Homeદે ઘુમા કેહોકી: એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 3-1થી રગદોળી સેમીફાઈનલમાં જગ્યા મેળવી

હોકી: એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 3-1થી રગદોળી સેમીફાઈનલમાં જગ્યા મેળવી

Team Chabuk-Sports Desk: એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનની વિરૂદ્ધ શાનદાર જીત પ્રાપ્ત કરી સેમીફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. હરમનપ્રીતના બે અને આકાશદીપના એક ગોલની મદદથી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 3-1થી રગદોળી નાખ્યું હતું. સામે પાકિસ્તાનના ઝુનૈદે એક ગોલ ફટકાર્યો હતો. હરમનપ્રીતે બે વખત પેનલ્ટી કોર્નરને ગોલમાં તબ્દિલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ મેચમાં ભારતે પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં જ ગોલ કરી પાકિસ્તાન પર દબાણ લાદી દીધું હતું. પાકિસ્તાને મેચમાં પરત ફરવા માટે હવાતિયાં માર્યા હોવા છતાં તેના હાથમાં જીતનો લાડુ નહોતો આવ્યો.

મેચના ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમે રમતનું સારું પ્રદર્શન કર્યું હતું. બંનેએ એક એક ગોલ ફટકાર્યો હતો. ભારત માટે બીજો ગોલ આકાશદીપે ફટકાર્યો અને ટીમ ઈન્ડિયાએ મેચ પર 2-0થી પકડ મજબૂત કરી લીધી. એ પછી પાકિસ્તાનના ઝુનૈદે એક ગોલ ફટકારી મેચ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં સુધીમાં ભારતના સ્ટાર હોકી પ્લેયર હરમનપ્રીતે મેચમાં બીજો ગોલ ફટકારી ભારતને 3-1 પર અને પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું હતું.

આ મેચમાં ભારત શરૂઆતથી જ આક્રામક નજર આવી રહ્યું હતું અને પ્રથમ ક્વાર્ટરમાં જ 1-0થી આગળ નીકળી ગયું હતું. બીજા ક્વાર્ટરમાં ભારતે ગોલ કરવાના પ્રયાસ કર્યા હતા અને પાકિસ્તાનના ગોલ પોસ્ટ પર સતત આક્રમણ કર્યું હતું. જોકે પાકિસ્તાનના ડિફેન્સે ત્રણ વખત ગોલ થતાં બચાવી લીધા હતા. પાકિસ્તાનના ગોલકીપર અલી અમઝદે પણ બે વખત ભારતના ગોલ થતાં અટકાવ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને પ્રથમ વખત પેનલ્ટી કોર્નર મેળવ્યું હતું, જોકે તેને ગોલમાં તબ્દિલ નહોતું કરી શક્યું. નીલમ સંજીવની ભૂલના કારણે પાકિસ્તાનને તક મળી હતી. પરંતુ સૂરજ કરકેરાએ જમણા પગથી ગોલને અટકાવી દઈ પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. જેના તુરંત પછી ભારતને એક પેનલ્ટી કોર્નર મળી હતી અને હરમનપ્રીતે મેચનો બીજો ગોલ ફટકારી ટીમને આગળ અને મેચમાં મજબૂત કરી દીધું હતું. પાકિસ્તાને આ મેચમાં બીજી પેનલ્ટી કોર્નર પણ મેળવી હતી પણ તેને ગોલમાં પરિવર્તિત નહોતું કરી શક્યા.

ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમ ટૂર્નામેન્ટની શરૂઆતમાં સારું પ્રદર્શન નહોતી કરી શકી. તેણે પ્રથમ મેચમાં કોરિયાને પરત ફરવાની તક આપી હતી અને આ મેચ 2-2થી ડ્રો થયો હતો. જોકે બુધવારના રોજ રમાયેલ બાંગ્લાદેશ સામેના મેચમાં ટીમે 9-0થી અભુતપૂર્વ જીત મેળવી હતી. એ પછી ભારતે પાકિસ્તાનને પણ 3-1થી પરાજય આપ્યો છે. ભારતની ટીમે શરૂઆતથી અંત સુધી પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું હતું. હરમનપ્રીતની આગેવાનીમાં ભારતીય ડિફેન્સે સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન મનપ્રીત સિંહે મીડ ફિલ્ડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઈતિહાસ તપાસવામાં આવે તો ભારત અને પાકિસ્તાને પ્રથમ સાત એશિયાઈ રમતની હોકી ફાઈનલમાં એકબીજાનો સામનો કર્યો હતો. એશિયાઈ રમતમાં નવ વખત બેઉં ટીમે ફાઈનલ રમી છે. જેમાં પાકિસ્તાને સાત અને ભારતે બે ગોલ્ડમેડલ જીત્યા છે. બંને દેશે 1956થી 1964 સુધી સતત ત્રણ ઓલિમ્પિક ફાઈનલમાં જગ્યા બનાવી છે. જેમાંથી ભારતે બે અને પાકિસ્તાને એક વખત જીત પ્રાપ્ત કરી છે.

ગત વખતે પણ આ બંને ટીમનો મુકાબલો એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ ચરણમાં થયો હતો. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને 3-1થી સજ્જડ પરાજય આપ્યો હતો. ભારતની ટીમે અત્યાર સુધીના ત્રણ મેચમાં પાકિસ્તાન, કોરિયા અને બાંગ્લાદેશની સામે કુલ મળીને 14 ગોલ ફટકાર્યા છે. ભારત પોંઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. પાકિસ્તાનનો જાપાનની સામે મેચ ડ્રો થયો હતો અને ભારતની વિરૂદ્ધ તેને હારનો સામનો કરવો પડ્યો હોવાથી તે પોંઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments