમાચારો વાંચો ગોવાબાપાના હળવાફુલ અંદાજમાં રોજ સાંજે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments