ઝાલાવાડી જલજીરા: 2002માં જ્યારે પ્રથમ વખત સ્પાઈડર મેન ફિલ્મ મોટા પડદા પર પ્રસ્તુત થવાની હતી ત્યારે પણ આજની સ્પાઈડર મેન નો વે હોમ જેવો જ માહોલ સર્જાયો હતો. એ વખતે ઈન્ટરનેટનું જાળું નહોતું, પણ ઈટીસી પર વારંવાર બતાવવામાં આવતું સ્પાઈડર મેનનું ટ્રેલર અને રૂઢીસ્તોના નાકનું ટીચકું ચડાવી દેતી સ્ટાર મૂવીઝ નામની ચેનલમાં, તેના મેકિંગના ફૂટેજ વારંવાર બતાવી લોકોને થીએટર તરફ ઢસડવાનું માર્કેટિંગ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ માર્કેટિંગ હિટ પૂરવાર થયું. પણ કેવી રીતે?
સ્ટાર મૂવીઝની માફક જ સ્ટાર પ્લસ પર સાંજના છ વાગ્યે સ્પાઈડર મેન કાર્ટુન દર્શાવવામાં આવતું હતું. તેનો પહેલો એપિસોડ લિઝાર્ડ પર હતો. જે પાત્ર પરથી 2012ની અમેઝિંગ સ્પાઈડર મેન ફિલ્મ પણ બની છે. અમેરિકામાં ફોક્સ કિડ્સ નેટવર્ક દ્વારા 19 નવેમ્બર 1994માં તેને પ્રથમ વખત પ્રસારીત કરવામાં આવ્યું. અમેરિકામાં તો સ્પાઈડર મેનનું પાત્ર પહેલાથી જ કોમિક્સની દુનિયામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચૂક્યું હતું, પણ આ શ્રેણી બમ્પર હિટ પૂરવાર થઈ. તેનું થીમ મ્યુઝિક મંત્રમુગ્ધ કરી દેતું હતું. શ્રેણીની કુલ પાંચ સિઝન હતી. માધ્યમોનો રાફડો નહોતો ફુટ્યો એટલે એકને એક એપિસોડ વારંવાર બાળકો જોતાં હતાં. સવારે સાડા નવ વાગ્યે પણ અને સાંજે છ વાગ્યે પણ. આખરે શક્તિમાનને કોઈ સુપરહીરો ટક્કર આપતો હતો.
ભારતમાં તો રહી રહીને 2000ની સાલમાં આ કાર્ટુન આવ્યું. આ કાર્ટુન થકી માર્વેલ ભારતમાં લોકપ્રિયતાના તમામ સીમાડાઓ વટી ગયું. જે રીતે ભારતમાં એક્ટિંગ રેસલિંગ WWE જે ત્યારે WWF હતું હિટ નીવડેલું એવું જ સ્પાઈડર મેનનું થયું. સાસ-બહુની સિરીયલ કરતા 6 વાગ્યાના સ્પાઈડર મેનની TRP લાકડાછાપ આવતી હતી. છ વાગ્યે લાઈટ ચાલી જાય તો બાળકો ચોધાર આંસુએ રડી આખું ઘર માથે લેતાં હતાં.
આ જ કાર્ટુન પરથી ફિલ્મ બને તો? તેનું પણ ભારતીયોને વળગણ તો હતું જ. બે વર્ષ પછી જ એટલે કે 2002ની સાલમાં ટોબી મેગ્વાયરને લઈ ફિલ્મ પણ આવી ગઈ. ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. બીજો ભાગ ચાલતો નથીની ચર્ચાઓ અને વાતો વચ્ચે સ્પાઈડર મેનનો બીજો ભાગ પણ કમાણીના કિર્તીમાન સ્થાપી ગયો. જેના ડોક્ટર ઓક્ટોપસે 2021ના ટોમ હોલાન્ડના સ્પાઈડર મેનમાં ફરી દેખા દીધી છે. 2008માં આવેલો ત્રીજો ભાગ પણ આ કડીમાં જોડાતો ગયો. જેમાં બ્લેક સ્પાઈડર મેન હતો. માર્વેલને ખબર પડી ગઈ કે સ્પાઈડર મેન એટલે સાક્ષાત્ કુબેરનો ખજાનો. એટલે જ તો જુઓ, 2019માં જે અવેન્જર્સ એન્ડગેમે ભારતમાં 2,845 સ્ક્રિન રોકી હતી ત્યાં સ્પાઈડર મેને આજે 3,264 સ્ક્રિન રોકી પોતાનું રેકોર્ડ જાળું પાથર્યું છે. માનવું પડશે કે સતત બે અઠવાડિયા સુધી કે એક મહિના સુધી જે પણ ફિલ્મ રિલીઝ થશે તે સ્પાઈડર મેનના વેબ શૂટરમાં ફસાયા વિના નહીં રહે.
કદાચિત્ જો સ્પાઈડર મેન નહોત તો માર્વેલ આટલી કમાણી ન કરી શકેત. માર્વેલની સફળતા પાછળ સ્પાઈડર મેન શ્રેણીનો જેટલો હાથ છે એટલો અન્ય કોઈ ફિલ્મનો નથી. અન્ય ફિલ્મો બનાવવા માટેની પ્રેરણા અને આર્થિક વ્યવસ્થા પણ સ્પાઈડર મેને જ કરી આપી છે. વર્ષ 2002ની ટોબી મેગ્વાયરની બ્લોકબસ્ટર સ્પાઈડર મેન હોય કે પછી 2014માં એન્ડ્રુ ગારફિલ્ડને લઈ બનાવવામાં આવેલી બે ભાગની અમેઝિંગ સ્પાઈડર મેન હોય કે પછી 2017માં ટોમ હોલાન્ડ નામના ટેણીયાને લઈ બનાવવામાં આવેલી સ્પાઈડર મેનની ત્રણ શ્રેણી હોય, માર્વેલ સ્પાઈડર મેન બનાવતું જ આવશે. બનાવતું જ રહેશે. સોનાનું ઈંડુ આપતી મુરઘી કોને ન ગમે.
ક્રિએટર સ્ટિવ ડિટકો અને માર્ગદર્શક સ્ટેનલીએ બનાવેલ સ્પાઈડર મેન ઓગસ્ટ 1962-63માં Amazing Fantasy #15 કોમિકમાં પ્રથમ વખત પ્રદાર્પણ કરે છે. સ્પાઈડર મેન બનાવતા પૂર્વે સ્ટેનલીનો વિચાર તેને માખીમાં તબ્દિલ કરી સુપરહીરો બનાવવાનો હતો. કરોળિયાનો વિચાર તો તેમના ફળદ્રુપ ભેજામાં આવ્યો જ નહોતો. પણ પછી સારી વાર્તા વિચારતા વિચારતા લખાઈ જાય, જેમ વિચારો એમ લખાણમાં નવો માર્ગ કંડારાતો જાય, એ રીતે ક્રિએટ કરતાં કરતાં માખીમાંથી સ્પાઈડર મેન સુધી આવી પહોંચ્યા.
વાસ્તવમાં તો 1961ના રોજ ફેન્ટાસ્ટિક ફોરનું નિર્માણ કર્યા પછી શ્રીમાન સ્ટેનલીને એક એવા સુપરીહીરોની જરૂર હતી જે આખું ગામ ગજવી મૂકે અને માર્વેલને એક સ્ટેપ આગળ લઈ જાય. એમણે માર્વેલની જ ઓફિસમાં એક માખીને જોઈ. જે દિવાલ પર ચોંટેલી હતી. એમનો પ્રથમ વિચાર હતો – Stick-to-Wall Man, સ્ટેનલીના ભેજામાં કેટલાય વખત સુધી નામની મંત્રણા ચાલતી રહી. ફ્લાય મેન, મોસ્કિટો મેન અને અંતે આવ્યા સ્પાઈડર મેન પાસે. સ્ટીવ ડિટકો અને સ્ટેનલીએ તેના પર કામ કરવાની શરૂઆત કરી દીધી. જ્યારે માર્વેલના હેડ માર્ટિન ગોડમેનની પાસે સ્ટેનલી આ વિચારને લઈ પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું, ‘અત્યાર સુધીનો સાંભળેલો સૌથી ભંગાર વિચાર.’ માર્વેલ કંપનીનું માનવું હતું કે કરોળિયાને કોઈ સુપરહીરો તરીકે ન જુએ, કારણ કે લોકોને કરોળિયાથી નફરત હોય છે. એમને દીઠા ગમતાં નથી. તોપણ સ્ટીવ અને સ્ટેનલી પોતાની વાત પર હિમાલયની જેમ અડગ રહ્યા.
ભૂતકાળમાં અવતાર અને ટાઈટેનિક ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કેમરુન ટર્મિનેટર-2ના ચાઈલ્ડ આર્ટિસ્ટ Edward Furlongની સાથે સ્પાઈડર મેન બનાવવાની યોજના ઘડવાના હતા. જે અંતે શક્ય બન્યું નહીં. 2002માં જે સ્પાઈડર મેન ફિલ્મ બની તે માટે પ્રથમ પસંદગી ટોબી મેગ્વાયરનો પાક્કો દોસ્તાર લિઓનાર્ડો ડે કેપ્રિયો હતો. તેના પછી જેક ગ્યેનેલહાલ, જેણે ટોમ હોલાન્ડની સ્પાઈડર મેન ફાર ફ્રોમ હોમમાં વિલન મિસ્ટીરીયોનો રોલ કર્યો છે. પ્રથમ બે સ્પાઈડર મેન ફિલ્મ કર્યાં બાદ ટોબી મેગ્વાયરને ઈજા પહોંચી હતી. એ ત્રીજી ફિલ્મ કરી શકે એવી સ્થિતિમાં લાગી નહોતો રહ્યો. એટલે માર્વેલે ત્રીજી ફિલ્મ જેક ગ્યેનેલહાલ સાથે પૂર્ણ કરવાની યોજના ઘડી કાઢી. જેક પણ તૈયાર જ હતો ને ત્યાં સુધીમાં ટોબી તૈયાર થઈ ગયો. એવી વાતો પણ થાય છે કે માઈકલ જેક્સન જ્યારે લોકપ્રિયતાના શિખરે હતો ત્યારે તેણે માર્વેલને ખરીદવાનો પ્રયાસ કરેલો. જેથી તે ખૂદ સ્પાઈડર મેન બની શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત