HomeતાપણુંGujarat Election 2022: રાજ્યમાં 1990 પછી પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ જામશે, જાણો...

Gujarat Election 2022: રાજ્યમાં 1990 પછી પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ જામશે, જાણો રસપ્રદ માહિતી

Team Chabuk-political Desk: રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને તમામ પક્ષો અત્યારથી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે મુખ્ય ત્રણ પક્ષો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીના મેદાનમાં સીધી ટક્કર થશે. 1996માં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના બહારના સમર્થનથી એક વર્ષ માટે મુખ્યમંત્રી બન્યા હતા તેને બાદ કરતાં રાજ્યમાં લગભગ 27 વર્ષથી ભાજપ સતત સત્તામાં છે. જોકે ગુજરાતની વાત અલગ છે. મજાની વાત તો એ છે કે, મોટા ભાગના મતદારોને બીજી ટર્મ માટે ભાજપને ફરીથી ચૂંટવામાં વાંધો નથી. ગુજરાત પહેલું એવું રાજ્ય હતું જ્યાં ભાજપે પૂર્ણ બહુમતી મેળવી હતી અને 1995માં તેની સરકાર બનાવી હતી. હાલની સ્થિતિએ ભાજપ ગુજરાતનો સૌથી મજબૂત રાજકીય પક્ષ છે.

ગુજરાતની 182 બેઠકો માટે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 32 વર્ષમાં પોતાનો સૌથી સારો દેખાવ કરીને 182માંથી 77 બેઠકો મેળવી હતી. જોકે, તેના અનેક ધારાસભ્યો છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા હતા. 1990 પછી પ્રથમ વખત રાજ્યમાં ત્રિકોણીયો જંગ જોવા મળશે. 1990ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને હતા. ત્રણેય પક્ષોમાં કોંગ્રેસે સૌથી ઓછી 33 બેઠકો જીતી હતી. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. જનતા દળને 70 અને ભાજપને 67 બેઠકો મળી હતી. ત્યારે ગુજરાતમાં જનતાદળ-ભાજપની સરકાર બની હતી. જનતા દળને ત્યારે 29.36 ટકા, ભાજપને 26.69 ટકા અને કૉંગ્રેસને 30.74 ટકા મત મળ્યા હતા. આ વખતે ગુજરાતનાં મતદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પસંદગી કરવાની છે.

ત્રણેય પક્ષો ચૂંટણીમાં જીત માટે વાયદાઓ, ગેરંટી આપતા રહ્યા છે. ‘આપ’ પોતાના દિલ્હી મોડેલને લાગુ કરવા માટે કટિબદ્ધ છે, તો કોંગ્રેસ રાજ્યમાં રાજસ્થાન મોડેલની નકલ કરવા માટે ઉત્સુક છે. બીજી બાજુ ભાજપને તેનાં ગુજરાત મોડલ પર પૂર્ણ વિશ્વાસ છે.

BJP

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ધમાકેદાર જીત મેળવી હતી. ભાજપે તમામ 26 બેઠકો મેળવી લીધી હતી.જે એક મોટી સિદ્ધિ છે અને કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો કરી નાખ્યો હતો. જો નરેન્દ્ર મોદી અને અમિત શાહે 2021માં મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે ઘરભેગા ન કર્યા હોત તો આજે ગુજરાતમાં પરિસ્થિતિ જુદી હોત.

રૂપાણીની હકાલપટ્ટી સાથે જ ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં. તે ગુજરાતના મુખ્યમંત્રી હોય તો પણ ભ્રષ્ટ હોય કે બિનકાર્યક્ષમ હોય તેને પણ ચલાવી લેવાશે નહીં. એ વાતને નકારી શકાય તેમ નથી કે ગુજરાત મોડેલ, અદૃશ્ય રીતે પરંતુ વ્યૂહાત્મક રીતે તેના હિન્દુત્વ તરફી હોવા છતાં તે શહેર, ઉદ્યોગસાહસિકતા અને ઉચ્ચ જ્ઞાતિ તરફી છે. ગુજરાતમાં શહેરી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ગુજરાતની શહેરી વસતી 44 ટકા છે, જે 2001માં 37.4 ટકા હતી. શહેરી વસ્તીમાં વધારો અને ભાજપે 2009માં કરેલા સીમાંકનથી તેને ફાયદો થયો છે. 2014 પછી પણ ગુજરાતમાં મોદીનો જાદુ યથાવત છે. તેઓ કરિશ્માઈ નેતા છે લોકો તેમના ચહેરા પણ વોટ કરે છે. ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે જ્યાં ભાજપે 1995માં પૂર્ણ બહુમતી મેળવી હતી, તેથી તે આરએસએસનું પ્રિય રાજ્ય છે. કેન્દ્રમાં અને જ્યાં તેઓ સત્તા પર હતા તે રાજ્યોમાં ગુજરાત મોડેલને અનુસરવામાં આવ્યું હતું.

AAP

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સરકાર બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દિલ્હીનું મોડલ રજૂ કરી લોકો પાસે મત માંગે છે. આપ મહોલ્લા ક્લિનિક અને સારી શાળાઓના નામે મત માંગે છે. કેજરીવાલે ગુજરાતમાં અનેક ગેરંટી આપી છે. જેમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, દરેક યુવાન માટે નોકરી, બેરોજગારોને રોજગાર મળે ત્યાં સુધી માસિક 3,000 રૂપિયા અને 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ માટે 1,000 રૂપિયા માસિક ભથ્થું સામેલ છે. જૂની પેન્શન યોજના, પોલીસને ગ્રેડ પે, ખેડૂતોના દેવા માફ જેવા અનેક વાયદોઓ આમ આદમી પાર્ટીએ કર્યા છે.

Congress

2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. કોંગ્રેસ હજુ પણ માને છે કે ગુજરાતમાં તેની પાસે એક મજબૂત સંગઠન છે. ‘આપ’ ગુજરાતમાં ભાજપ કરતાં કોંગ્રેસને નુકસાન કરે તેવી શક્યતા વધુ છે. ગુજરાતના કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત રાજસ્થાન મોડેલ રજૂ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. ઓક્ટોબરમાં બહાર પડનારા કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં રાજસ્થાન મોડેલ અને તેનાથી સમાજના મધ્યમ, નીચલા મધ્યમ અને ગરીબ વર્ગને કેવી રીતે ફાયદો થાય છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જૂની પેન્શન યોજના પુનઃસ્થાપનાની જાહેરાત કોંગ્રેસે કરી છે. જે માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે કારણ કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી ગહેલોત આ જાહેરાત કરી ચૂક્યા છે જ્યાં તેમની સરકાર છે.

ગુજરાતમાં કેટલાય સમયથી જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન ચાલી રહ્યું છે. તે ઉપરાંત ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ પ્રથાને લઈને પણ કર્મચારીઓ નારાજ છે. આ મામલે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે તો ગુજરાતમાં પણ સરકારે જુની પેન્શન યોજના લાગુ કરી દેવી જોઈએ.જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવામાં આવશે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ પોતાના તરફથી મોટી જાહેરાતો કરી રહી છે. જન્મ આરોગ્ય સંકલ્પ પત્રની અંદર કોંગ્રેસ દ્વારા શિક્ષણ આરોગ્ય સહિતની અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરિકોને સરકારી દવાખાનાઓમાં સારવાર વિનામૂલ્ય મળે, રૂપિયા 10 લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે એવી કોંગ્રેસે જાહેરાત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments