Team Chabuk-Sports Desk: ભારત જ્યારે જ્યારે પરાજીત થાય છે ત્યારે ત્યારે 2003ના વિશ્વકપની ફાઈનલનું સ્મરણ થઈ આવે છે. ભારત વિશ્વની એવી ટીમ છે, જેની પાસે સારામાં સારા ખેલાડીઓ હોવા છતાં, વિરોધી ટીમે તેની અણીના સમયે પીદી લઈ નાખતી હોય. કર્ણના શ્રાપની માફક શસ્ત્રો ચાલતા નથી. આટલી ઘાતક ટીમની સામે વિરોધી ટીમ તૈયાર થઈને મેદાનમાં ઉતરતી હોય અને ભારત અતિ-આત્મવિશ્વાસના કૂવામાં તરતું રહી ગયું હોય. દશેરાના દિવસે ઘોડું ન દોડવું, આ કહેવત કદાચ ભારતીય ટીમ માટે જ બની લાગે છે!
ભૂતકાળમાં અસંખ્ય વખત એવું થયું છે કે ભારતની એક નવી જ ટીમે વિજય પ્રાપ્ત કર્યો હોય. જે કોઈની પણ ફેવરિટ નહોતી. 2020માં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સિનીયર ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં પરાજીત કરવું અને બીજું 2007નો વિશ્વકપ. આ બે તેના મોટા ઉદાહરણ છે.
કોહલીની ટીમ ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં પોતાનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કરી ચૂકી છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સામે પરાજય પામી લગભગ વર્લ્ડકપની રેસમાંથી બહાર ફેંકાઈ ગયાનું ઘણા ક્રિકેટ વિવેચકોને દેખાઈ રહ્યું છે. હવે કોઈ ચમત્કાર જ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં પહોંચાડી શકે છે. કોહલીના નબળા નેતૃત્વ બાદ સોશિયલ મીડિયા પર ધોનીનું સ્મરણ જીવંત થઈ ગયું હતું. લોકો ધોનીને યાદ કરી રહ્યા હતા, કેટલાક તેને ટીમમાં પાછા લાવવાનું કહી રહ્યા હતા. આવું જ કદાચ 2003ના વિશ્વકપમાં પરાજીત થયા બાદ સૌરવના કિસ્સામાં પણ બન્યું હશે!
એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં આપણે જોયું છે કે જ્યારે 2003નો વિશ્વકપ હતો, ત્યારે ધોની પશ્ચિમ બંગાળના ખરકપુરમાં ટિકિટ કલેક્ટર હતો અને આ વાતનું દુ:ખ પછીથી સૌરવને પણ રહ્યું છે. સૌરવે આ વાતને ખૂબ સુંદર રીતે પોતાની આત્મકથા વન સેન્ચુરી ઈઝ નોટ ઈનફમાં વર્ણવી છે.
ચેલેન્જર્સ ટ્રોફીમાં સૌરવ ગાંગુલીની ટીમનો સભ્ય મહેન્દ્રસિંહ ધોની હતો. નેટ પ્રેક્ટિસમાં ધોનીને લાંબી સિક્સ ફટકારતો જોઈ મેચમાં સૌરવે તેને આગળના ક્રમે બેટીંગ કરવા માટે મોકલ્યો. તેણે વિસ્ફોટક ઈનિંગ રમી. વાનખેડે સ્ટેડિયમમાં અનુભવી નહેરાની બોલિંગ પર ધોનીને ગગનચૂંબી સિક્સ ફટકારતો જોઈ સૌરવ ખુશ થઈ ગયો.
સૌરવે પોતાની આત્મકથામાં લખ્યું છે, ‘કેટલાય વર્ષ સુધી કેપ્ટન રહ્યા બાદ હું એવા ખેલાડીઓની શોધમાં રહેતો હતો, જે દબાણની પરિસ્થિતિમાં પણ નમતું ન જોખે. તેનામાં મેચ ગમે ત્યારે પરિવર્તન કરી શકવાની ક્ષમતા હોય. 2004માં ધોની મારી નજરમાં આવ્યો. મારા વિચારની પ્રાકૃતિક પ્રગતિ ધોનીને જ ગણી શકાય.’
ચેલેન્જર્સ ટ્રોફીમાં ધોનીને રમતો જોઈ સૌરવને વિચાર આવેલો કે, મોસ્ટ ઓફ છ બેટ્સમેનો સાથે રમતી એ સમયની ભારતીય ટીમમાં એક પાવર હિટરની જરૂર છે. સૌરવને લાગ્યું કે ધોનીમાં એ ક્ષમતા છે. સૌરવે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, કદાચ તે અમારી સાથે 2003ની વિશ્વકપની ટીમનો સભ્ય હોત. પણ કેવી રીતે માનવું કે એ ઈન્ડિયન રેલવેમાં ટિકિટ કલેક્ટર હતો. અવિશ્વસનીય!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત