Homeગામનાં ચોરેચાબુક સાથે ઓબામાનો આ મોટો સંબંધ સામે આવી ગયો

ચાબુક સાથે ઓબામાનો આ મોટો સંબંધ સામે આવી ગયો

આને કહેવાય ચાબુક બળતામાં ધી હોમવું. હમણાં હમણાં શ્રીમાન બાઈડન ચૂંટણી જીત્યા ત્યારે સોશિયલ મીડિયામાં એવો માહોલ હતો કે જાણે બાઈડન ભારતમાં જીતી ગયા હોય. એમાં આજે મીઠું મરચું ભભરાવવાનું કામ ઓબામાએ કર્યું કહેવાય.

હવે એમણે એમના પુસ્તકમાં રાહુલ ગાંધીની ટીકા કરી છે. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી વિશે કેવા કેવા પ્રકારના વીડિયો ફરે છે એ તો તને ખ્યાલ જ હશે. તેમની બોલવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ વીડિયો ઘુમ્યા રાખે છે.

એમાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એમની ટીકા કરી દીધી. એટલે કેટલી મોટી વાત થઈ ? ઓબામાં એમની ટર્મમાં બંને વખત જીત્યા. ખૂંખાર આતંકી ઓસામાને પણ એમની સરકારના સમયે જ ઠાર માર્યો. આ કારણે તેમની લોકપ્રિયતા વધી ગઈ.

આ વાત આખી સામે કેવી રીતે આવી ચાબુક? એક પુસ્તકથી. ઓબામાએ પોતાના સંભારણા વાગોળ્યા છે. સંભારણાના એ પુસ્તકનું નામ છે અ પ્રોમિસ્ડ લેન્ડ. આ પુસ્તકમાં એમણે રાહુલ ગાંધીની ટીકા કરી છે. લખવામાં આવ્યું છે કે, ‘રાહુલ ગાંધી તો વિદ્યાર્થી જેવા છે. એ કોઈ શિક્ષકને પ્રભાવિત કરવા માટે ગૃહકાર્ય કરીને આવે છે, આમ છતાં એમની વિષય પર પ્રભુત્વ મેળવવાની યોગ્યતામાં ઉણપ વર્તાય છે.’

‘ઓહો ગોવાબાપા આ તો રાહુલ ગાંધીની અમેરિકામાં પણ ટીકા થઈ ગઈ.’

જોકે મનમોહનસિંહના એમણે વખાણ કર્યા છે. એમની ઈમાનદારીની પણ પ્રશંસા કરી છે. આ પુસ્તકના કેટલાક રિવ્યૂ પ્રકાશિત થયા જેમાં આ તમામ વાતો હતી.

આ 17 તારીખે પુસ્તક પ્રકાશિત થશે. જોગાનું જોગ ચાબુકને પણ એ તારીખે જે એક મહિનો પૂર્ણ થાય છે. ખરું કહેવાય. સત્તર તારીખે પ્રકાશિત થાય છે એટલે આપણે પણ એક સારા ચોઘડીયે જ વેબસાઈટ શરૂ કરી. ઓબામાએ પણ આપણી જ તારીખ પસંદ કરી.

ચાબુકનો સ્ટાફ તો પુસ્તકો વાંચીને જ લખે છે. એટલે આપણે પણ બરાક ઓબામાનું પુસ્તક વાંચી ને કેવું છે એ વિશે આપણા વાંચકોને અચૂકથી જણાવીશું. 768 પેજનું આ પુસ્તક છે. ચોક્કસથી વાંચીશું અને તને તો ખબર ચાબુકવાળા ઉધઈ જેવા છે. આખેઆખા પુસ્તકમાં ઘુસી જાય. એ તો નીતનવીન વાતો કાઢશે.

કોરોના તારે શું કરવાનું થાય છે ?

હે ચાબુક તને ખ્યાલ છે અમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. શું એ લોકો કાળજી નહીં રાખતા હોય. દરેક બાબતમાં આગળ એવા અમેરિકનો કોરોનાના કેસમાં પણ કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે. અમેરિકામાં દસ જ દિવસમાં દસ લાખથી વધારે કોરોનાના કેસ નોંધાય છે. એટલે કે એક જ દિવસમાં અમેરિકામાં થયા એક લાખ છત્રીસ હજાર કેસ. ઈટાલી અને હવે ફરી ચીનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે રાહતની વાત એ છે કે રશિયાની રસી સ્પુતનિક વી 92 ટકા કારગત સાબિત થઈ છે. હવે વુહાનીયો વાઈરસ ક્યારે જાય એની જ હું તો રાહ જોઈને બેઠો છું. મને તો ઘરના કહેતા પણ હતા કે, ‘કોરોનામાં ક્યાં તમારે ઓફિસે જાઉં છે? આ ઉંમરે તો રહેવા દો.’

પણ મેં કીધું કે, ‘ઘરડે ઘડપણ હું લોકપ્રિય થયો છું. હવે તો મૂકે એ બીજા.’

‘ગોવા બાપા ગુજરાતની તો કંઈક વાત કરો.’

બેટા ચાબુક ગુજરાતમાં ચૂટણી પૂરી એટલે વાતેય પૂરી. હવે કંઈ નવું નહીં મળે. બધા ‘પોઝિતિવ’ સ્ટોરીઓ કરે છે.

હાલ હવે ભારતીય વીરોને બિરદાવીએ

નફ્ફટ પાકિસ્તાને આજે ફરી ગોળીબાર કર્યો છે. સિઝફાયરનું ઉલ્લંઘન કરતાં આપણા સૈનિકો શહીદ થયા છે. જોકે આપણા સૈનિકોએ પણ વીરતા સાથે વિરોધીઓનો ખૂળદો બોલાવી દીધો હો ચાબુક.

આપણા ચાર જવાનો શહીદ થયા. તો સામે પાકિસ્તાનના ત્રણ જવાનો અને પાંચ કમાન્ડરોને ઠાર કરી દેવામાં આવ્યા. એટલું જ નહીં કુલ બાર પાકિસ્તાની સૈનિકોને ઘાયલ કરી દીધા. શહીદ થયેલા ભારતીય સૈનિકોને ચાબુક પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ. અને તેમની વીરતાને શત શત નમન. હું તો બસ એટલું જ કઉં છું કે તમે છો એટલે અમે સુખી છીએ. તમારું આ ઋણ અમે કોઈ દિવસ ચૂકવી નહીં શકીએ. પ્રભુ આપના આત્માને શાંતિ આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments