ગોવાબાપા : હે ચાબુક હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ આ અઠવાડિયે ચીણ જવાની છે. આ ટીમ ત્યાં જઈને કોરોના વાઈરસ ખાટલામાંથી બેઠો કેમ થ્યો એની તપાસ કરશે. વાઈરસથી વિશ્વભરમાં 20 લાખ કરતા વધારે લોકો મોતની ચાદર ઓઢી ગયા છે. અને મોતની ચાદર પાછળ ચામાચીડિયાવનો જ હાથ છે કે ચીણે ખાલી હા મોજ હા કરવા જ સલવાડી દીધા.
હવે ચીણના કારણે જે બ્રિટન દેશના પ્રધાનમંત્રીના માથા માથેથી કારણ વિનાના વાળ ખરી પડ્યા છે. બોરીસ જ્હોન્સને ચીણને જે જે કીધું એનાથી એને પેટમાં દુખવા લાગ્યું છે. કોરોના થાય અને શરીર તૂટે ને ચાબુક એના કરતાંય વધારે દુખવા લાગ્યું છે. હું તો કઉં ન્યાં બાયું એમ નહીં કરતી હોય ને, ‘મારો રોયો જોણસણ??? ઈને ત્રીજી સ્ત્રેઈનનો કોરોના થાય.’
વાત કંઈક એવી છે ચાબુક કે બોરીસ જ્હોન્સનથી હવે રેવાતું નથી. બીજી સ્ટ્રેનનો કોરોનાય બ્રિટનમાં બઘડાટીયુ બોલાવે છે જેના કારણે પાછું લોકડાઉન કરી દેવાની ફરજ પડી છે. સાવ આવી સ્થિતિ હોય તો પછી મૌન કેટલીક વખત રહેવું ? બોરીસ જ્હોન્સને કીધું કે, ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાઈરસનું કારણ ચીનમાં તેમની પારંપરિક દવાઓ માટેનું ગાંડપણ છે. પેંગોલિન જેવા પ્રાણીઓને ગળચી ગળચીને શારીરિક તાકત વધારે છે. આ આખી વાત ચાબુક બોરીસભાઈએ વિશ્વભરના નેતાઓને વન પ્લેનેટ નામના આંતરાષ્ટ્રીય કાર્યક્રમમાં સંબોધન કરતા કહી હતી.
ન્યાં બોરીસભાઈ મણ એકનો નિ:સાસો ખાઈને બોલ્યા કે, કોરોના વાઈરસ એ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે થયેલા અસંતુલનનું પરિણામ છે. એ ચામાચીડિયામાંથી આવ્યું કે પેંગોલિનમાંથી અમને ખબર નથી. પણ પેંગોલિનનો ઉપયોગ માણસોની તાકત અને યૌનશક્તિ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.
ખુશીના સમાચાર
હવે એક ખુશીના સમાચાર એ છે ચાબુક કે કોરોના વેક્સિન દેશના 16 શહેરોમાં પહોંચી ગઈ છે. 16 જાન્યુઆરીથી દેશમાં કોરોનાની ટીકાવિધિ શરૂ થઈ જશે. વાત કંઈક એવી છે ચાબુક કે ભારત બાયોટેકે 16.5 લાખ કોરોનાની વેક્સિનનું તો ખાલી દાન કરી દીધું છે. એક બાજુ ભારત સરકારે 55 લાખ કોરોના વેક્સિનના ડોઝનો ઓર્ડર કર્યો હતો. એમાં 16.5 લાખ એમનેમ આપી દીધી. આને કહેવાય ખરી મોજ.
દુકાન બંધ કરો
દેશમાં એક બાજુ તો કોરોનાની સ્થિતિ કાબુમાં આવી જ જાહે એનો મને ગળા સુધી વિશ્વાસ છે, પણ આ અટાણ સુધી બર્ડ ફ્લૂ સાટુ કંઈ નથી કર્યું એટલે મગજમાં ગીદીગીદી થાય છે. સમાચાર છે દિલ્હીથી. બર્ડ ફ્લૂની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખતા ઉત્તર અને દક્ષિણ દિલ્હી નગર નિગમે દુકાનો અને રેસ્ટોરન્ટમાં ચિકન વેચવા અને રાખવા પર પણ તાત્કાલિક પ્રભાવથી રોક લગાવી દીધી છે.
નગર નિગમે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો પોલ્ટ્રી ઉત્પાદન અથવા તો ઈંડા ન પીરસે ન વેચે અન્યથા કાર્યવાહી થશે. આદેશ થયા પછી તો ઉત્તર અને દક્ષિણ નગર નિગમે હડિયાપાટી આદરી દીધી. તમામ માંસની દુકાનો, જીવિત કે મૃત મુરઘીઓની દુકાન પર પ્રતિબંધ લાદી દીધો. અને કહ્યું છે કે આ આદેશ તો જનહિતમાં જાહેર કરવામાં આવ્યો છે. અને તેનું પાલન ચોક્કસથી કરવું જોઈએ. કહી દઉં ચાબુક કે આ સોમવારે કાગડા અને બતકમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી પછી દિલ્હી સરકારે પત્રકારો લખે કે ‘ચિકન’ છૂટ્યા પછી ‘દુકાને’ તાળા – એ પહેલા જ મુરઘી વેચવાનું બંધ કરાવી દીધું.
‘હે ગોવાબાપા બર્ડ ફ્લૂમાં ચીકન ખવાઈ કે નહીં ?’
છે એવું ચાબુક કે મોટાભાગના લોકો નોનવેજમાં ચિકન ખાઈ છે. તો WHOની માર્ગદર્શિકા પ્રમાણે મુરઘી કે ઈંડા બરાબર ધોઈ નાખવા. હાથ પણ બરાબર ધોઈ નાખવા. જે રીતે કોરોનામાં ધોતા હતા. એ પછી ચિકનનું માંસ બરાબર પકાવી નાખવું. ઈંડાને ઉકાળીને જ ખાવા. એવું કહેવામાં આવ્યું છે કે બર્ડ ફ્લૂનો વાઈરસ જો કોઈ વસ્તુમાં છે અને એ વસ્તુને 30 મિનિટ સુધી 70 ડિગ્રી તાપમાનમાં પકાવીએ તો વાઈરસનો નાશ થઈ જાય છે.
બર્ડ ફ્લૂ થાય કેમ ગોવાબાપા ?
- બીમાર, મરેલા કે સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં મનુષ્ય આવે તો બર્ડ ફ્લૂની અસર થાય છે.
- પક્ષીઓના નાકમાંથી નીકળનારો પ્રવાહી પદાર્થ, એની ચરક અને ઈંડામાં વાઈરસ હોય છે.
- જ્યારે કોઈ સંક્રમિત કે મરેલા પશુઓને અડકે છે તો વાઈરસ હાથ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે.
- જો કોઈ બીમાર પક્ષીને અથવા તો તેના ઈંડાને પકાવ્યા વિના પેટમાં પધરાવી જાય તો એનાથી પણ વાઈરસ શરીરમાં પ્રવેશે છે.
- બર્ડ ફ્લૂ એક બીમાર માણસમાંથી બીજા બીમાર માણસમાં ફેલાવાની શક્યતા પણ ખરી છે. પણ એ ખૂબ જ ઓછું થાય છે. તેની સંભાવના ખૂબ જ ઓછી છે. મોટાભાગે એ પક્ષીઓમાંથી જ માણસોમાં આવે છે.
તમને શું શું થાય એ પણ કહી દઉં
- ખૂબ તાવ આવે. ઉધરસ, ગળામાં દુખે
- આંઈખુ લાલ થઈ જાય. ઉલ્ટી થાય, છાતીમાં દુખે, પેટમાંય દુખે.
- બીમારી વધે તો શ્વાસ લેવામાં તકલીફ થાય.
- ચેપ મગજ સુધી પણ પહોંચી શકે જેમાં દરદી બેભાન થઈ જાય.
‘તે ગોવાબાપા આની કોરોનાની જેમ વેક્સિન નથી ?’
બર્ડ ફ્લૂની પણ વેક્સિન છે ચાબુક પણ એ જેને થાય એને જ દેવાની હોય. લાગટ સંધાય ને કોરોના વેક્સિનની જેમ ન દેવાની હોય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત