જો આપને કોઈ અજાણ્યા નંબરથી અજાણી યુવતીનો અવાજ સંભળાય તો ભરમાશો નહીં. આ યુવતી નહીં પણ હેલ્લો ગેંગનો સભ્ય હોઈ શકે છે. જે તમારી સાથે મિત્રતા કેળવીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આ ગેંગને કુલ છ રાજ્યોની પોલીસ શોધી રહી છે. ગેંગના કેટલાક સભ્યોની ધરપકડ પણ કરી લેવાઈ છે. જો કે, આખી ગેંગમાં 100 કરતાં પણ વધુ સભ્યો હોવાનો દાવો કરાયો છે. અને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી ચુકી છે. જેથી પોલીસે અલગ અલગ રાજ્યોમાં આ ગેંગને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
ક્યા રાજ્યોના લોકો છેતરાયા ?
ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ
હરિયાણા
પંજાબ
મહારાષ્ટ્ર
5 હજાર લોકોને ચૂનો લગાવ્યો
આગરા પોલીસને આ તમામ રાજ્યોમાંથી ફરિયાદ મળી છે. ફોન કરીને છેતરાયેલા લોકોની સૌથી વધુ ફરિયાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. પંજાબમાં ગત મહિને જ આ ગેંગે ખેલાડીઓ સાથે છેતરપિંડી કરી હતી. આ કેસમાં હેલ્લો ગેંગના ત્રણ આરોપીને ઝડપી લેવાયા હતા. રાજસ્થાનમાં બે મહિના પહેલાં નોકરી આપવાના બહાને કેટલાક યુવકો સાથે હેલ્લો ગેંગે છેતરપિંડી કરી હતી. આ તમામ રાજ્યોની પોલીસ હાલ આગરા પોલીસની સાથે મળીને હેલ્લો ગેંગના સભ્યોને શોધી રહી છે. દાવો કરાયો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં હેલ્લો ગેંગે 5 હજાર લોકોને ચૂનો લગાવી દીધો છે.
હેલ્લો ગેંગની મોડસ ઓપરેન્ડી
હેલ્લો ગેંગ જેવી જ એક ટટલુ ગેંગ પણ છે. દાવો છે કે, ટટલું ગેંગ બાદ હેલ્લો ગેંગ સૌથી મોટી છે. જેમાં 100થી વધુ સભ્યો સામેલ છે. બંને ગેંગની છેતરપિંડી કરવાની રીત એક જેવી જ છે. ગેંગમાં તમામ પુરુષ સભ્યો જ છે પરંતુ તે ફોન પર યુવતીના અવાજમાં વાત કરે છે. ફ્રેન્ડશીપ કરવા અને યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કરાવવાની લાલચ આપે છે અને રૂપિયા પડાવે છે. તો ક્યારેક આ લોકો નોકરીની લાલચ પણ આપે છે. એટલું જ નહીં જો મરઘો લાલચુ હોય તો એક કા ડબલની સ્કીમ પણ આપી દે છે. એક વાર તમે આ લોકોના ખાતામાં રૂપિયા જમા કરાવો એટલે પછી ‘ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ’ ! સમજી ગયા ને.
આ રીતે પણ છેતરે છે
પહેલાં નોકરી આપવાનો મેસેજ કરે છે. સંપર્ક માટે મોબાઈલ નંબર આપે છે. જે સીમ યુઝ કરે છે તે નકલી આઈડી પર લીધેલું હોય છે. જો કોઈ સામેથી કોલ કરી દે તો તેની પાસેથી રજિસ્ટ્રેશનના 1500થી 3 હજાર રૂપિયા માગવામા આવે છે. જમા થતાં જ ખાતામાંથી રૂપિયા ઉઠાવી લે છે.
હેલ્લો ગેંગના સભ્યોની કબૂલાત
આગરાના એસએસપી બબલુ કુમારે કહ્યું કે, ધરપકડ કરાયેલા હેલ્લો ગેંગના સભ્યોએ કબૂલ્યું છે કે, આરોપીઓ યુવતીના અવાજમાં યુવતીઓ સાથે મિત્રતા કરાવવાની લાલચ આપે છે. ફ્રેન્ડશીપ ક્લબની મેમ્બરશીપનું કહી મોટી રકમ પોતાના જ ખાતામાં જમા કરાવી લે છે. પુરુષ સદસ્ય જ એપ્લિકેશનના માધ્યમથી યુવતી બનીને વાતો કરે છે.
આરોપીઓ કોણ છે ?
પાંચ વર્ષ પહેલાં પાંચ યુવકો ગુરૂગ્રામ અને દિલ્લીમાં કોલસેન્ટરમાં કામ કરતા હતા. કોલસેન્ટરમાંથી તેમણે ડેટા ચોરી લીધો હતો. આ ડેટાથી જ પછી તેણે છેતરપિંડીનું કામ શરૂ કરી દીધુ હતું. આ કામમાં બાદમાં અન્ય યુવાનો પણ જોડાવા લાગ્યા હતા. આમ જોત જોતામાં ગેંગમાં 100થી વધુ સભ્યો જાડાઈ ગયા. ફોન કરીને રૂપિયા પડાવતા હોવાથી ગેંગનું નામ હેલ્લો પાડી દેવામાં આવ્યું છે.
તૈયાર થઈ રહી છે આરોપીની કર્મ કુંડળી
એસએસપીએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં હેલ્લો ગેંગના 45 સભ્યોને જેલમા ધકેલી દેવાયા છે. દરેક સભ્યની કુંડળી તૈયાર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ આરોપીઓની મદદ કરનારા લોકોની પણ યાદી બનાવાઈ રહી છે. તમામ સભ્યો વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે જેની કવાયત ચાલી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે લોકો સાથે છેતરપિંડી થઈ છે તેમના કેસ પર પણ કામ ચાલી રહ્યું છે. અન્ય આરોપી ટૂંક સમયમાં ઝડપાઈ જશે.
શરમના કારણે નથી નોંધાવતા ફરિયાદ
એસએસપીનું માનીએ તો ફ્રેન્ડશીપના નામે છેતરાયેલા યુવકો શરમના કારણે ફરિયાદ નથી નોંધાવતા. જો આવા યુવકો ફરિયાદ નોંધાવે તો છેતરાયેલા લોકોનો આંકડો વધી શકે છે. જે ફરિયાદ નોંધાઈ છે તેમાં મોટા ભાગની ફરિયાદો નોકરીના નામે છેતરપિંડીની છે. છેતરપિંડીની રકમ ઓછી હોવાથી કેટલાક લોકો આ કેસમાં પણ ફરિયાદ નથી નોધાવતા. પોલીસ અધિકારીએ અપીલ કરી છે કે જો તમારી સાથે છેતરપિંડી થઈ હોય તો તમે ફરિયાદ નોંધાવો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત