Homeગામનાં ચોરેવેક્સિન અને બજેટ બંનેની તારીખ આવી ગઈ

વેક્સિન અને બજેટ બંનેની તારીખ આવી ગઈ

ગોવાબાપા : હે ચાબુક હવે કોરોના વેક્સિનની તારીખ આવી ગઈ છે. અનુમાન કરવામાં આવે છે કે દેશમાં 13 અને 14 જાન્યુઆરીના રોજ વેક્સિનેશનનો કાર્યક્રમ શરુ થઈ શકે છે. આ વાતની પત્રકારોને માહિતી આપતા સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સરકાર દસ દિવસની અંદર જ કોરોના વેક્સિનને રોલઆઉટ કરવા માટે તૈયાર છે. હવે કોરોના વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે તો બસ દસ દિવસની અંદર અંદર જ રસીકરણ કાર્યક્રમ શરૂ થશે.

આ રવિવારે જ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડની વેક્સિન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી આપી દીધી હતી. એ પછી બધા કાગડોળે રાહ જોતા હતા કે મને ક્યારે વેક્સિન મળે ? હવે તને તો ખબર જ છે ચાબુક. મેં જ સમાચાર આપ્યા હતા કે 3 કરોડ લોકોને પ્રથમ કોરોના વેક્સિનની આપવામાં આવશે. એટલે કે ફ્રન્ટલાઈન વોરિયરને પહેલા આપવામાં આવશે. એ પછી 50 વર્ષના લોકો એટલે એમાં હું આવી જાઉં અને એ પછી તમારા જેવા જુવાનિયાવને.

બોરિસ નહીં આવે

હવે કોરોના અને વેક્સિનથી સીધા આવીએ ચાબુક ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પાસે. એમને ત્યાં તો કોરોના જવાનું નામ જ નથી લેતો. એક ગયો તો નવો આવ્યો. હવે જનરલ નોલેજમાં કામ આવે એવી માહિતી આપી દઉં ચાબુક. બોરિસ જોનસન ભારતમાં આ વખતે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હતા. હવે રોયટર્સે જણાવ્યું છે કે, કોરોનાની નવી સ્ટ્રેનના કારણે તેમણે ભારતની પોતાની મુલાકાત રદ કરી દીધી છે. અને આ ઉપર એમણે ચિંતા પણ વ્યક્ત કરી છે.

હવે ચાબુક આ સિવાયની તને એક વાત કઉં કે ઈંગ્લેન્ડની માઠી કેમ બેઠી છે અને પ્રધાનમંત્રી બોરિસ જોનસન કેમ ભારતમાં આવવાના નથી. છે એવું કે ઈંગ્લેન્ડમાં કોરોનાની નવી સ્ટ્રેન સામે આવી છે એટલે એમણે સંક્રમણને અટકાવવા માટે ફેબ્રુઆરી મહિના સુધીનું નવું લોકડાઉન લગાવી દીધું છે. ગઈકાલે જ એમણે દેશને સંબોધિત કર્યો હતો અને કહ્યું હતું કે, આ આકરો સમય ચાલી રહ્યો છે. લોકોએ લોકડાઉનમાં ઘરમાં જ રહેવાનું છે અને કામ હોય તો જ બહાર નીકળવાનું છે. જોકે તને એક વાત કઈ દઉં ચાબુક કે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ફોન કરીને આમંત્રણ આપ્યું હતું.

બોરિસ જોનસને આમંત્રણનો સ્વીકાર કર્યો એ પછી વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ ભારત અને બ્રિટનના નવા સંબંધોની શરૂઆત છે. બોરિસ આવેત ને ચાબુક તો ઈતિહાસ રચાત, કારણ કે 1993માં બ્રિટનના જોન મેજર આવ્યા હતા. એ પછી કોઈ બ્રિટનમાંથી અતિથિ બનીને ભારતમાં નથી આવ્યું.

રાજીનામું

બંગાળ બાજુ હમણાં વાતાવરણ બરાબર નથી.

‘ચૂંટણી છે ને એટલે.’

હા. અને આજે મમતા બેનર્જીના જન્મદિવસ પર જ અંદર ને અંદર એક વિકેટ પડી ગઈ છે ચાબુક. વિધાનસભા ચૂંટણી પહેલા જ તૃણમૂલ કોંગ્રેસને એક બાદ એક એમ ઝટકાઓ લાગી રહ્યા છે. આજે જ મમતા બેનર્જી સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રત્ન શુક્લાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રીએ પણ જન્મદિવસ પર મળેલી આ ભેટનો સહર્ષ સ્વીકાર કર્ય હતો!!

મમતા બેનર્જીએ કહ્યું ચાબુક કે, લક્ષ્મી રત્ન શુક્લાએ કહ્યું છે કે ધારાભ્ય તરીકે કામ કરતા રહેશે. જોકે તેઓ રાજનીતિને છોડવા માગે છે. હું તેમના રાજીનામાને સ્વીકારું છું અને તેમના નિર્ણયનું સ્વાગત કરું છું. એ એક ખેલાડી છે અને રમત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. હું એમને શુભકામનાઓ પાઠવું છું.

બજેટ આવે છે

સંસદીય કાર્યોની મંત્રીમંડળીય સમિતિ (CCPA) 29 જાન્યુઆરીથી બજેટ સત્ર રજૂ કરવાનું જણાવ્યું છે. એટલે ચાબુક સંસદનું બજેટ સત્ર 29મી જાન્યુઆરીથી શરૂ થશે. બજેટ સત્ર બે ભાગમાં હશે જેમાં પ્રથમ ભાગ 29મી જાન્યુઆરીથી શરૂ થઈને 15 ફેબ્રુઆરી સુધીનું રહેશે. તો બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. સંસદમાં બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. 29 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને સંબોધિત કરવાના છે. તયે હાલો મળીએ પછી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments