આજે રવિવારે દિવ્ય ભાસ્કરમાં ડો શરદ ઠાકરની રણમાં ખીલ્યું ગુલાબ કોલમ આવે. બસ તેમની જ ક્લાસિક કથાઓમાંથી આજે ચૂંટેલા વર્ણનો અને સંવાદો કાઢ્યા છે. હવે આ આવું શિર્ષક શા માટે માર્યું તેનો જવાબ પણ તમને અંદર જ મળી જશે.
કેવી દેખાતી હતી અગમ્યા જ્યારે પોતે એના પ્રેમમાં પડ્યો હતો ? નિછાવર સમયની પાંખે સવાર થઈને અતીતની સફરે ઊપડી ગયો. ત્યારે અગમ્યા હજુ મિસિસ કોઠારી બની ન હતી, માત્ર મિસ અગમ્યા પરીખ હતી અને પૂરી કોલેજના તમામ છોકરાઓ આ સોંદર્યમૂર્તિના નામની પાછળ પોત-પોતાની અટક મૂકવાના તરંગોમાં રાચતા હતા. નિછાવર નાણાવટીનું નામ એ યાદીમાં સૌથી મોખરે હતું. નિછાવર અગમ્યાની ચાહનામાં પાગલપનની હદ સુધી પહોંચી ગયો હતો.
(રણમાં ખીલ્યું ગુલાબ ભાગ-5-કથા-3)
આ છોકરીઓમાં એક હતી તસવ્વુર ઝવેરી. તસવ્વુરને છોકરી ન કહેવાય, એને તો સુંદરી કહેવી પડે. તસવ્વુર એની પાંચ બાય દસની હાઈટને કારણે બીજી તમામ છોકરીઓથી અલગ તરી આવતી હતી. એનું ફિગર આંતરાષ્ટ્રીય સ્તર પ્રમાણે પરફેક્ટ ટેન માર્કાવાળું હતું.
(રણમાં ખીલ્યું ગુલાબ ભાગ-5-કથા-5)
મુક્તકે લખ્યું, આભાર વેલેન્ટાઈન ડેના પર્વનો કે વરસોથી છાતીમાં બંધ મારી લાગણીઓને અભિવ્યક્ત થવાનું સૌભાગ્ય મળ્યું. હું જાણું છું કે તારી અને મારી પારિવારિક પરિસ્થિતિમાં વચ્ચે બે ધ્રૂવોનું અંતર છે. તું ધનવાન મા બાપના બગીચામાં ઉગેલું અને પાંગરેલું ગુલાબ છે, જ્યારે હું વગડાનો તાપ ઝીલીને ખીલેલું જંગલી ફૂલ છું. જો હું તારી સાથે જીવનભરનો નાતો જોડવાનો વિચાર પણ કરું તો દુનિયા મને પાગલ ઠેરવે. તારી સાથે વાત કરવાની હિંમત તો મને સપનામાં પણ નથી હોતી. તું રોજ મારા સપનામાં આવે છે. અને હું ખામોશીનું તાળું મારા હોઠ ઉપર લટકાવીને તને જોયા કરું છું. રંક મા-બાપાના સંતાનોને પૈસાદાર પરિવારનાં ફરજંદો સાથે લગ્ન કરવાનો અધિકાર નથી હોતો એ હું જાણું છું, પણ હું એટલુંય જાણું છું કે પ્રેમના પ્રવાસે ઊડવા ને ઊપડવા માટે પૈસા નામના પાસપોર્ટની જરૂર નથી હોતી.
(રણમાં ખીલ્યું ગુલાબ ભાગ-5-કથા-7)
પૂનમની રાતે પૃથ્વી ઉપર ઢોળાતી રૂપેરી ચાંદનીના કુલ જથ્થામાંથી એક માપસરનો ટુકડો ચોરી લઈને ભગવાન વિશ્વકર્માએ પોતાની સંપૂર્ણ કલાત્મકતા નિચોવીને સર્જેલી અનુપમ નારીપ્રતિમા એટલે અંતરા. હવે પછીની ચંદ ક્ષણોમાં જ તે આસવ નામના એક ખુશકિસ્મત યુવાનની હાર્ટ બેંકમાં લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટ બની જવાની તૈયારીમાં હતી. પુરુષના રૂપમાં આવેલો પતિ આ રૂપાળી રતિને હતી, ન હતી કરી નાખે એ હવે શક્યતાઓનો નહીં, પણ સમયનો સવાલ હતો.
(રણમાં ખીલ્યું ગુલાબ ભાગ-3-કથા-35)
ભોગવટો માત્ર દેહનો હોય છે, પણ દસ્તાવેજો તો દિલના હોય છે. તારી રૂપાળી છાતી ચીરીને તારા ધબકતા દિલનું કોઈ ડિસેક્શન કરે તો એને ખબર પડે કે એનાં ચારેય ખાનાંઓમાં ચિક્કારપણે વ્યાપી રહેલું નામ મારું છે, બીજા કોઈ પુરૂષનું નહીં. કાબુલના તડબૂચની ચીરી જેવા તારા હોઠની આ લાલચટ્ટક હોઠો ઉપર છપાયેલી પહેલી ફિંગરપ્રિન્ટ મારા જ હોઠની હતી, અન્ય કોઈની નહીં. તારા આ અદભુત દેહનાં રૂપાળાં રહસ્યો માત્ર અને માત્ર મેં જ ઉકેલ્યા છે, માણ્યાં છે અને મન ભરીને ભોગવ્યાં છે.
(રણમાં ખીલ્યું ગુલાબ ભાગ-3-કથા-35)
ઝાકળ ખરેખર ખૂબસૂરત છોકરી હતી, પરોઢની ઝાકળ જેવી જ પારદર્શક, આકર્ષક અને નાજુક. પારદર્શક એટલે આજકાલની હીરોઈનોની જેમ ‘સબ કુછ દીખતા હૈ’ ના અર્થમાં નહીં, પરંતુ વ્યક્તિત્વની બાબતમાં પારદર્શક જે એના મનમાં ચાલી રહ્યું હોય. એ તરત એનાં ચહેરા પર દેખાઈ આવે. અભિનય સાથે એને આડ વેર. દંભ સાથે એને દુશ્મનાવટ. મગજની સર્કિટમાં દોડતા વીજપ્રવાહો ચહેરાના પડદા ઉપર ઝબૂકિયાં કરતાં તરત જ ઉપસી આવે. જોનાર માણસ જો પારખું હોય તો તરત જ પકડી પાડે કે આ જુવાનીનાં જોખમી મુલકમાં ઢેલપગલાં પાડતી મુગ્ધાનાં મનની અંદર શું ચાલી રહ્યું હશે!
(રણમાં ખીલ્યું ગુલાબ ભાગ-3-કથા-18)
મુંબઈ જવાની આગલી સાંજે એ અને સિક્તા આખરી વાર મળ્યાં હતાં. કામક્રીડાની સતત બે વરસથી ચાલી આવતી ક્રિકેટ મેચની આખરી ઓવર એ બંને એ સાંજે રમ્યાં હતાં.
(રણમાં ખીલ્યું ગુલાબ ભાગ-3-કથા-16)
‘વિદ્યાર્થી મિત્રો! પ્રેમ એક એવી ચીજ છે જેને સંતો સમજી શક્યા નથી, પંડિતો પામી શક્યા નથી. લેખકો લખી શક્યા નથી અને જાલિમો જીવી શક્યા નથી. હકીકતમાં પ્રેમ એક અજબ-ગજબનો પદાર્થ છે જેને પામવા માટે માણસે પ્રેમી જ બનવું પડે છે. પ્રેમ એ ઝાડ નીચે ઊભા રહીને બાજુમાંથી પસાર થતી રૂપાળી છોકરીને જોયા પછી મારવામાં આવતી સીટી છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો…. પ્રેમ એટલે…’ પ્રો. પરાશર અસ્ખલિત વાણીમાં વક્તવ્ય વહાવી રહ્યાં હતાં.
(સજનવા-કથા-16)
યામાને જોઈ એ કળાયેલો મોર બની જતો હતો. હજારો હજારો શે’રો શાયરી એને કંઠસ્થ હતી. રોજબરોજ એ શાયરીનાં તીર યામાનાં ટાર્ગેટ ઉપર છોડતો રહ્યો.
(સજનવા-કથા-13)
આહલાદની નજર કંકણ કોઠારી પર હતી. પિન્ક કલરના ટોપ અને ડાર્ક બ્લેક રંગના મિનિ સ્કર્ટમાં સમાયેલો પચાસ કિલોનો રૂપનો ખજાનો મંથર ગતિએ કોલેજના ઝાંપામાં થઈને ભીડભંજન મહાદેવ તરફ જવાને રસ્તે ફંટાઈ રહ્યો હતો. સ્કર્ટની નીચેથી ડોકાતા એના સંગેમરમરી પગ જોનારના દિલ ઉપર કરવતનું કામ કરી રહ્યા હતા. એ કોર્નર પાસે વળાંક આગળ ઓઝલ થઈ એ પછી કોલજનું પ્રાંગણ નિ:સાસા, નિરાશા અને ઊંહકારાથી ભરાઈ ગયું. કંકણ માટે આ રોજનું દ્રશ્ય હતું. સવારના સમયે એનું આગમન થતું ત્યારે તોફાની કોલેજિયનો સીટીઓ વગાડી અને ફિલ્મી ગીતો લલકારીને એનું સ્વાગત કરતા અને કોલેજ છૂટવાના સમયે એ જ કોલેજિયનો છાતીના એન્જિનમાંથી ઊની ઊની વરાળો છોડીને કંકણને ‘આવજો’ કહેતા. આહલાદ ત્રિવેદી પણ આવા જ વરાળવિમોચક એન્જિનનો એક માલિક હતો.
(સજનવા-કથા-18)
હજી બે દિવસ પહેલાં જ મિસ કોલેજનો તાજ જીતનારી તન્હા બક્ષી પૂરબહારમાં સૌંદર્ય વિખેરતી આવી રહી હતી અને કોલેજના રીઢા ગુનેગારો ગણાતા પાંચ વિદ્યાર્થીઓ એને છેડવાનો મોરચો માંડીને બેઠા હતા. બોની બારદાનવાલા, વિકી શેઠ, રોબિન પટેલ, સની પંડ્યા અને લક્કી શાહ. આ પાંચેય જણા કોલેજનું કલંક હતા. છાપેલાં કાટલાં હતાં, પૈસાદાર પિતાઓના બગડેલા શહેજાદા હતા.
(સજનવ-કથા-19)
નીલી-નીલી આંખોવાળી નીલોફર, હું જાણું છું કે આ પત્ર વાંચીને તને આઘાત લાગશે. તું મને સંયમી પુરુષ તરીકે ઓળખે છે. પણ આજે હું સ્વીકાર કરું છું કે હું સંયમી નથી. આંખો સામે મઘમઘતું ગુલાબ હોય ત્યારે શ્વાસને કોણ રોકી શકે ? જેમ સૂરજમાં આગ છે, ચંદ્રમાં ડાઘ છે, એમ જ તારી પાસે જુવાનીનો બાગ છે અને એ બાગમાં મારો પણ ભાગ છે. તને જોયા પછી મારી હાલત બગડી ગઈ છે. અત્યાર સુધીની જિંદગીમાં મેં કોઈ પણ સ્ત્રીની સામે બૂરી નજરે જોયું નથી, પણ તને જોયા પછી થાય છે કે હું આખી દુનિયા સામે બળવો પોકારું! ગમે ત્યારે ધોળા દિવસે ચાલુ ઓફિસમાં હું તારો હાથ પકડીને બધાના સાંભળતા ચીસ પાડીને કહી બેસીશ કે નીલોફર મારી છે, મારી છે! પછી તારે જે કરવું હોય તે કરી શકે છે. લિ. તારી સુગંધનો દરિયો પી જવા માટે તલપાપડ બની ચૂકેલો વિક્રમ.
(સજનવા-કથા-41)