Homeગામનાં ચોરેસીંદરી બળી પણ વળ ન ગયો, ટ્રમ્પ તો જો આવડા આવડા ગોળા...

સીંદરી બળી પણ વળ ન ગયો, ટ્રમ્પ તો જો આવડા આવડા ગોળા મારે ઈ

હે ચાબુક તે તો સાંભળ્યું જ હશે કે માણસને મુક્ત કરાવવા માટેની અરજીઓ કોર્ટમાં થાય. અર્ણબભાઈ હમણાં એ જ કરે છે. હવે ગરવી ગુજરાતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેનાથી સૌ ચકિત્ત થઈ ગયા છે.

‘શું થયું ગોવાબાપા ?’

તું વચ્ચે ડબકા લેમાં મને મજા ન આવે. હું પ્રથમ ફકરો લખુંને ત્યાં તું શું ? કરીને પૂછી લે. હવે બીજી વખત બોલ્યો ને તો કાન પકડીને મારીશ. ધ્યાન રાખજે. તો ભેંસને છોડાવવાની અરજી થઈ છે ચાબુક. આખી વિગત એવી છે કે, 4 માર્ચની તારીખ હતી. આણંદમાં પોલીસે બોલેરો કાર રોકી અને અંદરથી નીકળી ચાર ભેંસ. પોલીસે ભેંસને છોડાવી એ આશંકાએ કે આ ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી છે.

હવે આખા ગામમાં વાતો થાય છે કે આવું કોઈ દિવસ ગુજરાત કોર્ટે તો કર્યું જ નથી. ભેંસોની મુક્તિ. જગમાલની દુકાને હું હતો ત્યારેય આ વાતો થતી હતી. જગમાલે તો મને કીધું પણ ખરી કે, ‘એક ભેંસને તો શું થ્યું હઈશે ગોવા બાપા?’

એક ભેંસને તો શું થ્યું હશે એમ પૂછવાનું કારણ એ કે હવે ચારમાંથી ત્રણ જ ભેંસે છે. અરજદારના વકિલે તો કોર્ટમાં પણ આ વાત મુકેલી.

હાલો સીધા અમેરિકા

તને તો ખબર ચાબુક કે મને ગુજરાતમાં રહેવું ગમે અને લખવામાંય ગુજરાત હોય તો મજા આવે, પણ આ ટ્રમ્પના કારણે અમેરિકા જવું પડે છે. હવે એ ટ્રમ્પ કહે છે કે, હું વ્હાઈટ હાઉસ છોડવાનો નથી. એમ કંઈ થોડું હાલે. આ કંઈ નાના છોકરાવની રમત છે?

હવે મને અમેરિકન પત્રકારત્વ તો ગમ્યું હો ચાબુક. એક ચેનલે ટ્રમ્પના ભાષણમાં અધવચ્ચેથી જ કટકો મારી દીધો. કટકો મારવાનું કારણ એ હતું કે એ ભરી ભરીને ખોટું બોલતા હતા. આવડા… આવડા… ગોળા મારે હો… માપ બાર્યની વાતો થાય. ટ્વીટર પર તો એમ લખીને બેઠા કે કાઉન્ટીંગ બંધ કરો. એમાં ઓલી ગ્રેટાએ એની જ ટ્વીટ એને જ પકડાવી દીધી અને મજાક કરી લીધી. ગુસ્સા પર કાબુ રાખવાની સલાહ એક ટેણકી આપી ગઈ. કોઈએ સાચું જ કીધું છે ચાબુક તમારા શબ્દો તમારી પાસે ફરી ફરીને આવે.

હવે આ ટ્રમ્પ તો એટલું બધુ ખોટું બોલતા હતાં કે પત્રકારોને થયું કે આનું ખોટું દેખાડવું એના કરતાં તો ન દેખાડવું સારું. માર્યો કટકો. આશા રાખું ભારતના પત્રકારત્વમાં પણ આવું જ થાય. જો ખોટું બોલતા પકડવાની મશીન આવે તો, ચેનલોએ તાત્કાલિક ટીવી સાથે લગાડી દેવાય. જેથી ખોટું બોલે એ ભેગુ ઓટોમેટિક ભાષણ કપાય જાય અને બીજું ચાલુ થઈ જાય.

‘શું હવે ગોવા બાપા ગોળા મારો. તો તો એક પણ નેતાનું ભાષણ ટીવી પર આવે જ નહીં. ખાલી ફલાણી જગ્યાએ ભુવો પડ્યો અને કેનાલમાં ગાબડુ પડ્યું એ જ જોવાનું. પણ ગોવાબાપા ટ્રમ્પ હારે અને તોય વ્હાઈટ હાઉસ ન છોડે તો?’

તો ચાબુક બાયડને નિવેદનમાં કહ્યું જ છે કે, સેનાનો ઉપયોગ કરવામાં આવશે. એમેય કહે છે કે કોર્ટ અને USA કોંગ્રેસ આ વાતનો ઉકેલ લાવશે.

હવે એક સારા સમાચાર આપી દઉં

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશખબર આવી છે. નીતિનભાઈ પટેલે હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 9 લાખ 61 હજારથી વધારે કર્મચારીઓને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. ખાલી કર્મચારીઓ જ નહીં પેન્શનકર્મીઓનો પણ સમાવેશ થાય છે. હવે આમ કરવાથી રાજ્ય સરકાર પર 464 કરોડનો બોજો આવશે. નીતિનભાઈએ તો એમ પણ કહ્યું ચાબુક કે, કોરોનાના કારણે સરકારની આવકમાં ઘટાડો આવ્યો અને ચૂકવાયુ ન હતું. હવે એ ચૂકવણી થશે.

‘ત્યારે ચાલો ગોવાબાપા કોકની તો દિવાળી ફળી ગઈને ?’

પુતિનને પાર્કિન્સન્સ

પાર્કિન્સન્સની બીમારી એટલે ચાબુક હાથ પગુ ધ્રૂજવા લાગે. આ બીમારીના કારણે માણસ અડધો તો સ્થિતપ્રજ્ઞ જ થઈ જાય. આ બીમારી પુતિનને લાગુ થઈ હોવાની વાતો થાય છે. ત્યાંની મીડિયા કહે છે કે, અમે પુતિનના હાથ-પગ ધ્રૂજતા જોયા છે. મને તો એ વાતથી જ આશ્ચર્ય છે ચાબુક કે પુતિન જેવા ખડતલ અને શરીરની તંદુરસ્તી જાળવવામાં અવ્વલ એવા પુતિનને પણ આ બીમારી થઈ. કહેવાય છે કે હવે જાન્યુઆરીમાં તેઓ પોતાનું પદ છોડી દેશે. આ માટે તેની દીકરીઓ અને એમની 37 વર્ષની પ્રેમિકાનું દબાણ પણ કારણભૂત છે. વાતો તો એવી પણ ઉડી રહી છે કે પુતિન જાન્યુઆરીમાં નિવૃત થશે એટલે સંસદમાં એક કાયદો પસાર કરી દેશે. એ કાયદા મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પર કોઈ કેસ હોય તો તે ખારીજ થઈ જાય.

પાછો LRDનો મુદ્દો

હવે બેરોજગારીનું કંઈક થાય તો સારું ચાબુક. વિદ્યાર્થીઓ તૈયારી કરે કે ઈચ્છામૃત્યુ માગે.

‘હે ગોવાબાપા…’

હા બેટા. આ કિસ્સો પાછો એ જગ્યાએ બન્યો છે જેની પાસે એશિયાનો સૌથી મોટો રોપ-વે છે, પણ રોડ સારા નથી. એટલે કે જૂનાગઢ. જોકે હમણાં કાંકરીઓ ને કપચીઓ નાખી રોડની સારવાર થાય છે. પણ રોડ જેટલી જ વિદ્યાર્થીઓના ભાવિની સારવાર પણ જરૂરી છે. આજે કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓ પોસ્ટર સાથે ઉમટી પડ્યા હતા. ને કલેક્ટરને કહ્યું કે, અમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે. એમનું કહેવું છે કે મહિલા અને પુરૂષ ઉમેદવારમાં પુરૂષ ઉમેદવારો સાથે યોગ્ય નથી થઈ રહ્યું. એમનું કહેવું છે કે, રાજકીય પાર્ટીઓ સભાઓ કરે છે, પણ અમને ગાંધીનગર ખાતે ભેગા થવા દેવામાં આવતા નથી. આવું કેમ ? હું તો એ જ કહું ચાબુક કે ભવિષ્યમાં આ છોકરાઓને ન્યાય મળે. અને હા દીકરાવ ઈચ્છામૃત્યુની વાત રહેવા દેજો. હજુ તમારે ઘણું આગળ વધવાનું છે. એટલા આગળ વધો કે ગોવાબાપાને ચાબુકમાં તમારી પોઝિટિવ સ્ટોરી લખવાની આવે. તમારા ખોબલે ને ખોબલે વખાણ કરવાના આવે. અને હા, તમે એકલા નથી. ગોવાબાપા તમારી સાથે જ છે હો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments