Homeવિશેષસુવિધાઓ એવી કે બધું ફટાફટ કામ થઈ જાય અને છતાં તમે વ્યસ્ત...

સુવિધાઓ એવી કે બધું ફટાફટ કામ થઈ જાય અને છતાં તમે વ્યસ્ત રહો છો

જૂનાગઢથી ચિરાગ જાદવ : આપણે ઘણાં લોકોનાં મોઢે સંભાળ્યું હશે કે આ 21મી સદી છે. એક સામાન્ય વાક્ય થઈ ગયું છે. ટેક્નોલોજીનો યુગ છે, ઝડપી યુગ છે. પહેલાંના સમયમાં આવું નહોતું, કંઈ જાણવું હોય કે કોઈ સંદેશ પહોંચાડવાનો હોય તો ઘણો સમય લાગતો.

હકીકતમાં પણ એવું જ હતું. હવે બધું કામ ઝડપી થવા લાગ્યું છે. વિશ્વનાં કોઈપણ ખૂણાની માહિતી એક સેકન્ડમાં ઘર બેઠાં મળી જાય છે. કોઈપણ દેશના સમાચાર પળભરમાં મળી જાય છે. જરૂરી ડોક્યુમેન્ટ મેઈલ દ્વારા પહોંચી જાય છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે બધું આટલું ઝડપથી થવા લાગ્યું છે તેમ છતાં માણસ આટલો વ્યસ્ત કેમ રહે છે?

નહીંતર તો એવું બનવું જોઈએ કે કામ ઝડપથી થાય છે તો વ્યક્તિ વધુ ફ્રી રહેવો જોઈએ. સ્વતંત્ર રહેવો જોઈએ. પણ આવું નથી બનતું. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ બેફામ કરવા લાગ્યા છીએ. 

લોકો મોબાઈલનો એટલો ઉપયોગ કરવા લાગ્યા છે કે તેમને હવે મોબાઈલ વગર ચાલતું નથી. સવારે ઉઠતાંની સાથે જ પહેલાં મોબાઈલ પછી બ્રશ હાથમાં લઈએ છીએ અને સુવાની સાથે જ મોબાઈલ ચાર્જમાં મૂકીને સુવા માટે જઈએ છીએ. આ આપણી દિનચર્યા બની ગઈ છે. મોબાઈલ વાપરવામાં કોઈપણ ઉંમરના વ્યક્તિઓ બાકાત નથી. પછી એ બાળક હોય કે વૃદ્ધ બધાના હાથમાં મોબાઈલ હોય છે.

મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ, મોબાઈલનાં ઘણાં ફાયદાઓ છે, પણ અત્યારે એક ભયાનક કલ્ચર વિકાસ પામ્યું છે એ ચિંતાજનક છે. હવે માતાપિતા બાળકોનાં જન્મદિવસ પર બાળકને મોબાઈલ ગિફ્ટમાં આપે છે. બાળક સાથે એવી ડીલ કરવામાં આવે છે કે ધોરણ 10 કે 12માં 80% આવ્યાં તો મોબાઈલ લઈ આપીશ. અને ડીલ પ્રમાણે ટકા આવ્યાં તો મોબાઈલ પણ ખરીદી આપે છે.

એપ્પલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ એ એમનાં બાળકને 18 વર્ષ સુધી હાથમાં મોબાઈલ નહતો આપ્યો અને આપણે આપણાં બાળકોને 10 કે 12મી વર્ષગાંઠના દિવસે મોબાઈલ ગિફ્ટ આપીએ છીએ. માતા પિતાએ ક્યાંક જોયું હોય કે બાળકને જન્મદિવસ પર મોબાઈલ ગિફ્ટમાં આપવામાં આવે છે તો હું પણ મારા બાળકને મોબાઈલ ગિફ્ટમાં આપું. આ દેખાદેખી તમારાં બાળકનું ભવિષ્ય બરબાદ કરી શકે છે.

આપણે સમાચાર પત્રોમાં વાંચ્યું હશે કે, મોબાઈલનાં વધુ પડતાં ઉપયોગથી બાળકમાં ચીડિયાપણું વધુ જોવા મળે છે. બાળક જલદીથી ડિપ્રેશનમાં આવી જાય છે. બાળક જિદ્દી બનતું જાય છે. બાળક મેદાનની રમતો ભૂલતું જાય છે. મોટા વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તણૂક કરવી બાળકોને એનો ખ્યાલ નથી. બાળકને આપણાં રીતરિવાજો અને આપણી સંસ્કૃતિની જાણકારી નથી.

ઘણાં માતા-પિતા એવા પણ જોયા કે બાળક રડવાનું ચાલું કરે તો બાળકનાં હાથમાં મોબાઈલ આપીને શાંત કરી દેવામાં આવે છે. બાળકને ખવડાવતી વખતે મોબાઈલમાં વીડિયો ચાલું રાખવો પડે છે. બાળકને હોમવર્ક કરાવતી વખતે પણ કહેવું પડે છે કે લેસન થઈ જાય પછી તને મોબાઈલમાં ગેમ રમવા કે વીડિયો જોવા મળશે. ત્યારબાદ જ બાળક હોમવર્ક કરવાં બેસે છે.

ઘણાં કિસ્સા તો એવાં પણ જોયા કે જેમાં બાળક જન્મતાની સાથે જ એમના નામનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખુલી જાય છે. માતા-પિતાને સોશિયલ મીડિયામાં અકાઉન્ટ ખોલવાની ઉતાવળ હોય છે, પણ ક્યારેય એ બાળકના બેન્ક અકાઉન્ટ ખોલીને એનાં નામના રૂપિયા જમા કરાવવાની ઉતાવળ ક્યારેય નહીં હોય.

બાળકો પણ એટલાં સ્માર્ટ થઈ ગયા છે કે મોબાઈલના બધા ફિચર્સની જાણકારી એમની પાસે હોય છે. ઘણાં એવાં પણ બાળકો જોયા કે જેમને બોલતા નથી આવડતું પણ મોબાઈલ ચલાવતાં આવડે છે. માતા-પિતા પણ એમાં ગર્વ મહેસુસ કરતાં હોય છે કે મારા બાળકને મોબાઈલમાં બધું જ આવડે છે.

ક્યાં સુધી આપણે આપણી જવાબદારીથી ભાગતા રહીશું? બાળકોને સાચવવાની જગ્યાએ આપણે એને સાચવવાની શોટકર્ટ શોધી લેતાં હોઈએ છીએ. સમજી શકાય કે આખો દિવસ કામકાજ કરીને થાકી ગયા હોઈએ, પણ આપણે આપણા બાળકને પણ સમય આપવો જોઈએ.

તમે છેલ્લે ક્યારે તમારાં બાળક સાથે ધૂળમાં રમ્યા? છેલ્લે તમે ક્યારે તમારાં બાળક સાથે સંતાકુકડી, પકડ દાવ રમ્યા? છેલ્લે તમે ક્યારે તમારા બાળકને તમારી પીઠ પર બેસાડી ને ઘોડો ઘોડો રમ્યા? છેલ્લે ક્યારે તમે તમારા બાળકને તમારાં પગ પર ઉભું રાખીને હીંચકાવ્યું? તમે છેલ્લે ક્યારે તમારાં બાળકને આકાશમાં ઉછાળીને એ બાળકને હસતો જોયો? છેલ્લે ક્યારે તમે બાળકની આંગળી પકડીને કોઈ મંદિરે દર્શન કરવા લઈ ગયા? આ સવાલો તમારી જાતને કયારેય પૂછ્યા? બાળકને તમારો ટાઈમ આપશો તો બાળકને મોબાઈલની જરૂર ક્યારેય નહીં પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments