આ દુનિયાના 80 ટકા યુવાઓની સમસ્યા એ રહી છે કે પ્રેમ થઈ ગયા બાદ હું તને પ્રેમ કરું છું એ છોકરીને કઈ રીતે કહેવું ? એ છોકરી માટે લાયક ઉમેદવાર અને બાદમાં મૂરતિયો કેવી રીતે બનવું ? સિત્તેર ટકા છોકરાઓ પોતાના સ્વપ્નની દુનિયામાં પ્રેમ કરી લઈ પ્રેમનો અંત આણી દેતા હોય છે. એ ત્યાં જ હિરો બની જાય છે અને છોકરીના પિતાને જોયા ન હોવા છતાં તેની આકૃતિ મનમાં મઢી પ્રેમની સમસ્યાના કાટાળા માર્ગમાંથી અથાણાના તેલ જેવો લીસો રસ્તો કરી લેતા હોય છે. વાસ્તવમાં આવા છોકરાઓ સામે છોકરી આવે ત્યારે ભર જુવાનીએ આંખ અને જીભ બંન્નેમાં મોતિયાની બિમારી પેસારો કરી જાય છે. કંઈક આવી બિમારીમાંથી આપણી આજની ફિલ્મ છોટી સી બાતનો હિરો ગોથા ખાઈ રહ્યો છે. ફિલ્મની વાત કરતા પહેલા તેના ડાયરેક્ટરની અસીમ પ્રતિભા વિશે વાત કરી લઈએ.
સિનેમા ક્ષેત્રે બાસુ ચેટર્જીએ કોમન મેન માટે કહી શકાય તેવી દુર્લભ ફિલ્મો આપી છે. રજનીગંધા, ચીતચોર, ખટ્ટા મીઠા, બાતો બાતો મેં, મનપસંદ સહિત એટલી મન લુભાવતી ફિલ્મો આપી કે પાનાનાં પાના ભરાઈ જાય. એક કોમન મેનની શું ઈચ્છા હોય છે અને કોઈ એવી ઘટના બને જેની તેને અપેક્ષા ન હોય ત્યારે કેવી સ્થિતિ ઉતપન્ન થાય તે હિન્દી સિનેમામાં બાસુ ચેટર્જીની ફિલ્મોએ શીખવાડ્યું. બાસુ ચેટર્જીની ફિલ્મો ટાઈમલેસ ક્લાસિક એટલા માટે છે કારણ કે કોમન મેનની સમસ્યા બદલતી નથી. તે ત્યારે પણ એવી જ હતી અત્યારે પણ એવી જ છે.
તેમની સુપરહિટ ફિલ્મોમાંની એક યાદગાર ફિલ્મ એટલે છોટી સી બાત. બાસુ ચેટર્જીએ આ ફિલ્મમાં પણ પોતાના પ્રિય અભિનેતા જેને બે લોકો વચ્ચે ઉભા રાખવામાં આવે તો સુપરસ્ટાર તરીકેનો કોઈ ગુણ પ્રતિપાદિત ન થાય તેવા અમોલ પાલેકરને પ્રેઝન્ટ કર્યા હતા.
છોટી સી બાતની સ્ટોરી કેટલી નાની છે ? એક વ્યક્તિને પ્રેમ થઈ ગયો છે પણ તે કહી નથી શકતો. આવા સમયે તેની અવસ્થા કેવી હોય તેનું ડિટ્ટો નિરૂપણ બાસુ ચેટર્જીએ પોતાની ફિલ્મમાં કર્યું છે. હિરોના ચહેરાની અંદર શરમ નામનું તત્વ અફાટ રણની માફક પરિવહન કરી રહ્યું છે. નાયક સામે નાયિકાની એવી ઈચ્છા છે કે હિરો પ્રેમનો ઈઝહાર કરે, પણ હિરો તો શરમત્વને ચહેરા પર આસીન કરી બેઠો છે. આવા નાયકની વાર્તા કેવી હોય તો કે…
કહાની
ફિલ્મનો નાયક છે અરૂણ પ્રદીપ. જે મુંબઈમાં એક સામાન્ય ઝિંદગી જીવે છે. કંપનીમાં કામ કરે છે. કામમાં ધ્યાન આપે છે જેના કારણે તેનું હાલમાં જ પ્રમોશન થઈ ગયું છે. કંપની પ્રેમની પરંપરામાં માનનારી છે. કંપનીના માલિકને પણ એક સમયે પ્રેમ થયો હતો અને કંપનીના કર્મચારીઓને પણ પ્રેમ થયા હતા. જે સંજોગાવશાત સફળ નિવડ્યા અને લગ્નના માંડવે પહોંચ્યા. હવે અરૂણનો વારો છે. અરૂણને પ્રેમ થઈ ગયો છે બસ સ્ટોપ પર ઉભી રહેતી છોકરી પ્રભા સાથે. અરૂણની ઈચ્છા પ્રભાને ફટાફટ આઈ લવ યુ કહી દેવાની છે, પણ તે જેવું કહેવા જાય છે કોઈને કોઈ મુસીબત આવી જ જાય છે. જેમાંની એક મુસીબત એટલે નાગેશ શાશ્ત્રી. જેને પણ પ્રભા પસંદ છે. શરમાયેલો અરૂણ તમામ પ્રકારના દોરા ધાગાનો ઉપયોગ કરે છે પણ કંઈ વાત બનતી નથી. આથી છેલ્લે નગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંહ પાસે જાય છે. જે અરૂણને પ્રેમની ટીપ્સ આપે છે. એક રીતે તે લવ ગુરૂ છે. અરૂણ પણ તેમના નક્શેકદમ પર ચાલે છે. બધું બરાબર હોય છે ત્યાં એક સમસ્યા સર્જાય છે અને નાયક તે સમસ્યાને પોતાની રીતે પાર પાડી ફિલ્મનો સુખદ અંત લાવે છે.
અદભુત ડાયરેક્શન
બાસુ ચેટર્જીએ ડાયરેક્ટ કરેલી આ કોમન સ્ટોરી છે. દરેક યુવાનને દરેક યુવતી સાથે પ્રેમ થઈ જાય અને પછી કોઈ લવગુરૂની એન્ટ્રી થાય, જે લવસ્ટોરી નામની હોડીને કિનારે લઈ જાય. ફિલ્મમાં વારંવાર એક જ બસનો ઉપયોગ કર્યો છે. દેખીતુ છે લો બજેટની આર્ટ ફિલ્મ જેમાં રૂપિયા પણ હેમા માલિનીની માતા જયાએ રોક્યા હોય તેની પાસેથી વધારે અપેક્ષા શું રાખવી ? પણ બોમ્બેને કચકડે મઢનારા કે.કે મહાજનનો કેમેરો જેટલી જગ્યાએ ઘુમ્યો તે જગ્યા અત્યારે ત્યાં હશે કે નહીં તે પણ રિસર્ચનો સબ્જેક્ટ બની જાય છે.
બાસુ ચેટર્જીને આ આઈડિઆ 1960ની ફિલ્મ સ્કૂલ ફોર સ્કોન્ડ્રેલ્સમાંથી આવ્યો હતો. અને સ્કૂલ ફોર સ્કોન્ડ્રેલ્સને આ આઈડિયા સ્ટીફન પોર્ટરની સેલ્ફ હેલ્પ કરતી બુક ગેમ્સમેનશિપ પરથી આવ્યો હતો. આપણે ત્યાં જ નહીં, વિશ્વભરમાં જીવનથી થાકી હારી ગયેલા લોકોની સુશ્રુષા કરતા આવા અઢળક પુસ્તકો માર્કેટમાં દર વર્ષે આવે છે. મૂળ તેમનું કામ પૈસા કમાવવાનું છે. લોકોની નિષ્ફળતાને સફળતામાં પલટાવવાના નવા કિમીયા આપી તે કમાણી પણ કરે છે.
ખુદ નાગેશ બનતા અસરાણીને એ વાતનો ખ્યાલ આવી જાય છે કે નગેન્દ્રનાથ આખરે આવા આઈડિઆ લાવે છે ક્યાંથી ! પણ વાચી લેવાથી કંઈ જીનિયસ નથી બની જવાતું, તેને એપ્લાઈ કરવા માટે સારા વક્તા તરીકેની ટેલેન્ટ પણ હોવી જોઈએ. જે અશોક કુમારના કેરેક્ટરમાંથી બખુબી શીખવા મળે છે.
અસરાનીના નાગેશ નામના પાત્રને અરૂણનો રાઈવલ બતાવવામાં આવ્યો છે, પણ અસરાનીના અભિનયથી એ સિદ્ધ નથી થતું. તે પ્રભાનો પ્રેમી કમ મિત્ર વધારે લાગે છે. છેલ્લે છેલ્લે થોડી આશા જાગે છે પણ ત્યાં સુધીમાં તો ફિલ્મ આટોપાઈ ચૂકી હોય છે.
નગેન્દ્રનાથના કિરદારમાં અશોક કુમાર ઈઝ ટુ બ્રિલિયન્ટ. 70ની ઉંમરે પહોંચેલા અભિનેતાના અભિનયમાં પણ તમને રોમેન્ટીસિઝમના દર્શન થાય તો અભિનય સિદ્ધ થયો કહેવાય. કદાચ અશોક કુમાર એટલે જ હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક હતા. તેમની પાસે ધર્મેન્દ્ર જેવો લુક અને અમિતાભ જેવી હાઈટ નહોતી પણ તેમની અભિનયની ઉંચાઈ આ બંન્ને સ્ટાર કરતા અલગ દિશામાં ફંટાતી હતી.
દોઢ કલાકની જ ફિલ્મ હોવા છતાં ફિલ્મ જૂની છે કહી ન જોવાના બહાના નહીં કાઢી શકો. ફિલ્મમાં ઈમોશન્સની સાથે જ્યારે જુદાઈ આવે ત્યારે હિરોઈન કેવી રીતે હિરોની યાદમાં લેડી કબીર સિંહ બની ચૂકી છે તે નજાને ક્યૂં હોતા હૈ ગીતમાં દેખાશે. એક્ટ્રેસ તરીકે વિદ્યા સિંહા કંઈ એટલી ગોર્જીયસ નથી. એવું ફિલ પણ થાય કે હિરો શા માટે એવી હિરોઈનના પ્રેમમાં ગળાડૂબ છે જે કોઈ એન્ગલથી રૂપનો કટકો તો દેખાતી નથી. જો કે એ પ્રેમ કેવો છે તે તો પ્રેમીની નજરથી જોઈએ તો ખ્યાલ આવે.
અરૂણના કિરદારમાં અમોલ પાલેકરે આગ લગાવી દીધી હતી. તાજા પ્રેમમાં પડેલા જુવાનિયાની મનોવૈજ્ઞાનિક હાલત જાણવી હોય તો અમોલ પાલેકરને જોઈ લેવાનો. પ્રેમમાં પ્રથમ વખત જે પડે એ અરૂણ જેવો જ હોય.
હિરોની હિરોઈન સામે હિરોગીરી કરવાની પ્રેક્ટિસથી લઈને હિરોનું છેતરાવું, પછી સામે વાળાને છેતરવું, આ બધું તો પાર્ટ ઓફ ફિલ્મ છે. જેથી ફિલ્મ દોડે. પણ કોઈ પ્રકારની વલ્ગારીટીનો ઉપયોગ કર્યા વિના, હાસ્ય અને પ્રેમ વાસ્તવમાં જેવો હોય તેવો જ દર્શાવવો એ બાસુ ચેટર્જીની ફિલ્મોમાંથી શીખ્યા જેવું છે. હેપ્પી બર્થડે વિદ્યા સિંહાજી (15 November 1947 To 15 August 2019)