Homeદે ઘુમા કેદિલ્હીને મુંબઈ જેવી મજબૂત ટીમ સામે અવિશ્વસનીય જીત કેવી રીતે મળી ગઈ?

દિલ્હીને મુંબઈ જેવી મજબૂત ટીમ સામે અવિશ્વસનીય જીત કેવી રીતે મળી ગઈ?

Team Chabuk-IPL-Desk: રવિવારે યોજાયેલા દિલ્હી અને મુંબઈ વચ્ચેના મુકાબલામાં મુંબઈની ધરખમ અને વિશાળ સ્કોર કરી ચૂકેલી ટીમ સામે દિલ્હીએ વિજય પ્રાપ્ત કર્યો હતો. મુંબઈ સામે ચાર વિકેટથી વિજય પ્રાપ્ત કરી દિલ્હીએ આઈપીએલના 15માં સંસ્કરણની વિજયી શરુઆત કરી હતી. દિલ્હીની જીતના ત્રણ હીરો રહ્યા. અક્ષય પટેલ, લલિત યાદવ અને કુલદીપ યાદવ. અક્ષર અને કુલદીપે શાનદાર બેટીંગ કરી તો કુલદીપે બોલિંગમાં કમાલ કરી બતાવ્યો હતો. પાંચ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહેલી દિલ્હીની ટીમને અવિશ્વનીય જીત પ્રાપ્ત થઈ હતી.

દિલ્હીની જીતના ત્રણ હીરો

મેચમાં અક્ષર પટેલ અને લલિત યાદવની વચ્ચે સાતમી વિકેટ માટે 75 રનની નોટ આઉટ ભાગીદારી નોંધાઈ હતી. લલિતે ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 બોલમાં 48 રનની ઈનિંગ રમી. બીજી તરફ તેનો સાથ પૂરાવતા અક્ષરે 17 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી નોટ આઉટ 38 રન બનાવ્યા.

ડેનિયલ સેમ્સની ખર્ચાળ બોલિંગ

દિલ્હી કેપિટલ્સને ત્રણ ઓવરમાં જીત માટે 28 રનની આવશ્યકતા હતી. રોહિત શર્માએ 18મી ઓવર માટે ડેનિયલ સેમ્સને બોલાવ્યો. તેણે એક જ ઓવરમાં 24 રન આપી દીધા. અક્ષરે આ ઓવરમાં બે સિક્સર ફટકારી. લલિતે એક સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો. બંને બેટર્સે વચ્ચે એક-એક સિંગલ પણ લીધો.

યાદવ અને અહેમદ ફોર્મમાં ફર્યાં

કુલદીપ યાદવ અને ખલીલ અહેમદ બે એવા બોલર્સ હતા જેમના માટે ગત કેટલીક આઈપીએલ નિરાશાજનક રહી હતી. મુંબઈ વિરુદ્ધ બંનેએ શાનદાર પુનરાગમન કર્યું. કુલદીપે ચાર ઓવરમાં 18 રન આપી ત્રણ વિકેટ ઝડપી. તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ખલીલે 27 રન આપી બે વિકેટ ઝડપી હતી.

દિલ્હીના ફાસ્ટ બોલર્સ પીટાઈ ગયા

દિલ્હીના ફાસ્ટ બોલર્સ આ મેચમાં ખર્ચાળ સાબિત થયા હતા. શાર્દુલ ઠાકુરે ચાર ઓવરમાં 47 રન, કમલેશ નાગરકોટીએ બે ઓવરમાં 29 રન અને લલિત યાદવે બે ઓવરમાં 15 રન આપ્યા. સ્પિનર અક્ષર પટેલને પણ ચાર ઓવરમાં 40 રન પડ્યા.

દિલ્હીના આરંભિક બેટ્સમેનોનો ધબડકો

દિલ્હીના આરંભિક બેટર્સ મેચમાં પુરી રીતે નિષ્ફળ પૂરવાર થયા હતા. ટીમ સાઈફર્ટ સારી શરુઆત બાદ 21 રન બનાવી આઉટ થયો હતો. મંદિપ સિંહ શૂન્ય પર. સુકાની ઋષભ પંત એક રન બનાવીને અને રોવમન પોલ પણ ડક પર આઉટ થયો. પૃથ્વી શોએ 24 બોલમાં 38 રન બનાવ્યા, પણ જ્યારે ટીમને તેની જરૂર હતી ત્યારે વિકેટ ગુમાવી દીધી.

પાંચ વિકેટ બાદ ફટકાબાજી થઈ

પાંચ વિકેટનું પતન થયા બાદ શાર્દુલ ઠાકુરે લલિત યાદવની સાથે ટીમની લડખડાતી ઈનિંગ સંભાળી હતી. બંનેએ 22 બોલમાં 32 રનની ભાગીદારી નોંધાવી. શાર્દુલ ચાર ચોગ્ગાની મદદથી 11 બોલમાં 22 રન બનાવી આઉટ થયો. એ પછી અક્ષર પટેલ અને લલિત યાદવની જોડીએ કમાલ કરી દેતા મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપ્યો.

ઈશાન ઝળક્યો

જો મુંબઈની વાત કરવામાં આવે તો રોહિત અને ઈશાનમાંથી કોઈ એક ખેલાડી મધ્યક્રમમાં રમવા માટે આવતું હતું અને ટીમમાં ઓપનિંગની જવાબદારી ક્વિન્ટન ડિકોકની હતી. આ વખતે ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદ્યો નથી. જેથી રોહિત અને ઈશાને ઓપનિંગ કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 67 રની ભાગીદારી નોંધાવી, રોહિતે ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 32 બોલમાં 41 રન બનાવ્યા જ્યારે ઈશાને 48 બોલમાં 81 રન બનાવ્યા. જેમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાનની સ્ટ્રાઈક રેટ 168.75ની રહી.

ઓપનિંગ બાદ મધ્યક્રમનો સપાટો બોલી ગયો

ઓપનર સિવાય મધ્યમક્રમના કોઈ બેટર્સ કમાલ નહોતા કરી શક્યા. અનમોલપ્રીતસિંહ આઠ, કીરોન પોલાર્ડ ત્રણ અને ટિમ ડેવિડ 12 રન બનાવીને આઉટ થયા. તિલક વર્માએ 15 બોલમાં 22 રન ફટકારી કેટલાક સારા શોટ્સ રમ્યા પણ તે પણ અંતે આઉટ થયો. સૂર્યકુમાર યાદવ આ મેચમાં અનફિટ હોવાથી નહોતો રમ્યો. ટીમમાં તેની ઉણપ વર્તાય હતી.

મુરુગન અશ્વિને રોહિતનો વિશ્વાસ જીત્યો

મુંબઈની ટીમે આ વખતે કોઈ સ્ટાર સ્પિનરને નહોતો ઉતાર્યો. પૂર્વ સ્પિનર મયંક માર્કેંડ અને મુરુગન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. રોહિતે મેચમાં મુરુગન અશ્વિનને રમાડ્યો હતો. લેગ સ્પિનર સુકાનીના ભરોસા પર ખરો ઉતર્યો હતો, અશ્વિને 4 ઓવરમાં 14 રન આપી બે વિકેટ ઝડપી હતી. એક જ ઓવરમાં તેણે બે વિકેટ લીધી હતી. અશ્વિને ટિમ સાઈફર્ટ અને મંદિપ સિંહને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments