‘તો કાલ દિવાળી કેવીક રહી ગોવાબાપા?’
સારી રહી બેટા. ના પાડવા છતાં ધડીંગ…. ધડીંગ… ધડીંગ થતા હતા. ધુમાડો ધુમાડો કરી નાખ્યો હતો. મને તો રાતના કંઈ દેખાતું જ ન હતું. અમારા પાડોશમાં રહેતા ધનજીના ગગલાએ તો જબરી કરેલી. સુતડી બોમ્બ સળગાવી માથે તગારું ઢાંકી દીધું. એને એમ કે બોમ્બ અંદર જ ગૂંગળાય જાશે.
ધડાંગ થયું અને તગારું ઉડ્યું. હું હજુ બીડી સળગાવું ત્યાં તો મારા આંગણામાં પડ્યું. ભેંસ ભડકી ગઈ અને મારા ખાટલાને પાટુ માર્યું. એ ભેગો હુંય ગડથોલીયું ખાઈ ગ્યો. આ જો કઈડમાં હજુ દુ:ખે છે.
એ જ રાતે મેં ગગલાને પકડ્યો પણ ખરો. ગગલો કહે, એ હું નહોતો. એ તો સુતડી બોમ્બ હતો. મેં તો ખાલી તેને સળગાવવાનું કામ કર્યું હતું. જોયું ચાબુક આજકાલના છોકરા પણ રાજકારણીઓ જેવા ઉત્તર આપવા માંડ્યા છે. ખબર નહીં આ ફેસબુક પેઢી આગળ ક્યાં જઈ પહોંચશે ?
બિહારમાં ઉપ-મુખ્યમંત્રી કોણ ?
હવે રાજકારણની જ વાતો થાય છે તો જઈએ સીધા નીતિશ કુમારના બિહારમાં. આવતી કાલે નવા વર્ષના શુભ અવસર પર તેઓ મુખ્યમંત્રી પદ માટે શપથ લેવાના છે. જોકે એમના મુખ્યમંત્રી પદ કરતા નાયબ મુખ્યપ્રધાન કોણ હશે એ વાતે આખા ભારતમાં ચર્ચા જગાવી છે.
ચર્ચા જગાવે જ ને ચાબુક. તહેવારોમાં પત્રકારો પાસે શું હોય ? કંઈ નહીં. રહી રહીને આ મુદ્દો મળ્યો એટલે સમીકરણ એવું રચાયું કે, આ વખતે ભાજપમાં ઉપમુખ્યમંત્રી પદના દાવેદાર સુશીલ મોદી નથી.
‘ઓહો તો કોણ છે ?’
એવી વાતો સંભળાય છે કે એમને કેન્દ્રમાં મોકલવામાં આવશે જ્યારે અહીં તારાકિશોરજીનો તારો ચમકી જશે. સુશીલ મોદીએ ટ્વીટ કરી આ મુદ્દાને છંછેડ્યો છે. તું પણ વાંચી લે ટ્વીટ એટલે ખ્યાલ આવે.
भाजपा एवं संघ परिवार ने मुझे ४० वर्षों के राजनीतिक जीवन में इतना दिया की शायद किसी दूसरे को नहीं मिला होगा।आगे भी जो ज़िम्मेवारी मिलेगी उसका निर्वहन करूँगा।कार्यकर्ता का पद तो कोई छीन नहीं सकता।
— Sushil Kumar Modi (@SushilModi) November 15, 2020
नोनिया समाज से आने वाली बेतिया से चौथी बार विधायक श्रीमति रेणु देवी के भाजपा विधान मण्डल दल के उप नेता सर्वसम्मति से चुने जाने पर हार्दिक बधाई!
— Sushil Kumar Modi (@SushilModi) November 15, 2020
तारकिशोरजी को भाजपा विधानमंडल का नेता सर्वसम्मति से चुने जाने पर कोटिशः बधाई !
— Sushil Kumar Modi (@SushilModi) November 15, 2020
‘રાજ્યસભામાં જગ્યા ખાલી છે ?’
હમણાં જ રાજ્યસભાના સાંસદ એવા રામવિલાસભાઈ પાસવાનનું નિધન થયું. હવે એમની જગ્યા પૂરી શકે તેવો ખડતલ માટી જોઈએ. એટલે બિહારમાંથી જ ભાજપ સુશીલ મોદીને લાવવાના હોવાની અટકળો વહેતી થઈ છે. આ વચ્ચે વાત તો એવી થાય છે ચાબુક કે હજુ સુધી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીએ આ વાત પર મહોર નથી મારી.
એક બીજું સમીકરણ તો એ પણ જોવા મળી રહ્યું છે કે, પાર્ટીની અંદરના જ નેતાઓ સુશીલ મોદીને ઉપમુખ્યમંત્રી પદ પર આરૂઢ થતાં જોવા માગતા નથી. આવી સ્થિતિમાં હવે ભાજપ માટે એકના વિનાની બે થાય એના કરતાં એમને રામવિલાસની જગ્યા જ આપી દે તો બધુ સચવાય જાય. તો આ હતો આજનો બિહારનો ફટાકીયો.
ભેંસ ભગાવી
આજે જલજીરો સવારમાં લુડો ફિલ્મ વિશે લખતો હતો. એ ફિલ્મનો એક સંવાદ એણે મને કીધો કે, ‘ન્યૂઝીલેન્ડમાં ગાયના નામે ખાલી દૂધ મળે, પણ ભારતમાં ગાયના નામે દૂધ અને મત બંને મળે.’
‘જોરદાર ડાઈલોગ છે. મારેય જોવી જોશે લુડો ફિલ્મ.’
તું પહેલા મારી વાત સાંભળ. આજે વાત ગાયની નથી થતી. વાત ભેંસની થાય છે. ઉત્તરપ્રદેશના બાગપતમાં ચાર-પાંચ નબીરાઓએ ભેંસની રેસ લગાવી. ટ્રાફિક પોલીસ એકબીજાનું ડાચુ જોતી રહી ગઈ અને આ લોકો અફરાતફરી મચાવતા રેસ કરતા હતા. એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો અને પ્રશાસને તુરંત કીધું કડકમાં કડક કાર્યવાહી કરવાં આવે.
‘કોના? ભેંસ વિરૂદ્ધ ?’
અરે ભેંસ વિરૂદ્ધ નહીં પણ ભેંસને જે લોકો ભરબજારે દોડાવતા હતા એમના વિરૂદ્ધ. દિવાળીના ફટાકડા ફૂટતા હશે એમાં ભેંસને પણ કિમ જોંગ ઉનના દેશમાં આવી ગયાનો અહેસાસ થતો હશે. એ પણ મારંમાર જાય હો. તું પણ જો વીડિયો.
મધ્યપ્રદેશમાં મગરમચ્છ
આવું જ પાછું મધ્યપ્રદેશના દામોહમાં થયું. અહીં ભુલથી એક મગર આવ્યો તો ગામના લોકોએ એને પૂંછડી પકડીને ખેંચ્યો. મગરને પણ થયું ચાબુક કે ખોટા વિસ્તારમાં ભરાઈ ગયો છું. એણે ભાગવાની ખૂબ કોશિશ કરી પણ એમ ભગાતું થોડું હશે.
‘પૂંછડી કાં પકડતા હતાં?’
હતું એવું ચાબુક કે મગરમચ્છને પકડવા માટે એમણે વનવિભાગને જાણ કરી હતી. સમયસર વનવિભાગની ટીમ પહોંચી નહીં. વનવિભાગની ટીમ ન પહોંચી તો ગામના લોકોએ નક્કી કર્યું કે, ચાલો મગરમચ્છ સાથે મોજ કરીએ.
‘હા મોજ હા…’
આમાં મોજ ન હોય ચાબુક ખાઈ જાય.
100 નંબર ડાયલ કર્યો છતાં ટીમ ન આવી એટલે ગામના લોકોએ નક્કી કર્યું કે આને હવે આપણે જ બાંધવી પડશે. એટલામાં વનવિભાગની ટીમ આવી ગઈ. એમણે જોયું તો મગર મોટી. કરવું શું ? પૂંછડી પકડનારા આગળ આવ્યા અને વન વિભાગની મદદ કરતા એમણે પણ મગરને બાંધવામાં સહિયારો ફાળો આપ્યો.
‘હવે તો મોટાભાગનું કામ જનતા જ પતાવી નાખે છે ગોવાબાપા. મગર પકડવાનું બાકી હતું, તો એ પણ મધ્યપ્રદેશના લોકોએ વનવિભાગની ટીમ સાથે મળીને કરી નાખ્યું.’
(ગોવાબાપાની અનુભવી કલમે લખાયેલા હળવાફુલ સમાચારો વાંચો રોજ સાંજે)