Homeવિશેષકોઈ પણ રાજ્યને ભારતથી અલગ થવાનો અધિકાર નથી : આંબેડકર

કોઈ પણ રાજ્યને ભારતથી અલગ થવાનો અધિકાર નથી : આંબેડકર

અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર વિજેતા ડો.અમર્ત્ય સેનને એક વખત પૂછવામાં આવેલું કે તમને કયા અર્થશાસ્ત્રી પસંદ છે ? એમણે કહેલું કે, આંબેડકર અર્થશાસ્ત્રમાં મારા પિતા છે. આજે ભારતનો બંધારણ દિવસ છે. બંધારણ શક્ય બન્યું તેમાં બધાની મહેનત છે. પણ બાબાસાહેબ ખાસ એટલા માટે યાદ આવે છે કે તે પાવરફુલ રિડર હતા. એમના અંગત પુસ્તકાલયમાં 50,000થી વધારે પુસ્તકો હતા જે બધા તેમણે વાંચેલા. 64 વિષય પર માસ્ટર હોય તેણે આટલું તો વાંચ્યું જ હોય. હિન્દી, પાલી, સંસ્કૃત, મરાઠી, પર્શિયન, ફ્રેન્ચ, અંગ્રેજી, જર્મન અને ગુજરાતી ભાષા પણ તેમને કડકડાટ આવડતી હતી. 21 વર્ષ સુધી તો ફક્ત એમણે વિશ્વના તમામ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. બંધારણ બાબતે એ વાત તો સ્પષ્ટ જ છે કે જેનું રિડીંગ આટલું પાવરફુલ હોય તેને જ ક્યાંથી શું લેવું અને શું મૂકવું તેની ખબર પડે. બંધારણ ઘડવામાં જેટલા પણ લોકો હતા બધા પાવરફુલ વાચક હતા. વાંચો તો વિચાર આવે. વાંચો તો નવું લખી શકો. વાંચો તો ક્યાંથી સંદર્ભ લેવો તેની ખબર પડે. બંધારણ દિવસ પરની આજે સૌથી મોટી શીખ એ મળે છે કે સારું અને કામનું સતત વાંચો. હવે બંધારણ વિશેની કેટલીક વાતો.

રાયજાદાનું સુલેખન

સંવિધાનની જે મૂળ પ્રત હતી તે હાથથી લખાયેલી હતી. એ સમયના પ્રખ્યાત કેલિગ્રાફર પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ તેનું લેખન કાર્ય કર્યું હતું. કેલિગ્રાફી લખવાની આવડત રાયજાદાને તેમની પેઢીઓ તરફથી વારસામાં મળી હતી. તેમના દાદા પણ આ જ કામ કરતા હતા. સંવિધાન ઈટાલીક ફોન્ટમાં લખાયેલું છે. લખાયું ત્યારથી લઈને અંત સુધી તેની કેલિગ્રાફી અર્થાત્ સુલેખનમાં રાયજાદાએ એક પણ ભૂલ નહોતી કરી. રાયજાદાએ તો એ સમયના પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરૂને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, આંબેડકર અને તેમની ટીમે જે બંધારણ તૈયાર કર્યું છે તેના પર કેલિગ્રાફી કરવાનો હું એક પણ પૈસા નહીં લઉં. જોકે હા મારું દરેક પાનાં પર નામ હોવું જોઈએ. છેલ્લા પાના પર તેમનું પોતાનું તેના દાદા સાથે નામ લખવાની પણ તેમણે પરવાનગી માગી. સુલેખન માટે સરકારે સંવિધાન ભવનમાં અલગ જ રૂમ તૈયાર કરાવ્યો હતો. દરેક પાનાંને સુંદર બનાવવાનું કામ રાયજાદા અને શાંતિનિકેતનના કલાકારોએ કર્યું. નંદલાલ બોઝ પણ આ જ ટીમમાં હતા.

હિલીયમ ગેસના શોકેસમાં

આંબેડકર અને તેમની ટીમ દ્વારા તૈયાર કરેલું અને રાયજાદા દ્વારા કેલીગ્રાફી કરેલું બંધારણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું હતું. તેની મૂળ પ્રતો સંસદ ભવનના પુસ્તકાલયમાં રાખવામાં આવી છે. એ કાચ હિલીયમ ગેસથી ભરેલો છે. આ શોકેસને રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને અમેરિકાની ગેટી સંરક્ષણ સંસ્થાન દ્વારા સંયુક્ત રૂપે વિકસિત કરવામાં આવ્યું હતું. જેથી બંધારણની મૂળ પ્રતને કોઈ આંચ ન આવે.

13 કિલો વજન

સંવિધાનની પાંડુલિપી જેના પર લખાય છે એ એક હજાર વર્ષ સુધી સચવાતી સુક્ષ્મજીવી રોધક ચર્મપત્રોની શીટ પર તૈયાર કરવામાં આવી છે. જેનો આકાર 45.7 સેમી × 58.4 સેમી છે. પાંડુલિપી 234 પૃષ્ઠમાં છે. જેનું વજન 13 કિલો છે.

આજના દિવસે જ ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થયો

સંવિધાન સભાના કુલ 11 સત્ર થયા હતા. 11મું સત્ર 14-26 નવેમ્બર સુધી ચાલ્યું હતું. 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાનનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો. એટલે કે આજના જ દિવસે.

સહી લેવામાં આવી

જે સંવિધાન બનીને તૈયાર થયું તેના પર સંવિધાન સભાના 284 સભ્યોએ 24 નવેમ્બર 1949ના રોજ બંધારણના હોલમાં સહી કરી. જેમાં 15 મહિલાઓ પણ સામેલ હતી. મોટાભાગના લોકોએ અંગ્રેજીમાં સહી કરી. કેટલાક લોકોએ હિન્દીમાં હસ્તાક્ષર કર્યા. અબુલ કલામ આઝાદે ઉર્દુમાં સહી કરી હતી.

પૂર્ણ સ્વરાજના દિવસથી અમલી

સંવિધાન બનીને તો 26 નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હતું. પણ તેને લાગુ કરવાની તારીખ 26 જાન્યુઆરી 1950 પસંદ કરવામાં આવી હતી. આ દિવસ એટલા માટે કારણ કે એ જ તારીખના રોજ 1930માં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી.

1000 નકલો છપાઈ

સંવિધાન દહેરાદૂનમાં છપાયું હતું. દહેરાદૂનના સર્વે ઓફ ઈન્ડિયાને આ કામ સોંપવામાં આવ્યું હતું. જેણે તેને છાપવાની કામગીરી પાંચ વર્ષ સુધી કરી અને તેની કુલ એક હજાર નકલો પ્રકાશિત કરવામાં આવી. એ પ્રકાશનની એક નકલ સંસદમાં છે જ્યારે એક નકલ દહેરાદૂનના સર્વે ઓફ ઈન્ડિયા પાસે સુરક્ષિત છે.

254 પેનનો ઉપયોગ કરાયો

સંવિધાનના અંગ્રેજી સંસ્કરણમાં કુલ 1,17,369 શબ્દો છે. જેને લખવામાં કુલ 254 પેનનો ઉપયોગ કરવામાં આવ્યો. ખર્ચ થયો 6.3 કરોડ રૂપિયા.

લેખિત સંવિધાન

આ વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. ધરતી પર હાથથી લખાયેલું સૌથી લાંબુ બંધારણ ભારતનું છે. અંગ્રેજીમાં પણ અને હિન્દીમાં પણ. જે 22 ભાગોમાં વિભાજીત થયેલું છે. 448 આર્ટિકલ અને 12 શેડ્યુલનો તેમાં સમાવેશ થાય છે. 115 અમેડમેન્ટ્સ છે. સંવિધાન બનાવવા માટે 9 ડિસેમ્બર 1946ના રોજ બેઠક મળી હતી. જેને બનાવવા પાછળ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. ડો. રાજેન્દ્રપ્રસાદ સંવિધાન સભાના અધ્યક્ષ હતા અને ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકર આ કમિટીના ચેરમેન હતા.

હૈદરાબાદ સામેલ ન થયું

સંવિધાન સભાના કુલ સભ્યોની સંખ્યા 389 હતી. જેમાંથી 292 બ્રિટીશ પ્રાંતના પ્રતિનિધિ હતા. 4 ચીફ કમિશ્નર ક્ષેત્રના પ્રતિનિધિ અને 93 દેશી રજવાડાના પ્રતિનિધિ. આ સંખ્યા પછીથી ઘટીને 299 થઈ ગઈ. દેશમાં હૈદરાબાદ એકમાત્ર એવો પ્રાંત હતો, જેના પ્રતિનિધિ સંવિધાન સભામાં સામેલ ન થયા.

ભારતીય સંવિધાનના પિતા

ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી અને સંવિધાન સભાની કમિટીના ચેરમેન હતા. એમને ભારતીય સંવિધાનના પિતા કહેવામાં આવે છે.

કઈ કઈ જગ્યાએથી શું શું લીધું ?

ભારતનું સંવિધાન દસ અલગ અલગ દેશોમાંથી લેવામાં આવ્યું છે. જેથી તેને ‘ઉધાર લીધેલી બેગ’ પણ કહેવામાં આવે છે. સંવિધાનનો મૂળ ઢાંચો Government Of India Act 1935 પર આધારિત છે.

  • પંચવર્ષીય યોજનાનો વિચાર સોવિયેત સંઘમાંથી લેવામાં આવ્યો છે.
  • સામાજીક આર્થિક અધિકારનો વિચાર આર્યલેન્ડમાંથી લેવામાં આવ્યો છે.
  • વેપાર અને કોમર્સ ઓસ્ટ્રેલિયાના સંવિધાનમાંથી લેવામાં આવ્યું છે.
  • ભારતીય સંવિધાનમાં કટોકટીનો મુદ્દો જર્મની પાસેથી લેવામાં આવ્યો છે.
  • ભારતમાં જે આધારે સુપ્રીમ કોર્ટ કામ કરે છે તે જાપાનમાંથી લેવામાં આવ્યું છે.
  • ભારતના સંવિધાનની પ્રસ્તાવના Liberty, Equality અને Fraternity શબ્દ ફ્રાંસની ક્રાંતિમાંથી લેવામાં આવ્યા છે.
  • ફેડરલ સિસ્ટમ, સંઘ અને રાજ્યના સંબંધો – સાથે જ સંઘ અને રાજ્યની વચ્ચે શક્તિનું વિભાજન કેનેડાના સંવિધાનમાંથી લેવામાં આવ્યું છે.
  • ભારતીય સંવિધાનની પ્રસ્તાવના અમેરિકી સંવિધાનની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. ભારતના સંવિધાનની પ્રસ્તવાના We The People Of India થી શરૂ થાય છે.

આજના દિવસે આ પણ

બંધારણ જ નહીં પણ 26મી જાન્યુઆરી 1950ના રોજ સારનાથમાં આવેલ સિંહ, અશોકચક્ર, આખલો અને ઘોડાને પણ રાષ્ટ્રીય પ્રતીક તરીકે આ દિવસે જ અપનાવવામાં આવ્યા હતા.

ભારત એક યુનિયન છે

ભારતીય સંવિધાનના પ્રથમ અનુચ્છેદ અનુસાર ભારત તમામ રાજ્યોનો એક સંઘ છે. ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે, ભારત એક સંઘ અર્થાત્ યુનિયન છે. કોઈ પણ રાજ્યને ભારતથી અલગ થવાનો અધિકાર નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments